આયા નયા ટ્રેન્ડ રેઝિન જ્વેલરી કા

03 March, 2023 02:27 PM IST  |  Mumbai | Kajal Rampariya

કૅઝ્યુઅલ વેઅરની સાથે કે ઈવન ફૉર્મલ લુકમાં પણ સરળતાથી ભળી જાય એવી આ ક્લાસિક જ્વેલરી છે. મોટા ભાગે ઇઅર-રિંગ્સ અને પેન્ડન્ટ્સમાં સૌથી વધુ આ જ્વેલરી વપરાય છે. કસ્ટમાઇઝેશન સાથે બનાવી શકાતી હોવાથી ઘણી ગર્લ્સ પોતાની જાતે પણ આવી જ્વેલરી બનાવી લે છે

રેઝિન જ્વેલરી

પહેલાં તો જ્વેલરીની વાત આવે એટલે ઘરેણાં જ યાદ આવતાં, પણ હવે યંગસ્ટર્સ માટે જ્વેલરી એ દાગીના નહીં પણ ફંકી દેખાવાની ઍક્સેસરી જેવું છે. હવે તો આપણે કલ્પના પણ ન કરી હોય એવી-એવી ચીજો અને શેપવાળી ઍક્સેસરીઝ ટીનેજર્સ પહેરે છે. જોકે એમાં અત્યારે ખાસ જામી રહ્યો છે રેઝિન જ્વેલરીનો ટ્રેન્ડ. ખાસ કરીને એપોક્સી રેઝિનમાંથી આ જ્વેલરી બનાવવામાં આવે છે.

ફૅશન જગતમાં જ્વેલરી ક્ષેત્રે થઈ રહેલા વિવિધ અખતરાઓએ ટીનેજર્સને એક પર્ફેક્ટ પર્સનલાઇઝ્ડ ગિફ્ટિંગ સોલ્યુશન આપ્યું છે. જી હા, હાલમાં રેઝિનથી બનતી જ્વેલરી ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. ખાસ કરીને કસ્ટમાઇઝ્ડ રેઝિન પેન્ડન્ટ, ઇઅર-રિંગ્સ, બ્રેસલેટ અને રિન્ગનું ચલણ ખૂબ જ વધ્યું છે. ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે રેઝિન એ કઈ બલાનું નામ છે?  તો તમને જણાવી દઈએ કે રેઝિન એ એક પ્રકારનું પારદર્શક કેમિકલ હોય છે, જેનો ઉપયોગ જ્વેલરી બનાવવામાં થાય છે. ટીનેજર્સમાં રેઝિન જ્વેલરી ખૂબ જ લોકપ્રિય છે. રેઝિન જ્વેલરીની લોકપ્રિયતા વધવાનું કારણ એ છે કે એ ખૂબ જ સસ્તું છે. ઑનલાઇન માર્કેટ અને સોશિયલ મીડિયા પર રેઝિન જ્વેલરીની માંગ ખૂબ જ વધી રહી છે.

મુલુંડમાં રહેતી ગુજરાતી પરિવારની ૧૭ વર્ષની બે કઝિન સિસ્ટર્સ કાજલ અને ભક્તિ ચંદન સ્ટડીઝની સાથે રેઝિન જ્વેલરી મેકિંગનો બિઝનેસ પણ કરે છે. છેલ્લાં બે વર્ષથી બંને બહેનો રેઝિન જ્વેલરી બનાવે છે. તાજેતરમાં ચાલી રહેલા ટ્રેન્ડ વિશે ભક્તિ કહે છે, ‘રેઝિન જ્વેલરી બજેટ-ફ્રેન્ડ્લી ગિફ્ટિંગ ઑપ્શન છે. આપણા દેશની સરખામણીએ આવા પ્રકારની જ્વેલરીનું ચલણ વિદેશમાં વધુ છે. ખાસ કરીને અમેરિકા, રશિયા અને ગ્રીસ જેવા દેશોમાં રેઝિન જ્વેલરી ખૂબ જ પ્રચલિત છે. આપણા દેશમાં છેલ્લાં બે વર્ષથી રેઝિનથી બનેલી જ્વેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને ટીનેજર્સ કૅઝ્યુઅલ વેઅર સાથે રેઝિન જ્વેલરી પહેરવાનું પસંદ કરતા હોય છે. ફક્ત ટીનેજર્સ જ નહીં, અન્ય એજગ્રુપના લોકો પણ ધીરે-ધીરે રેઝિન જ્વેલરીને અપનાવી રહ્યા છે. જો તમે કોઈ ખાસ વ્યક્તિએ આપેલી ભેટને આજીવન પ્રિઝર્વ કરવા માગો છો તો રેઝિન જ્વેલરી બેસ્ટ અને અફૉર્ડેબલ ગિફ્ટિંગ ઑપ્શન છે.’

કસ્ટમાઇઝેશનને કારણે રેઝિન જ્વેલરીનો ટ્રેન્ડ આજકાલ વધી રહ્યો છે. રેઝિન જ્વેલરી ટકાઉ હોય છે. આ ઉપરાંત પ્રાઇસના મામલે રેગ્યુલર જ્વેલરીની સરખામણીમાં રેઝિનની જ્વેલરી વધુ સસ્તી મળી જાય છે. રેઝિનમાં પણ ખાસ કરીને ફ્લાવર પ્રિઝર્વેશન અને ઓશન ઇફેક્ટ ડિઝાઇન ટ્રેન્ડમાં ચાલી રહી છે. રોઝ ગોલ્ડ, ગોલ્ડ અથવા સિલ્વર ચેઇન પર લંબગોળ, ગોળ, ત્રિકોણ, બટરફ્લાય, હાર્ટ, ફ્લાવર જેવા વિવિધ શેપનાં ડિઝાઇનર પેન્ડન્ટ મળી રહેશે. આ ઉપરાંત બ્રેસલેટમાં ખાસ કરીને ઈવિલ આઇ બ્રેસલેટની ડિમાન્ડ વધુ છે. ઇઅર-રિંગ અને રિન્ગમાં પણ વિવિધ પ્રકારના શેપ અને ડિઝાઇન ઉપલબ્ધ છે. ઇઅર-રિંગ અને રિન્ગમાં પણ તમે ફ્લાવર પ્રિઝર્વેશન કરી શકો છો. રિન્ગમાં પણ વિવિધ પ્રકારની વરાઇટી આવી છે. ભારતમાં રેઝિન જ્વેલરી વિશે હજી જોઈએ એટલી જાગરૂકતા નથી આવી, પરંતુ આગામી બે વર્ષમાં રેઝિન જ્વેલરી ધૂમ મચાવશે એ તો પાક્કું જ!

રેઝિન જ્વેલરીની કિંમત વિશે બારમા ધોરણમાં ભણતી ભક્તિ કહે છે કે આમ તો માર્કેટમાં રેઝિન જ્વેલરીના ભાવ ડિઝાઇન અને કસ્ટમાઇઝેશન પ્રમાણે હોય છે. ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયાથી રેઝિનનાં આભૂષણો શરૂ થાય છે.

ક્લાસિક લુક આપતી એક્સક્લુઝિવ જ્વેલરી પાંચ હજાર રૂપિયા સુધીની પણ હોય છે. આ પ્રકારની જ્વેલરી તમે તમારા પાર્ટનર, ફ્રેન્ડ્સ અને ફૅમિલી મેમ્બર્સને આપી શકો છો.

life and style columnists fashion