03 November, 2026 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આખા ઘરમાં એલિગન્ટ અને ફેસ્ટિવ લુક આપવા માટે નાડાછડી બહુ પૉપ્યુલર બની રહી છે. એમાંનો લાલ-પીળો રંગ આપણી સંસ્કૃતિમાં શુભ માનવામાં આવતો હોવાથી તહેવારો, લગ્નપ્રસંગો કે વાસ્તુપૂજન જેવા શુભ પ્રસંગોએ ઘરને ટ્રેડિશનલ ટચ આપવા માટે લોકો પ્લાસ્ટિક કે ચાઇનીઝ ડેકોર આઇટમ્સને બદલે આ ઇકો-ફ્રેન્ડ્લી ઑપ્શનના ડેકોરેશન તરફ વળી રહ્યા છે. જાણો તોરણ અને
વૉલ-હૅન્ગિંગ્સ સિવાય બીજી કઈ-કઈ યુનિક ચીજોમાં નાડાછડીનો ઉપયોગ થઈ રહ્યો છે અને એને ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય.
નાડાછડીમાંથી બનતી ટ્રેન્ડિંગ ડેકોર આઇટમ્સ
તોરણ અને વૉલ-હૅન્ગિંગ્સ : ઘરના એન્ટ્રન્સ માટે નાડાછડીના જાડા દોરા ગૂંથીને એની સાથે મોતી, કોડી અને કલરફુલ ટેસલ્સ, ઘંટડી, ઘૂઘરી અને મોતી જેવાં એલિમેન્ટ્સ અટૅચ કરીને સુંદર તોરણ બનાવવામાં આવે છે. આ જ રીતે લિવિંગરૂમની દીવાલો માટે ગોળાકાર કે ઓમ આકારનાં વૉલ-હૅન્ગિંગ્સ પણ અત્યારે બહુ પસંદ કરવામાં આવી રહ્યાં છે.
શુભ-લાભ અને સાથિયા : લાકડાના કે MDF બોર્ડનાં કટઆઉટ્સ પર નાડાછડીને વ્યવસ્થિત રીતે વીંટાળીને એના પર કુંદન કે મિરરવર્ક કરીને લટકાવી શકાય એવા શુભ-લાભ, રિદ્ધિ-સિદ્ધિ અને સાથિયાનાં આર્ટપીસ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ ડેકોર આઇટમ્સ તરીકે પૉપ્યુલર બની રહ્યાં છે.
પૂજાથાળી ડેકોરેશન : સ્ટીલ, તાંબા કે લાકડાની પ્લેટ પર ફેવિકૉલની મદદથી નાડાછડીને ગોળાકાર ફેરામાં ચોંટાડીને આખી થાળીને બેઝ કલર આપવામાં આવે છે. ત્યાર બાદ એના પર ગોટાપટ્ટી કે મોતી લગાવીને લક્ષ્મીપૂજન માટેની થાળીઓ માર્કેટમાં જોવા મળી રહી છે.
ટી-લાઇટ હોલ્ડર્સ : બજારમાં મળતાં સાદા કાચનાં કે માટીનાં ટી-લાઇટ હોલ્ડર્સની આસપાસ નાડાછડી વીંટાળીને એનો ઇન્સ્ટન્ટ ફેસ્ટિવ લુક બહુ ટ્રેન્ડમાં છે.
કુમકુમ પગલાં અને ડ્રૉઇંગ-રૂમ પ્લેટર્સ : દિવાળીમાં માતાજીનાં પગલાંનાં કટઆઉટ્સ પર નાડાછડીનું ફિનિશિંગ આપીને એને ફ્લોર ડેકોરેશન તરીકે વાપરવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સ કે મુખવાસ આપવા માટેનાં બાઉલ અને પ્લેટર્સને પણ આ દોરાથી નવો લુક આપવામાં આવી રહ્યો છે.
કંદીલ : આ વખતે નાડાછડીમાંથી બનાવેલાં અને લૅમ્પશેડ્સ આઇટમ્સમાંનાં એક છે. આ લૅમ્પમાંથી ગળાઈને આવતો લાલ-પીળો પ્રકાશ ઘરમાં હૂંફાળું અને પવિત્ર વાતાવરણ ઊભું કરે છે. આમાં પણ ઘણી અલગ-અલગ પૅટર્ન્સ જોવા મળી રહી છે.
લૅમ્પ બૉલ : પહેલાં ફુગ્ગાને મધ્યમ કદમાં ફુલાવી લો. પછી એક વાટકીમાં ફેવિકૉલ અને થોડું પાણી મિક્સ કરીને પાતળું મિશ્રણ બનાવો. હવે નાડાછડીના દોરાને આ મિશ્રણમાં બોળીને ફુગ્ગાની આસપાસ આડી-અવળી રીતે વીંટાળતા જાઓ. ફુગ્ગો આખો ઢંકાઈ ન જાય અને વચ્ચે થોડી જગ્યા રહે એ રીતે જાળીદાર પૅટર્ન બનાવો. એને એક દિવસ સુકાવા દો. બરાબર સુકાઈ જાય એટલે ફુગ્ગાને ટાંકણી મારીને ફોડી નાખો અને અંદરથી કાઢી લો. નાડાછડીનો ગોળો તૈયાર થઈ જશે. એની અંદર LED બલ્બ કે લાઇટ સિરીઝ મૂકીને લટકાવી દો. આ કંદીલ તમારી ગૅલરી અથવા ઘરના એન્ટ્રન્સ પર એસ્થેટિક વાઇબ્સ ક્રીએટ કરશે.
નાડાછડી કોસ્ટર્સ : જો પૂંઠું વાપરતા હો તો એને ગોળ આકારમાં કાપી લો. સીડી અથવા પૂંઠાની મધ્યમાંથી શરૂ કરીને ફેવિકૉલ લગાવો. નાડાછડીના દોરાને કેન્દ્રમાંથી સ્પાઇરલ ફેરવતા જઈને પૂંઠા પર બરાબર ચોંટાડતા જાઓ. આખી સીડી દોરાથી ઢંકાઈ જાય એટલે છેડેથી દોરો કાપીને ફિક્સ કરી લો. હવે એની કિનારીઓ પર કે વચ્ચે નાના ગોળ અથવા ત્રિકોણ આકારના મિરર ચોંટાડી દો. તમારા ડાઇનિંગ ટેબલ અથવા સેન્ટર ટેબલ માટે વૉટરપ્રૂફ જેવાં સુંદર અને ટ્રેડિશનલ કોસ્ટર્સ તૈયાર થઈ જશે.