આને કહેવાય દિવાળીનો શાનદાર લુક

18 October, 2021 10:12 AM IST  |  Mumbai | Varsha Chitaliya

તહેવારોમાં સ્ટાઇલની સાથે કૂલ લુક જોઈતો હોય તો શૉર્ટ, થ્રી કટ અથવા લખનવી કુરતા વિથ ઍન્કલ લેન્ગ્થ પૅન્ટ બેસ્ટ ચૉઇસ

આને કહેવાય દિવાળીનો શાનદાર લુક

દિવાળી એટલે હોમ ક્લીનિંગ, પરંપરાગત નાસ્તા, ફટાકડા, સાજ-શણગાર અને મનગમતાં પરિધાન પહેરીને મહાલવાનો તહેવાર. ઉમંગ અને ઉત્સાહના આ પર્વમાં ઘરની દરેક વ્યક્તિ નવા લુકમાં જોવા મળે છે. ફેસ્ટિવ સીઝનમાં બજારમાં નવું કલેક્શન પણ આવી જાય છે. ફૅશન-ડિઝાઇનરોનું કહેવું છે કે મોટા ભાગે પુરુષોને છેલ્લે સુધી ઑફિસમાં જવાનું હોવાથી તેમણે વધુ ભપકાદાર નહીં, પણ કલરફુલ અટાયર પસંદ કરવાં જોઈએ જેથી રિલૅક્સેશન સાથે ફેસ્ટિવલ એન્જૉય કરી શકે. દિવાળીના મુખ્ય દિવસો દરમ્યાન ઘરમાં રિલૅક્સ મૂડ સાથે ઉત્સાહ બરકરાર રહે એવા કૂલ એથ્નિક વેઅર તેમને માટે બેસ્ટ ચૉઇસ કહેવાય. આ વર્ષે પુરુષોના અટાયરમાં શું ટ્રેન્ડમાં છે જાણી લો.
સ્ટાઇલમાં રહો |     
તહેવારમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું કહો એટલે સામાન્ય રીતે પુરુષો જીન્સ પર ઝભ્ભો ચડાવી લે અથવા શેરવાની કે કુરતા અને ચૂડીદાર ખરીદી લાવે. હવે તેમણે આઉટ ઑફ બૉક્સ વિચારવું જોઈએ એવી ભલામણ કરતાં થાણે અને મુલુંડમાં સ્ટુડિયો ધરાવતા ફૅશન-ડિઝાઇનર પીયૂષ શાહ કહે છે, ‘હવે પુરુષો પણ દિવાળીનાં પ્લાનિંગ કરતા થયા છે. આ વર્ષે ત્રણ સ્ટાઇલ જબરદસ્ત ટ્રેન્ડમાં છે. લખનવી, થ્રી કટ અને શૉર્ટ કુરતા. લખનવી સૌથી વધુ ડિમાન્ડમાં છે, કારણ કે એમાં બિલકુલ ગરમી થતી નથી. સેલ્ફ થ્રેડ પ્રિન્ટ સ્ટાઇલના આ કુરતા દરેક એજના પુરુષો પર શોભે છે. સમથિંગ ન્યુ અને સ્માર્ટ લુક જોઈતો હોય તો થ્રી કટ સ્ટાઇલના કુરતા બેસ્ટ ચૉઇસ છે. એમાં સાઇડમાં બે કટ અને વચ્ચે એક કટ હોય છે. શૉર્ટ કુરતા પણ પૉપ્યુલર છે. ઘણા કસ્ટમરને ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલના અપ ઍન્ડ ડાઉન કુરતા પસંદ પડી રહ્યા છે. બૉટમમાં પણ ફૅશન બદલાઈ છે. કુરતાની નીચે ચૂડીદાર હવે આઉટડેટેડ થઈ ગયાં છે. અત્યારે પૅન્ટનો જમાનો છે. કોઈ પણ સ્ટાઇલના કુરતા સાથે નેરો બૉટમ ઍન્કલ લેન્ગ્થ પૅન્ટ સ્લિમ લુક આપે છે. દિવાળીમાં સ્ટાઇલિશ દેખાવા લેટેસ્ટ ટ્રેન્ડને ફૉલો કરો.’
કલર્સ એન્ડ ફેબ્રિક | 
વેડિંગ અને ફેસ્ટિવ સીઝનના કલર્સ તેમ જ ફૅબ્રિક જુદા હોવા જોઈએ એમ જણાવતાં પીયૂષ કહે છે, ‘મિન્ટ ગ્રીન, અન્યન પિન્ક, લેમન, લાઇલેક (લવન્ડર) જેવા કલર્સ ડિસન્ટ લાગે છે. ફેસ્ટિવ સીઝનમાં લાઇટ વેઇટ જેમાં લાઇનિંગનો ઉપયોગ ન થયો હોય એવા અટાયર પસંદ કરવા. ફ્લોરલ સિલ્ક, એમ્બોસ ફૅબ્રિક અને લખનવીમાં જોઈએ એવું કલેક્શન મળી રહેશે. બૉટમમાં વાઇટ અને ઑફ વાઇટ કલર સેફ અને ટ્રેન્ડી મનાય છે. જોકે હવે શુભ-અશુભમાં કોઈ માનતું નથી એથી બ્લૅક પૅન્ટ પણ ચલણમાં છે. ચૂડીદારની જેમ ગોલ્ડન કલરને હવે સાઇડમાં મૂકી દેજો અને હા, મોજડીને પણ ફેસ્ટિવલ સીઝન પૂરતી બૉક્સમાં પૅક કરીને મૂકી દેજો. મોજડી ભારે ભપકાદાર કુરતા પર સારી લાગે છે. વેડિંગમાં આપણે પહેરતા જ હોઈએ છીએ એથી દિવાળીમાં શૂઝ પહેરવા. કુરતા સાથે પૉઇન્ટેડ શૂઝ પર્ફેક્ટ મૅચ છે. પૅટર્ન અને ફૅબ્રિક જેટલાં સિમ્પલ હશે એટલી પહેરવાની મજા આવશે. તમે દિવાળીને એન્જૉય કરી શકશો. બજારમાં ઘણી વરાઇટી અવેલેબલ હોવા છતાં મોટા ભાગના પુરુષો કસ્ટમાઇઝ્ડ કુરતા સીવડાવે છે, કારણ કે એમાં ફૅબ્રિક, સ્ટાઇલ અને કલર બધું પસંદગી મુજબ મળી રહે છે.’
ફેસ્ટિવ સીઝનમાં પુરુષોએ પણ મહિલાઓની જેમ કંઈક ઇનોવેટિવ કરતા રહેવું જોઈએ. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે અને બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે સ્ટાઇલ અને લેટેસ્ટ ફૅશન-ટ્રેન્ડને ફૉલો કરવાનું ચૂકતા નહીં. 

આ વર્ષે લખનવી, થ્રી કટ અને શૉર્ટ કુરતા સૌથી વધુ ડિમાન્ડમાં છે. લાઇટ વેઇટ ફૅબ્રિકમાં મિન્ટ ગ્રીન, અન્યન પિન્ક, લેમન, લાઇલેક જેવા કલર્સ ડિસન્ટ લાગે છે. બૉટમમાં વાઇટ અને ઑફ વાઇટ કલર સેફ અને ટ્રેન્ડી મનાય છે.
પીયૂષ શાહ, ફૅશન-ડિઝાઇનર

કુરતા સાથે પૉઇન્ટેડ શૂઝ પર્ફેક્ટ મૅચ છે. પૅટર્ન અને ફૅબ્રિક જેટલાં સિમ્પલ હશે એટલી પહેરવાની મજા આવશે.

diwali columnists Varsha Chitaliya