જાતજાતના નુસખા પછી પણ સ્કિન ડ્રાય જ થઈ જાય છે

21 January, 2020 02:30 PM IST  |  Mumbai | RJ Mahek

જાતજાતના નુસખા પછી પણ સ્કિન ડ્રાય જ થઈ જાય છે

ફાઈલ ફોટો

સૂકી અને ઠંડી હવા છે વિલન ઠંડીમાં હવા સૂકી અને ઠંડી હોય છે જેથી સ્કિન ૨૫ ટકા મૉઇશ્ચર ગુમાવી દેતી હોય છે. એટલે શરીરના જેટલા ભાગ ખુલ્લા હોય ત્યાં આ સૂકી હવા લાગે એટલે એનું મૉઇશ્ચર જતું રહે છે અને સ્કિન ડ્રાય થઈ હોય છે. એટલે બને ત્યાં સુધી શરીરને કોઈ ને કોઈ લેયરથી ઢાંકેલું રાખવું.

હીટરનો વધુ ઉપયોગ

ઠંડીથી બચવા આપણે હીટરનો સહારો લેતા હોઈએ છે જેનાથી ગરમી તો મળે છે, પણ એ ગરમ હવા પણ ક્યાંક ને ક્યાંક કારણ બને છે આપણી સ્કિનને ડ્રાય કરવા માટે. એટલે વધુપડતો હીટરનો ઉપયોગ ટાળવો જોઈએ.

ગરમ પાણી છે સ્કિનનું દુશ્મન

ઠંડીમાં નાહવું એટલે તો જાણે યુદ્ધ લડવા જેવું અઘરું લાગે એટલે આપણે એકદમ ગરમ પાણીથી નાહીએ છીએ, હૉટ શાવર લેતા હોઈએ છીએ જેનાથી પણ સ્કિન ડ્રાય થાય છે. એટલે એનો અર્થ એમ નહીં કે આપણે ઠંડીમાં ધ્રૂજતાં-ધ્રૂજતાં ઠંડા-ઠંડા પાણીથી નાહવું જોઈએ. ગરમ નહીં પણ હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

લોશન ઉપયોગ ટાળવો

આળસ કે ગલત માન્યતા હોય કે આપણે ઘરની બહાર જઈએ ત્યારે જ ક્રીમ કે લોશન લગાવીએ, ઘરમાં નહીં લગાવીએ તો ચાલે અને એટલે પણ સ્કિન ડ્રાય થાય છે. શિયાળામાં નહાઈને અને રાત્રે સૂતા પહેલાં ઓછામાં ઓછી બે વાર તો આખા શરીર પર ક્રીમ અને લોશન અવશ્ય લગાવવું.

વારંવાર હાથ ધોવા

ઘણા લોકોને ટેવ હોય છે વારંવાર હાથ ધોવાની અથવા હૅન્ડ સૅનિટાઇઝર વાપરવાની, જેમાં રહેલું આલ્કોહૉલ હાથની સ્કિન ડ્રાય કરી નાખે છે. હૅન્ડવૉશ કે સાબુથી પણ વારંવાર હાથ ધોવાથી ડ્રાયનેસ આવે છે.

પાણી ઓછું પીવું

શિયાળામાં તરસ ઓછી લાગે છે એટલે સ્વાભાવિક રીતે પાણી ઓછું પીવાય છે અને આ પણ એક મુખ્ય કારણ છે સ્કિન ડ્રાય થવા પાછળનું. એટલે તરસ લાગે કે નહીં, પરંતુ દિવસમાં ૧૦થી ૧૨ ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ. ઠંડીમાં પરસેવો થતો નથી એથી શરીરની અંદરનો કચરો પેશાબ દ્વારા નીકળી શકે અને હેલ્થ સારી રહે સાથે સ્કિન બેજાન નહીં થાય.

ગરમ કપડાં

ઊન આપણને ગરમાટો આપે છે પણ ક્યાંક ને ક્યાંક આપણી સ્કિનનું મૉઇશ્ચર શોષી લે છે. હવે વુલન કપડાં પહેર્યા વગર તો ચાલે નહીં, પણ એમાં આપણે એટલું ધ્યાન રાખી શકીએ કે ગરમ કપડાં બહુ ખરબચડાં ન હોય. આપણી સ્કિન માટે મુલાયમ હોય સાથે ગરમાટો પણ આપે એવાં કપડાંથી ઠંડી ઉડાડી શકાય.

સાબુનો ઉપયોગ

સાબુમાં હાર્શ કેમિકલ્સ હોય છે જેથી સ્કિનને ડ્રાય કરવામાં સાબુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. મૉઇશ્ચરાઇઝરવાળા બેબી સોપ્સ વાપરી શકાય અથવા બૉડી વૉશ કે લિક્વિડથી નાહી શકાય અને તમારી સ્કિન ડ્રાય થતી અટકાવી શકાય.

ગળપણનું વળગણ

આપણને ગળ્યું ખાવાનું બહુ ભાવે અને એમાં પણ ઠંડી હોય એટલે ગાજરનો હલવો, ગરમ-ગરમ ચા-કૉફી પીતા જ રહીએ છીએ, પણ શું તમે જાણો છો કે વધુપડતા ખાંડના સેવનથી પણ સ્કિન ડ્રાય થઈ શકે છે? વજન વધી જશે એમ વિચારી આપણે ખાવામાં ઘી નથી ખાતા, પણ ઘી આપણા શરીરના સાંધાઓ માટે તો સારું છે પણ આપણા ચમકતા વાળ અને સ્કિન માટે પણ એટલું જ જરૂરી છે.

તો આટલી વાતોનું ધ્યાન રાખીશું તો શિયાળો આપણી મનગમતી ઋતુ તો બનશે જ સાથે આપણી સ્કિનની પણ. હૅપી વિન્ટર!

skin care fashion