ફૅશન શો, ગ્રૂમિંગ, ડાન્સ કોરિયોગ્રાફી શું નથી આવડતું આ કચ્છી મહિલાને?

09 November, 2021 12:32 PM IST  |  Mumbai | Bhavini Lodaya

લગ્ન પહેલાં અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે અક્ષયકુમાર, ઊર્મિલા માતોન્ડકર, ગોવિંદા અને રવીના ટંડન સાથે કામ કરી ચૂકેલાં કચ્છી દીપ્તિ વોરાને લગ્ન પછી ચાર વર્ષનો બ્રેક લેવો પડ્યો.

આ જુલાઈ મહિનામાં ઇન્ડિયન ટેલિવઝિન અવૉર્ડના ફંક્શનમાં મિસ અને મિસિસ ક્વીન ઑફ ઇન્ડિયાના બ્યુટી પેજન્ટની ફૅશન કોરિયોગ્રાફી દીપ્તિએ કરી હતી

લગ્ન પહેલાં અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે અક્ષયકુમાર, ઊર્મિલા માતોન્ડકર, ગોવિંદા અને રવીના ટંડન સાથે કામ કરી ચૂકેલાં કચ્છી દીપ્તિ વોરાને લગ્ન પછી ચાર વર્ષનો બ્રેક લેવો પડ્યો. જોકે સાસરિયાંઓનાં દિલ જીતીને તેમણે ફરીથી ડાન્સ અને ફૅશન વર્લ્ડમાં એન્ટ્રી મારીને સાબિત કરી દીધું કે ટૅલન્ટને કદી કોઈ બ્રેક ન લાગી શકે

ઘણી સ્ત્રીઓ લગ્ન બાદ કામ ન થઈ શકે એવું માને છે. એમાંય જો સાસરિયાં તરફથી એવો

આગ્રહ હોય કે પરિવારને પહેલું પ્રાધાન્ય આપવાનું, કરીઅર પછી તો-તો સ્ત્રીઓ પોતાનાં

સપનાં પર પૂર્ણવિરામ જ મૂકી

દેતી હોય છે. પરિવારની ના હોવાથી તે ગમેએટલું ઇચ્છે, ફરીથી કામ કરવાની હિંમત

ભાગ્યે જ એકઠી કરી શકે છે. જોકે થાણેમાં રહેતાં દીપ્તિ વોરા આવી મહિલાઓ માટે દાખલારૂપ છે. કઈ રીતે પતિ અને સાસરિયાંનો પ્રેમ

અને સપોર્ટ જીતીને પોતાનાં સપનાં પૂરાં કરવાં અને સાસરિયાંને ગૌરવ

લેવાનું મન થાય એવું કામ કરવું

એ ૪૪ વર્ષનાં દીપ્તિ પાસેથી શીખવા જેવું છે.

નાની ઉંમરે ડાન્સની કરીઅર | દીપ્તિ બાળપણથી જ ડાન્સ માટે ખૂબ પૅશનેટ હતી. સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે પોતાના ક્લાસ માટે જાતે ડાન્સ કોરિયોગ્રાફ કરેલો અને ફર્સ્ટ પ્રાઇઝ મેળવેલું. તેમનાં મમ્મીને દીકરીની આ કળાની પરખ થઈ ગયેલી એટલે તેમણે દીકરીને ખૂબ પ્રોત્સાહન આપ્યું. દીપ્તિ કહે છે, ‘કૉલેજમાં મારા ડાન્સના પૅશનને એક દિશા મળી. કૉલેજના પ્રોગ્રામોમાં મને સારીએવી ટ્રેઇનિંગ મળવા લાગી. એમ કરતાં બૉલીવુડ કોરિયોગ્રાફર પપ્પુ માલુ સાથે હું અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે જોડાઈ. તેમની સાથે મને અક્ષય કુમાર, ઊર્મિલા, ગોવિંદા, રવીના ટંડન વગેરે અનેક હિરોઇનોને શીખવવાનો મોકો મળ્યો. ગોવિંદા અને અક્ષય સાથે મેં ડ્યુએટ ડાન્સ પર્ફોર્મન્સ પણ કર્યા હતા.  ઘણી ઇન્ટરનૅશનલ ટૂરો પણ કરી. આ બધાથી કૉન્ફિડન્સ બૂસ્ટ થયો. ’

જોકે કરીઅરની ગાડી પાટે ચડે એ પહેલાં જ એના પર બ્રેક લાગી. લવ મૅરેજ પછી લાઇફ કઈ રીતે બદલાઈ એ વિશે દીપ્તિ કહે છે, ‘લગ્ન પહેલાં જ મારા હસબન્ડે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે લગ્ન બાદ હું કામ છોડી દઉં અને ઘર-પરિવાર સાથે સમય વિતાવું તો સારું. મેં તેની ઇચ્છાને માન આપ્યું અને લગ્ન બાદ કરીઅર પર સંપૂર્ણ વિરામ આવી ગયો. એક દીકરાનો જન્મ થયો અને જોતજોતામાં ચાર વર્ષ વીતી ગયાં. ગ્લૅમર વર્લ્ડ અને કૅમેરાને છોડી પરિવાર સાથેનું જીવન પણ ખૂબ સુંદર હતું; પરંતુ કંઈક મિસિંગ છે, કંઈ ખૂટે છે એવું ફીલ થયા કરતું. ૪ વર્ષ બાદ મારામાં રહેલી કળાએ મને ફરી જગાડીને ટકોર કરી અને મેં મારા સસરાજીને કહ્યું કે મારે બપોરના સમયે થોડુંઘણું કામ શરૂ કરવું છે. તેમણે કહ્યું થાણેમાં રહીને જે કરવું હોય એ કરો, બહાર નહીં. મને થયું ચાલો કમસેકમ પરમિશન તો મળી. શરૂઆતમાં તો મને એમ લાગ્યું કે ચાર વર્ષથી છૂટી ગયેલું કામ  ફરીથી થશે કે નહીં? પણ પછી  વિચાર કર્યો કે મારામાં ટૅલન્ટ તો છે જ, ખાલી એ સૂતી છે અને મારે એને જગાડવાની છે. એમ સ્વને આત્મવિશ્વાસ જગાડ્યો અને બસ, આમ અંદરથી જાગી ગઈ અને થાણેમાં શીખવવાનું શરૂ કર્યું. ક.વી.ઓ. સમાજમાં ધીરે-ધીરે દરેક પ્રોગ્રામમાં શીખવાડતી થઈ, સમાજમાં નામ થતું ગયું અને ઘરના સૌ ખુશ થતા ગયા. ઘર અને કામ બન્નેને બૅલૅન્સ કરતી હતી એટલે તેમનો મારા પ્રત્યેનો વિશ્વાસ વધતો ગયો અને મારા હસબન્ડ મારી તાકાત બનતા ગયા. મારી અચીવમેન્ટમાં સૌથી વધારે એ ખુશ થાય.’

યુનિકનેસથી મળેલી ખ્યાતિ | નવી-નવી ક્રીએટિવિટી કરતી ગઈ અને યુનિકનેસને કારણે કામની નોંધ લેવાતી ગઈ એમ જણાવતાં દીપ્તિ કહે છે, ‘લગ્ન કે સંગીતસંધ્યાની કોરિયોગ્રાફી હોય કે ગરબા અને ફૅશનની કોરિયોગ્રાફી, મારી ક્રીએટિવિટીને કારણે જ મને નવી-નવી તકો મળતી ગઈ. સોની ટીવીના boogie woogie ડાન્સ ટીવી-શોની પણ વિનર બની. ગરબા ક્વીન તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. ઓલ ઇન્ડિયામાં ડાન્સ અને ફેશન શોના કાર્યક્રમોમાં જજ તરીકે જાઉં છું.’

ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ | આ જુલાઈ મહિનામાં ઇન્ડિયન ટેલિવઝિન અવૉર્ડના ફંક્શનમાં મિસ અને મિસિસ ક્વીન ઑફ ઇન્ડિયાના બ્યુટી પેજન્ટની ફૅશન કોરિયોગ્રાફી દીપ્તિએ કરી હતી. દીપ્તિ કહે છે, ‘આ શોમાં મેં ઇન્ટરનૅશનલ લેવલની સીક્વન્સ બનાવીને જાણે મિસ યુનિવર્સનો શો હોય એવી ફીલ ક્રીએટ કરી હતી, જે સૌને પસંદ આવી. આ જ શોમાં સેલિબ્રિટી કોરિયોગ્રાફર અને ટીવીની ખ્યાતનામ હસ્તીના હાથે ફૅશન કોરિયોગ્રાફી માટે ૨૦૨૧નો દાદાસાહેબ ફાળકે ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડ મળ્યો એ મારા માટે અત્યાર સુધીની બેસ્ટ અચીવમેન્ટ છે.’

ટૅલન્ટ કદી મરતી નથી

ચાર વર્ષના બ્રેક પછી શરૂ કરેલી નવી સફરમાં એવું તો શું થયું કે તે સફળતાનાં શિખરોને સર કરી શકી? પોતાના જેવી મહિલાઓ માટે દીપ્તિ કહે છે, ‘શું છૂટી ગયું છે એ વિચારવાને બદલે આગળ શું છે એનો વિચાર કરવો જોઈએ. ઘણી વખત સંજોગોને કારણે જ બ્રેક આવી જાય તો એમ નહીં વિચારો કે હવે તો તક જતી રહી. માણસ સૌથી પહેલાં મનથી હારી જાય છે અને મનથી હારેલાને કોઈ મદદ નથી કરી શકતું. ચાર વર્ષના બ્રેક પછી જો હું એવા વિચારો થકી બેસી રહી હોત તો કદાચ સફળતા જોઈ જ ન શકી હોત. આત્મવિશ્વાસ અને ટૅલન્ટ હશે તો એ કદી એળે નહીં જાય. માત્ર અંદર ધરબાયેલી સૂતેલી ક્ષમતાને જગાડવાની જરૂર છે. આપણા કચ્છી ગુજરાતી સમાજમાં સ્ત્રીઓને એમ લાગે છે કે ગ્લૅમર અને કૅમેરાની દુનિયા આપણા માટે નથી; એમાં તમે ગમેએટલું કરશો, સારી કરીઅર નહીં બનાવી શકો. એવું ન માનો. આ વર્લ્ડ કંઈ ખરાબ નથી. જો આપણે સાચી દિશામાં પ્રયત્ન કરીએ છીએ તો ક્યાંય અવરોધ નથી નડતો. અને કંઈક કરવાની લગન અને જીદ હશે તો બધી જવાબદારીઓ પૂરી કરીને પણ સફળતા મળશે જ.’

columnists fashion