સેલ્ફ-પ્રમોશનમાં વધુ પાવરધો છે આજનો પુરુષ

26 July, 2021 11:36 AM IST  |  Mumbai | Jigisha Jain

હાર્વર્ડનું એક રિસર્ચ કહે છે કે જૉબ હોય કે પર્ફોર્મન્સ રિવ્યુ કે નેટવર્કિંગ કરીઅર આગળ ધપાવવા માટે સેલ્ફ-પ્રમોશન ખૂબ જ જરૂરી બાબત છે જેમાં સ્ત્રીઓ કરતાં પુરુષો ઘણા આગળ નીકળેલા છે

મૌલિક પાઠક

એક સમય હતો જ્યારે અપને મુંહ મિયાં મિઠ્ઠુ બનવાને ખરાબ માનવામાં આવતું પરંતુ આજકાલ સ્વપ્રશંસા જરૂરી બની ગઈ છે. સેલ્ફ-પ્રમોશન ઘણું જ મહત્ત્વનું બન્યું હોવાથી જૉબ સાચવવા, બિઝનેસ આગળ ધપાવવા કે પોતાનું નામ બનાવવા માટે આજનો પુરુષ સેલ્ફ-પ્રમોશનમાં રત બન્યો છે. જોકે અહીં એ સમજવું જરૂરી છે કે સમાજ ગમે તેટલો બદલાય, પરંતુ પ્રોડક્ટનું મહત્ત્વ પ્રમોશનથી ઉપર જ રહેવાનું છે

હાર્વર્ડનું એક રિસર્ચ કહે છે કે જૉબ હોય કે પર્ફોર્મન્સ રિવ્યુ કે નેટવર્કિંગ કરીઅર આગળ ધપાવવા માટે સેલ્ફ-પ્રમોશન ખૂબ જ જરૂરી બાબત છે જેમાં સ્ત્રીઓ કરતાં પુરુષો ઘણા આગળ નીકળેલા છે. નૅશનલ બ્યુરો ઑફ ઇકૉનૉમિક રિસર્ચના મુજબ સ્ત્રીઓ કરતાં પુરુષોને પોતાના કામની ગણના વધુ હતી એટલું જ નહીં, તે પોતાના કામથી સંતુષ્ટ હતા કેમ કે પોતે સારું કામ કર્યું છે એવું તેઓ માનતા હતા. એક સમય હતો જ્યારે ચાર માણસોની વચ્ચે તમે વાત કરો કે મેં આમ કર્યું કે હું આ પ્રકારનાં સારાં કામ કરું છું તો લોકો તેને અપને મુંહ મિયાં મિઠ્ઠુ કહેતા. માનતા કે ગજબ છે આ વ્યક્તિ, આખો દિવસ પોતાનાં જ વખાણ કર્યા કરે છે અથવા કરાવ્યા કરે છે. આખો દિવસ હું આમ અને હું તેમ કરવાવાળી વ્યક્તિને સારી માનવામાં આવતી નહીં. લોકો આવી વ્યક્તિને માન આપતા નહીં ઊલટું કહેવાતું કે તમારે બોલવાની જરૂર જ નથી, તમારું કામ બોલશે. પરંતુ આજકાલ ઊંધું છે. કામ પછી, લોકો પહેલાં બોલવા લાગ્યા છે. લોકો માનતા થયા છે કે જો તમે સારાં કામ કરતા હો તો તમારે તમારું પ્રમોશન તો કરવું જ જોઈએ. નહીંતર લોકોને ખબર કેવી રીતે પડશે તમારા વિશે? જો તમે એક બિઝનેસ કરી રહ્યા છો તો ઍડ્સ તો આપવી જોઈએ. જોકે સેલ્ફ-પ્રમોશન, જેને પહેલાં ખરાબ સમજવામાં આવતું હતું એને લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટના ભાગરૂપે શીખી રહ્યા છે. જે દેખાશે એ વેચાશે એવું માનનારા લોકોનો વર્ગ વધી રહ્યો છે.

પ્રમોશન અને ઇમેજ બિલ્ડિંગ

શું પોતાના કામની વાહવાહી કરવાની આ આદત ખરેખર જરૂરી છે? એ બાબતે વાત કરતાં ગુજરાતી ફિલ્મોના જાણીતા ઍક્ટર મૌલિક પાઠક કહે છે, ‘બોલે એનાં બોર વેચાય એવી કહેવત વર્ષોથી આપણે સાંભળીએ છીએ. વ્યક્તિ પોતે શું કામ કરે છે, કયા પ્રકારનું કામ કરે છે અને તેને આગળ કેવા કામમાં રસ છે એ બાબતે વાત કરતા રહેવું પડે છે, કારણ કે ત્યારે જ લોકોને સમજાય છે કે તમે કયા પ્રકારના કામ સાથે સંકળાયેલા રહેવા માગો છો. અમારા ફીલ્ડમાં તો નેટવર્ક અને સેલ્ફ-પ્રમોશનનું મહત્ત્વ ખૂબ છે. એમાં કોઈ વાંધો ન હોઈ શકે કે તમે તમારા કામ કે તમારા બિઝનેસને પ્રમોટ કરો. પરંતુ આજકાલ ઇમેજ બિલ્ડિંગ સેલ્ફ-પ્રમોશનનો મોટો ભાગ બની ગયું છે. હું એક પ્રોડ્યુસરને મળવા મારી એક ફિલ્મ માટે એક વાર એક મોટી ગાડી લઈને ગયેલો અને બીજી વાર નાની ગાડીમાં ગયો. એક ઍક્ટર તરીકે તેમને મારા કામ સાથે નિસબત હોવી જોઈતી હતી પરંતુ તેમને મારી ગાડી મોટી છે કે નહીં એ બાબતે વધુ રસ હતો. તેમણે મને બે વાર ટોક્યો કે તારી પેલી મોટી ગાડી ક્યાં ગઈ? નાની ગાડી લઈને કેમ ફરે છે? આ બાબતો વાંધાજનક છે. લોકો જ્યારે ઍક્ટરના કામ કરતાં ઍક્ટરની ઇમેજ પર વધુ મહત્ત્વ આપે ત્યારે સેલ્ફ-પ્રમોશન ખોટી દિશામાં ફંગોળાઈ જાય છે.’

માણસ બની ગયો છે પ્રોડક્ટ

એક સમય હતો જ્યારે દિલીપકુમાર કે રાજ કપૂર કોઈ જાહેરાતમાં દેખાતા નહીં, કારણ કે ઍક્ટર્સ માનતા કે તેમણે જાહેરખબરમાં કામ કરવું ન જોઈએ. પરંતુ ૮૦-૯૦ના દશકમાં આ બાબત બદલાઈ. પહેલાં ફિલ્મો વેચાતી હતી, પરંતુ આજે ઍક્ટર્સ વેચાય છે એ વિશે મૌલિક પાઠક કહે છે, ‘માર્કેટિંગ અને પ્રમોશનના જમાનામાં દુખદ વાત એ છે કે માણસ ખુદ માણસ મટીને એક પ્રોડક્ટ બની ગયો છે. અમારા ફીલ્ડમાં તો દરેક કલાકારને મૅનેજ કરતી એક ટીમ હોય છે જે તેણે શું કરવું, શું ખાવું, કેમ બોલવું, કોને મળવું બધું જ નક્કી કરતી હોય છે. આ બધું અતિ પ્રોફેશનલ અને મેકૅનિકલ થતું જાય છે. આ ક્યાં જઈને અટકશે એની સમજ કોઈની પાસે નથી.’

દેખાદેખીમાં વધતું પ્રેશર

સેલ્ફ-પ્રમોશન કોણ કરે છે અને કોને એની જરૂર રહે છે એ બાબત પર પ્રકાશ પાડતાં પત્રકાર રહી ચૂકેલા અને હાલમાં પબ્લિક રિલેશન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા નીલ જોશી કહે છે, ‘જો આપણે પ્રોફેશનલી વાત કરીએ તો અમુક પ્રોફેશન જ એવા છે જેમાં સેલ્ફ-પ્રમોશન કરતા રહેવાની અત્યંત જરૂર રહે છે. ગ્લૅમર વર્લ્ડ, રાજનીતિ, અમુક પ્રકારના બિઝનેસમાં લોકો સુધી પહોંચવાની જરૂરત ખૂબ વધારે હોય છે જેને લીધે સેલ્ફ-પ્રમોશન અનિવાર્ય છે. પરંતુ આજે મોટી તકલીફ એ છે કે મારો બાજુવાળો પ્રમોશન કરે છે એટલે મારે પણ કરવું એની અલગ જ હોડ જોવા મળે છે. આ એક પ્રેશર એકબીજા ઉપર ઊભું થઈ રહ્યું છે. અમારી પાસે અમુક ક્લાયન્ટ આવે છે જે કહે છે કે અમે વર્ષોથી પ્રમોશન પર ધ્યાન નથી આપ્યું. બિઝનેસ તો સારો જ ચાલે છે પરંતુ આજે કામ્પિટિશન એટલી વધી રહી છે કે હવે અમારે પણ સેલ્ફ-પ્રમોશન કરવું જ રહ્યું. આમ કોઈ વ્યક્તિ જે સેલ્ફ-પ્રમોશન નથી કરતી તેણે પણ આ જ ગાડરિયા પ્રવાહમાં જોડાઈ જવાની જરૂર પડી રહી છે, જે એક દુખદ બાબત છે.’

સોશ્યલ મીડિયાએ દાટ વાળ્યો

આખી દુનિયા સોશ્યલ મીડિયા પર છે, તમે નથી? આ પ્રશ્ન ઘણા લોકોએ ફેસ કર્યો હશે અને મને-કમને એ સોશ્યલ મીડિયા પર પોતાને કે પોતાની પ્રોડક્ટને વેચવા પધાર્યા હશે. આ બાબતે સ્પષ્ટતા કરતાં નીલ જોશી કહે છે, ‘સોશ્યલ મીડિયાએ ઘણા લોકોના બિઝનેસ આગળ વધારવામાં મદદ કરી છે પરંતુ એ માત્ર એક મીડિયમ છે જે અત્યારે ચાલે છે. આવાં કેટકેટલાં મીડિયમ આવીને ચાલ્યાં ગયાં. સેલ્ફ-પ્રમોશન માટે સોશ્યલ મીડિયા હાલમાં એક સારું મીડિયમ છે એવું કહી શકાય, પરંતુ એ ક્યાં સુધી રહેશે એની કોઈ ગૅરન્ટી નથી.’

પ્રમોશન મહત્ત્વનું, પરંતુ પ્રોડક્ટ સૌથી વધુ મહત્ત્વની

સક્સેસ કોચ અમિત કાપડિયા પાસેથી જાણીએ ગોલ્ડન રૂલ્સ. 

 

પહેલી વાત તો એ કે સેલ્ફ-પ્રમોશન એક ખૂબ મોટી ટર્મ છે. એટલે કે તમે કોની માટે કેટલી હદ સુધી પ્રમોશન કરો છો એ જોવું જરૂરી છે. હું જો સારું કામ કરું છું, મારા કામ થકી સમાજનું કોઈને કોઈ રીતે ભલું થઈ રહ્યું છે તો પછી હું ઇચ્છીશ કે વધુને વધુ લોકો સુધી હું પહોંચું જેના માટે મારે સેલ્ફ-પ્રમોશન કરવું પડશે.

બીજું, પ્રમોશન જરૂરી છે પરંતુ પ્રોડક્ટથી વધારે નહીં. હું મારી પ્રોડક્ટ વેચવા માગું છું પરંતુ એ ફક્ત સારા પ્રમોશનને કારણે નહીં ચાલે. વ્યક્તિ એક વખત ખરીદે પરંતુ પ્રોડક્ટ સારી નહીં હોય તો ફરી નહીં ખરીદે. લોકો માલ પર ઓછું ધ્યાન અને પ્રમોશન પર વધુ ધ્યાન આપે છે. આ રીતે લાંબી સફર પાર ન થઈ શકે.

મોટી તકલીફ એ છે કે મારો બાજુવાળો પ્રમોશન કરે છે એટલે મારે પણ કરવું એની અલગ જ હોડ જોવા મળે છે. નીલ જોશી, પીઆર કન્સલ્ટન્ટ

fashion Jigisha Jain columnists