ગિફ્ટ આપવા માટે જ નહીં, ગ્લો માટે પણ વાપરો ચૉકલેટ

19 October, 2021 04:22 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ફેસ માસ્ક ઉપરાંત ચૉકલેટની બનાવટનાં બૉડી લોશન, સોપ, એક્સફોલિએટર પણ પૉપ્યુલર પ્રોડક્ટ્સ છે ત્યારે સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતી આ પ્રોડક્ટ્સ વિશે એ ટુ ઝેડ જાણી લો.

ચૉકલેટ માસ્ક ઘરે પણ બનાવી શકાય છે.

દિવાળીના સમયમાં બેસ્ટ અને બ્રાઇટ લુક માટે અત્યારથી જ તમારી સ્કિનની કાળજી રાખવાની શરૂ કરી દેવી જરૂરી છે. સ્કિન-ટાઇટનિંગમાં બેસ્ટ રિઝલ્ટ આપતા ચૉકલેટ ફેશ્યલ માસ્ક લેટેસ્ટ બ્યુટી ટ્રેન્ડ બન્યા છે ત્યારે આ ફેસ્ટિવલમાં એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એ જાણો

ગ્લોઇંગ સ્કિન માટે સૌંદર્ય-પ્રસાધનોમાં આજકાલ ચૉકલેટનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. જેમ ચૉકલેટ આપણી નબળાઈ છે એવી જ રીતે આપણી સ્કિનને પણ એ પસંદ છે. તેથી જ ઇન્સ્ટન્ટ ગ્લો આપતા ચૉકલેટ પિલ ફેસ માસ્ક લેટેસ્ટ બ્યુટી ટ્રેન્ડ બન્યા છે. ફેસ માસ્ક ઉપરાંત ચૉકલેટની બનાવટનાં બૉડી લોશન, સોપ, એક્સફોલિએટર પણ પૉપ્યુલર પ્રોડક્ટ્સ છે ત્યારે સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતી આ પ્રોડક્ટ્સ વિશે એ ટુ ઝેડ જાણી લો.

ચૉકલેટમાં એવું શું છે? | બ્યુટી વર્લ્ડમાં ચૉકલેટની બનાવટની પ્રોડક્ટ્સ ઘણા વખતથી ટ્રેન્ડમાં છે એવી માહિતી આપતાં વસઈનાં બ્યુટિશ્યન પ્રીતિ ભાયાણી કહે છે, ‘ચૉકલેટ ફેશ્યલ તમારી ત્વચાને સુંવાળી અને હાઇડ્રેટ રાખે છે. ખાસ કરીને કોકોનું ઊંચું પ્રમાણ ધરાવતી ડાર્ક ચૉકલેટ્સમાં ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણધર્મ રહેલો છે. ઍન્ટિ-એજિંગ, મૉઇશ્ચરાઇઝર, શાઇન, બ્લડ-સર્ક્યુલેશનમાં ઇમ્પ્રૂવમેન્ટ જેવી ઔષધીય પ્રૉપર્ટીઝને કારણે ચૉકલેટ ત્વચા માટે ફાયદેમંદ છે. ડાર્ક ચૉકલેટ હીલિંગ એજન્ટ તરીકે પણ કામ છે. સ્કિન-ટૅનિંગની સમસ્યા હોય એવી મહિલાઓ ચૉકલેટ ફેશ્યલ કરાવે તો ટૅનિંગ દૂર થાય છે. રિન્કલ્સ, સ્કિન-ડિસકલરેશન, સ્કિન-ટાઇટનિંગ અને નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. ફેશ્યલ દરમિયાન સરસ સુગંધ આવે છે તેથી મહિલાઓને અટ્રૅક્ટ કરે છે.’

વાપરવાની રીત | ફેશ્યલ માસ્ક વાપરવાની રીત વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘બજારમાં મળતા રેડી ટુ યુઝ માસ્કનો ઉપયોગ કરતાં પહેલાં ચહેરાને ક્લેન્ઝર વડે સ્વચ્છ કરી લો જેથી કચરો દૂર થઈ જાય. ત્યાર બાદ એને બ્રશથી ચહેરા પર લગાવીને ૧૦ મિનિટ રહેવા દો. બેસ્ટ રિઝલ્ટ આપશે. માસ્ક દૂર કર્યા બાદ ઑઇલ-ફ્રી મૉઇશ્ચરાઇઝર લગાવો. ચૉકલેટ ક્રીમથી મસાજ કરવાનો હોય ત્યારે પણ ક્લેન્ઝરથી ચહેરો સ્વચ્છ કરી લેવો. ચૉકલેટ એવી વસ્તુ છે જે સહેલાઈથી મળી રહે છે. ચૉકલેટનો ઉપયોગ કરીને જુદી-જુદી પ્રોડક્ટ્સ બનાવવાની રીત પણ સરળ છે. મહિલાઓને કહેવાનું કે વજન વધવાના ડરથી ચૉકલેટને ખાઓ નહીં તો કંઈ નહીં, પણ એમાંથી ફેસપૅક બનાવીને ગ્લોઇંગ સ્કિન તો મેળવી જ શકો છો.’

હોમમેડ માસ્ક | ચૉકલેટ માસ્ક ઘરે પણ બનાવી શકાય છે. પોણો કપ કોકો પાઉડર, પા કપ મધ અને બે ચમચી બ્રાઉન શુગર લો. બોલમાં ત્રણેય સામગ્રીને સરખી રીતે મિક્સ કરતાં સ્ટિકી ફૉર્મમાં પેસ્ટ તૈયાર થશે. હવે એને સૉફ્ટ બ્રશ વડે ગરદનથી શરૂ કરીને ઉપરની તરફ ચહેરા પર લગાવો. એ સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. હનીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-સૅપ્ટિકનો ગુણધર્મ છે જે તમારી સ્કિનને હીલ કરે છે. બ્રાઉન શુગર એક્સફોલિએટિંગ એજન્ટ છે જે ડેડ સ્કિનને દૂર કરવામાં હેલ્પ કરે છે. કોકો સ્કિનની જુદી-જુદી સમસ્યાઓમાં અસરકારક છે. આ હોમમેડ માસ્કને અઠવાડિયામાં બે વાર લગાવવાથી ચહેરાની ચમક વધે છે.

હોમમેડ ચૉકલેટ પ્રોડક્ટ્સ

ક્લેન્ઝર : ૧ ચમચી દહીંમાં

કોકો પાઉડર મિક્સ કરીને એનાથી ચહેરા પર લાઇટ મસાજ કરો અને પાણીથી ચહેરો સાફ કરો.

સ્ક્રબ : ૧ ચમચી ચૉકલેટ પાઉડર, ૧ ચમચી દાલચીની પાઉડર, ૨ ચમચી કાચું દૂધ અને ચોખાનો લોટ લઈ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ બેસ્ટ સ્ક્રબિંગ છે.

ક્રીમ : ૧/૨ ચમચી ચૉકલેટ પાઉડર, ૧/૨ ચમચી બદામનું તેલ અને બે ચમચી દહીં મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. પંદર મિનિટ બાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો.

beauty tips Varsha Chitaliya