15 October, 2025 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે બધાએ સન સ્ટ્રોકને કારણે ત્વચા પર કાળા ધબ્બા વિશે ખૂબ સાંભળ્યું છે, તમે સફેદ ધબ્બા વિશે સાંભળ્યું છે? આ ધબ્બા ખાસ કરીને ચહેરા, હાથ, પગ અને ખભા પર દેખાય છે અને સામાન્ય રીતે એનાથી ખંજવાળ નથી આવતી. આ ધબ્બા સૂર્યના સંપર્કમાં આવવાથી થઈ શકે છે.
જ્યારે તમારી ત્વચા લાંબા સમય સુધી સૂર્યનાં હાનિકારક અલ્ટ્રા વાયલેટ કિરણોના સંપર્કમાં આવે છે ત્યારે એ ત્વચાના રંગને પ્રભાવિત કરી શકે છે. આ પ્રક્રિયામાં ત્વચાની મેલૅનિન બનાવનારી કોશિકાઓ (મેલાનોસાઇટ્સ) કેટલાંક ક્ષેત્રોમાં પોતાની કાર્યક્ષમતા ખોઈ શકે છે, જેનાથી ત્યાં સફેદ ધબ્બા બની શકે છે. નિષ્ણાતો અનુસાર આ સફેદ ધબ્બા લાંબા સમય સુધી સૂર્યનાં હાનિકારક કિરણોના સંપર્કમાં રહેવાનો સંકેત છે, કોઈ બીમારી નથી.
જો સૂરજના કારણે સફેદ ધબ્બા ઉત્પન્ન થઈ રહ્યા હોય તો સનસ્ક્રીનનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ છે. સનસ્ક્રીનનો ઉપયોગ નવા ધબ્બાના નિર્માણ અને સૂરજના પ્રભાવને ઓછો કરવામાં મદદ કરે છે. એ સિવાય લાંબી સ્લીવવાળાં કપડાં પહેરવાથી, બપોરના આકરા તાપથી બચવાથી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સવાળી સ્કિનકૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થઈ શકે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતાં તેલ, લીંબુ અને હળદર જેવા ઘરગથ્થુ નુસખાઓથી બચવું જોઈએ, કારણ કે એ ત્વચાને વધુ સેન્સિટિવ બનાવી શકે છે અને ધબ્બા વધારી શકે છે.
જો સફેદ ધબ્બા ઝડપથી વધી રહ્યા હોય, એ જગ્યાએ ખંજવાળ આવતી હોય અથવા ત્વચા સંબંધિત કોઈ બીજી સમસ્યા છે એવું લાગતું હોય તો તરત ડર્મેટોલૉજિસ્ટ પાસે જવું જોઈએ.