આખા પરિવાર વચ્ચે કૉમન કાંસકો છે?

19 July, 2022 12:09 PM IST  |  Mumbai | Aparna Shirish

જો આવું તમારા ઘરમાં ચાલી રહ્યું હોય તો બૅક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શનનો રાફડો ફાટી શકે છે. નિષ્ણાત પાસેથી જાણી લો કે આ બહુ જ કૉમન આદત શા માટે હાઇજીનિક નથી

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિયામાં એક વાર કાંસકો અને હેરબ્રશ ગરમ પાણીમાં બોળીને બરાબર સાફ કરવાં જરૂરી છે

ઘરના મેમ્બર્સ એક જ કાંસકો કે હેરબ્રશ વાપરે એ આપણે ત્યાં કૉમન છે. વળી કાંસકો શું દરેક માટે જુદો રાખવાનો? ફૅમિલી મેમ્બર્સ સાથે કે બેસ્ટ ફ્રેન્ડ સાથે તો એ શૅર કરી જ શકાયને! આવો વિચાર આવવો સ્વાભાવિક છે. જોકે ખૂબ જ સામાન્ય લાગતી આ વાત બૅક્ટેરિયલ ઇન્ફેક્શન પણ ફેલાવી શકે છે. જાણો કઈ રીતે.

વાળ બૅક્ટેરિયાનું ઘર | આપણા શરીર પરની રુવાંટી તેમ જ માથાના વાળમાં અનેક પ્રકારના બૅક્ટેરિયા તેમ જ ફંગસ આપણી સાથે હળીમળીને રહે છે. હવે આ બૅક્ટેરિયા અને ફંગસ કેટલાક લોકોના શરીર પર ઓછા પ્રમાણમાં હોય છે તો કેટલાક પર વધુ પ્રમાણમાં. જોકે આપણા પોતાના બૅક્ટેરિયા જ આપણા માટે સેફ છે. જ્યારે આપણી સ્કિન કોઈ બીજાના બૅક્ટેરિયાના સંપર્કમાં આવે ત્યારે એ અનેક ઇન્ફેક્શનનું કારણ બને છે અને બૅક્ટેરિયાનું સૌથી મોટું ઘર એટલે કાંસકો. ભેજવાળા વાતાવરણમાં માથામાં પરસેવો થાય, વરસાદમાં માથુ ભીંજાય અને આવાં અનેક કારણોસર જો તમે કોઈનો કાંસકો વાપરતા હો તો તમે ઇન્ફેક્શનને નોતરી રહ્યા છો. આ વિશે વાત કરતાં ત્વચા રોગ નિષ્ણાત ડૉ. મહિમા જૈન કહે છે, ‘દરેકના સ્કૅલ્પની સ્કિન જુદી હોય છે. જેમ કે સૂકી, તૈલી, ફ્લેકી એટલે કે સતત ડ્રાય સ્કિન અને ડૅન્ડ્રફ ખરતો રહે એવી વગેરે. અને માટે જ આવી જુદી-જુદી સ્કિન ધરાવતી વ્યક્તિઓ જ્યારે કાંસકો શૅર કરે ત્યારે પીડિક્યુલૉસિસ કેપિટિસ, ટીનિયા કેપિટિસ જેવા ફંગલ ઇન્ફેક્શનનું ઘર બને છે. એ સિવાય સ્ટૅફ બૅક્ટેરિયા પણ થઈ શકે છે જેના લીધે ફોડલીઓ, પસ, વાળ ડૅમેજ થવા વગેરે તકલીફોનો સામનો કરવો પડી શકે છે.’

શૅર ન કરો અને સાફ રાખો |  ઉપરોક્ત અનેક કારણોસર કાંસકો કે હેરબ્રશ શૅર કરવું યોગ્ય નથી જ અને એ સાથે પોતાના માટે જે હેરબ્રશ રાખ્યું છે એને સાફ રાખવું પણ જરૂરી છે. અઠવાડિયામાં એક વાર કાંસકો અને હેરબ્રશ સાફ કરો, જે માટે ગરમ પાણીમાં ડિસઇન્ફેક્ટન્ટ લિક્વિડ અને થોડો લિક્વિડ સોપ નાખી કાંસકા અને બ્રશને એકાદ કલાક માટે રહેવા દો. ત્યાર બાદ ટૂથબ્રશની મદદથી કાંસકાને ઘસીને સાફ કરી લો અને સાફ પાણીથી ધોઈ સુકાવા દો.

ફૅમિલી શૅરિંગ કે ફૅમિલી બર્ડન | સામાન્ય કાંસકાથી ફેલાતા ઇન્ફેક્શન વિશે ડૉ. મહિમા કહે છે, ‘મોટા ભાગે ઘરમાં કોઈ એક વ્યક્તિને સ્કિન રિલેટેડ ઇન્ફેક્શન થાય તો આખા ઘરમાં એ ફેલાય છે અને એ માટેની ટ્રીટમેન્ટનો ખર્ચ એ ફૅમિલી માટે ફાઇનૅન્શિયલ બર્ડન બને છે. એ સાથે જ આવા ઇન્ફેક્શનને લીધે બાળકો અને વડીલોને વિનાકારણે સહન કરવું પડે છે, કારણ કે એમના ચાપની સારવાર લાંબી ચાલે છે. એટલે કાંસકાની બાબતે શૅરિંગ ઇઝ નૉટ કૅરિંગ એવું કહી શકાય.’

columnists life and style fashion