બ્રૅન્ડની બોલબાલા

23 July, 2021 12:30 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર યંગ જનરેશનમાં લક્ઝરી પ્રોડક્ટ્સ વાપરવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે કેટલાક યુવાનોને મળીને જાણીએ કે તેઓ કેવી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરે છે તેમ જ મોંઘી વસ્તુઓની ખરીદી પાછળનું તેમનું લૉજિક શું છે

સાક્ષી શાહ

થોડા સમય પહેલાં અગ્રણી ઔદ્યોગિક સંસ્થા અસોચેમ દ્વારા શૉપિંગ બિહેવિયર્સ સંદર્ભે કરવામાં આવેલા એક સર્વેમાં તારણ નીકળ્યું હતું કે યંગ મિલેનિયલ્સ અને જનરેશન-ઝેડ (૨૦ વર્ષની આસપાસની ઉંમરના) લક્ઝુરિયસ પ્રોડક્ટ્સ પાછળ ધૂમ ખર્ચ કરે છે. બ્રૅન્ડેડે પ્રોડક્ટ્સ વાપરવાની ઘેલછા વધતાં આ માર્કેટ વર્ષે અંદાજિત ૨૦૦ અબજ ડૉલરનો આંકડો પાર કરી ગયું છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર યુવાપેઢી સૅલિબ્રિટીઝને પોતાના આઇડલ માને છે. તેમના મનપસંદ સિતારા કઈ બ્રૅન્ડના અપેરલ્સ પહેરે છે, બૅગ્સ અને શૂઝ કયાં વાપરે છે એ જાણવામાં રસ તો પડે જ છે સાથે પોતાના માટે સેમ બ્રૅન્ડની પ્રોડક્ટ્સ ખરીદવાનો મોહ પણ વધ્યો છે. આજે આપણે ખાસ બ્રૅતન્ડ વાપરવાનો આગ્રહ રાખતા કેટલાક યુવાનોને મળીએ.

સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ

સાઇકોલૉજિકલ રિસર્ચ કહે છે કે યુવા વર્ગમાં લક્ઝરી પ્રોડક્ટસનું એવું ઘેલું લાગ્યું છે કે જરૂર ન હોય તોય દેખાદેખી અને પીઅર પ્રેશરમાં આવીને ખરીદી કરે છે. બ્રૅન્ડને તેઓ સ્ટેટસ સિમ્બૉલ સાથે જોડી દે છે. આ સંદર્ભે વાત કરતાં કાંદિવલીની ૨૧ વર્ષની સ્ટુડન્ટ સાક્ષી શાહ કહે છે, ‘જિમ-વેઅરમાં પુમા અને એચઆરએક્સ જેવી બ્રૅન્ડનો આગ્રહ હું ચોક્કસ રાખું છું પણ એમાં દેખાદેખી નહીં, કમ્ફર્ટની વાત છે. હલકી ગુણવત્તાવાળા જેગિંગ્સ અથવા ટ્રાઉઝર્સ પહેરીને સ્ટ્રેચિંગ કરું તો જલદી ફાટી જાય અને પરસેવાના કારણે સ્કિન પર રૅશિસ થવાની શક્યતા પણ રહે છે તેથી જિમ-વેઅરમાં હું કૉમ્પ્રોમાઇઝ કરતી નથી. એવી જ રીતે સ્પોર્ટ્સ-વેઅરમાં પણ એનામોર પસંદ છે. એની પૅટર્ન પણ યુનિક હોય છે. મોટી કંપનીઓના ક્લોધિંગમાં ચૉઇસિસ પણ વધુ હોય છે. જિમ-વેઅર સિવાયના આઉટફિટ્સમાં ઝારાનો આગ્રહ હોય. કૉલેજ કલ્ચરના કારણે અમારી જનરેશન બ્રૅન્ડેડ વસ્તુ ખરીદવા પ્રેરિત થાય છે એ સાચું, પણ સ્ટ્રીટ શૉપિંગ ન કરવું એવો કોઈ નિયમ નથી બનાવ્યો. કૉલેજમાં પહેરવા માટે સ્ટાઇલિશ ટૉપનું શૉપિંગ કોલોબા કૉઝવેથી ઘણી વાર કર્યું છે. ક્લોધિંગ ઉપરાંત બ્રૅન્ડેડ વૉચનો જબરો શોખ છે. આઇ વૉચ અને કેસીઓ મારી ફેવરિટ બ્રૅન્ડ છે. વૉચિસને હાઇલાઇટ કરવું પણ ગમે. હાલમાં હું કેસીઓની વૉચ પહેરું છું. એને જોઈને ફ્રેન્ડ સર્કલમાંથી ઘણી કમેન્ટ્સ આવે છે. લોકો નોટિસ કરે, અટેન્શન મળે, આપણી ચૉઇસનાં વખાણ કરે તો સારું લાગે. વાસ્તવમાં બ્રૅન્ડેડ વસ્તુ યુઝ કરવાનો મોહ બધાને હોય છે, કારણ કે એ તમારા સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગને ઇન્ડિકેટ કરે છે. જોકે કૉસ્ટ વધી જાય છે તેથી બધી વસ્તુ માટે મની સ્પેન્ડ કરવાનું પેરન્ટ્સ અલાઉડ નથી કરતા. અમારી ડિમાન્ડ વાજબી હોય તો અપાવી દે અન્યથા અમે ફર્સ્ટ કૉપી લઈને મન મનાવી લઈએ.’

યુથ આઇકનનો રોલ

તમારા સર્કલમાં બધા લક્ઝરી પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય ત્યારે પીઅર પ્રેશર રહેવાનું છે એ વાત સાથે સહમત થતાં બોરીવલીનો ૧૭ વર્ષનો સાયન્સ સ્ટુડન્ટ તેજ ચિતલિયા કહે છે, ‘મારા બધા ફ્રેન્ડ્સ લક્ઝરી વૉચ અને શૂઝ વાપરે છે. દરેક પોતાની પસંદની સ્પેસિફિક બ્રૅન્ડને વળગીને રહે છે. ફ્રેન્ડ્સના હાથમાં નવી વૉચ અથવા નવાં શૂઝ જોઈને લેવાનું મન થઈ જાય એ નૅચરલ છે. જોકે પેરન્ટ્સ પાસે ડિમાન્ડ કરતી વખતે વૅલિડ રીઝન આપવું પડે. થોડા વખત પહેલાં મને અૅપલની વૉચ જોઈતી હતી ત્યારે મમ્મીને ફીચર્સ સમજાવવા પડ્યાં હતાં. આ વૉચ સાથે મોબાઇલ અને આઇપૅડને કનેક્ટ કરી શકાય છે. ઑનલાઇન સ્ટડી સહિત ઘણાંબધાં કામ સરળ થઈ જશે એવું રીઝન વૅલિડ લાગતાં તેમણે અપાવી દીધી. કોઈક વાર એવું બને કે પેરન્ટ્સ ના પાડે પણ મારું બહુ મન હોય તો દાદાજી પાસે ડિમાન્ડ મૂકવી પડે ને મોટા ભાગે પૂરી થઈ જાય. લક્ઝુરિયસ ઇલેક્ટ્રૉનિક વસ્તુ ઉપરાંત શૂઝનો પણ શોખ છે, કારણ કે અમારી જનરેશન યુથ આઇકનથી પ્રભાવિત થઈ જાય છે. હમણાં ફુટબૉલની મૅચ ચાલતી હતી ત્યારે મારી નજર પ્લેયરના શૂઝ પર ચોક્કસ જતી. શૂઝમાં નાઇકી મારી ફેવરિટ બ્રૅન્ડ છે. નિયૉન અને વાઇબ્રન્ટ બ્રાઇટ કલર્સનાં શૂઝ પહેરો ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય. જોકે મુંબઈના રસ્તા પર આવાં સરસ શૂઝ પહેરીને નીકળો તો ગંદાં થઈ જાય તેથી પાર્ટીમાં કે હોટેલમાં જવાનું હોય ત્યારે જ પહેરું છું. ડે ટુ ડે લાઇફમાં મૉલ્સમાંથી ખરીદેલાં સારી ક્વૉલિટીનાં વાપરીએ.’

ગુચીના બેલ્ટમાં વટ પડે

પબ્લિક અપિયરન્સને ધ્યાનમાં રાખી બ્રૅન્ડેડ પ્રોડક્ટનું શૉપિંગ કરવું પડે છે અને યુનિક આઇટમ વાપરવાનો જબરો શોખ પણ છે એમ જણાવતાં કાંદિવલીનો ૨૨ વર્ષનો દ્વિજ કોઠારી કહે છે, ‘લક્ઝરી પ્રોડક્ટ્સની યુએસપી હોય છે. ગુચીનો બેલ્ટ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે પબ્લિકમાં હાઇલાઇટ થઈ જ જાય અને લોકોનું અટેન્શન પણ મળે. જે-તે કંપનીનો લોગો તમારા સ્ટેટસને હાઇલાઇટ કરે છે. ધારો કે હું મૉલમાં આંટો મારતો હોઉં અને હાથમાં ઑડીના લોગો સાથેની ચાવી ફેરવતો હોઉં તો લોકોને ખ્યાલ આવી જાય કે પાર્કિંગમાં ઊભેલી કાર મારી છે. યંગ જનરેશનને સેન્ટર ઑફ ધ અટ્રૅક્શન બનીને રહેવું ગમે છે. ઝારા, નાઇકી, બ્લૅક ઍન્ડ ઝોન, ગુચી વગેરે એવી બ્રૅ ન્ડ છે જેમાં તમારો વટ પડી જાય. હું એન્જિનિયર હોવાથી લૅપટૉપ, મોબાઇલ જેવાં ગેજૅટ્સ મારી નબળાઈ છે. એમાં સ્પેસિફિક બ્રૅન્ડનો મોહ રોકી શકતો નથી. ક્લોધિંગમાં પણ એવું જ છે.

સાદા ટી-શર્ટમાં બેત્રણ ધોવાણ બાદ કાણાં પડી જાય છે. ગુણવત્તાની દૃષ્ટિએ ઇન્ટરનૅશનલ કંપનીઓના ક્લોથ્સ સારા હોવાથી એની લાઇફ વધુ હોય છે.

જોકે મને ક્લોધિંગ કરતાં ઍક્સેસરીઝને હાઇલાઇટ કરવું વધુ પસંદ છે.’

કેસીઓ બ્રૅન્ડની વૉચના કારણે ફ્રેન્ડ સર્કલમાંથી ઘણી કમેન્ટ્સ આવે છે. લોકો નોટિસ કરે, અટેન્શન મળે, આપણી ચૉઇસનાં વખાણ કરે તો સારું લાગે. બ્રૅન્ડનો મોહ બધાને હોય છે, કારણ કે એ તમારા સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગને ઇન્ડિકેટ કરે છે

સાક્ષી શાહ

Varsha Chitaliya fashion