૩૦ ટકા હાર્ટ-અટૅક ૪૦ વર્ષથી યંગમાં જોવા મળે છે

06 September, 2021 04:06 PM IST  |  Mumbai | Jigisha Jain

ડૉક્ટરોના મત મુજબ આજે જોવા મળતો આ આંકડો ભયજનક છે. ટીવી-સ્ટાર સિદ્ધાર્થ શુક્લાના અચાનક મૃત્યુએ ફરી એક વખત યાદ દેવડાવી દીધું છે કે યુવાન વયે પણ હાર્ટઅટૅક આવી શકે છે

પ્રતીકાત્મક તસવીર

૪૦ વર્ષની ઉંમરે ટીવી-સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું આકસ્મિક મોત ભલભલાને ઝકઝોળી ગયું છે. થોડાક સમય પહેલાં ગુજરાતી ટીવી ઍક્ટર અમિત મિસ્ત્રી પણ આમ અચાનક જ હાર્ટ અટૅકમાં મૃત્યુ પામ્યા ત્યારે પણ થયેલું કે ૪૦ વર્ષ એ કંઈ હાર્ટ-અટૅક માટેની ઉંમર નથી એવું માનવાનો સમય છેલ્લાં ૫-૭ વર્ષથી બદલાતો જઈ રહ્યો છે.

પહેલાં હાર્ટ-અટૅક તો ૭૦ વર્ષથી ઉપરના લોકોને જ આવતો રોગ મનાતો જે છેલ્લાં ત્રીસ વર્ષની અંદર યુવાનોમાં ઘર કરેલો રોગ બની ગયો છે. જે રોગ ૭૦-૮૦ વર્ષે લોકોનાં મૃત્યુનું કારણ બનતો એની ઉંમર ઘટતાં-ઘટતાં આજે ૩૫-૪૦ વર્ષે પહોંચી ગઈ છે જે ચિંતાની બાબત છે. ખાસ કરીને આ પ્રમાણ પુરુષોમાં ઘણું વધારે છે. સિદ્ધાર્થના મૃત્યુની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે તેને ખાસ કોઈ ચિહ્નો સામે આવ્યાં નહોતાં. રાત્રે એક વાર ઊઠીને તેણે મમ્મીને છાતીમાં દુખવાની ફરિયાદ કરેલી અને અનઈઝી લાગી રહ્યું છે એવું પણ કહ્યું, પરંતુ એ ચિહનો એટલાં સિરિયસ નહોતાં કે વ્યક્તિ ઊઠીને હૉસ્પિટલમાં જવાનું વિચારે. પાણી પીને તે સૂઈ ગયો અને ફરી ઊઠી જ ન શક્યો. જે રોગનાં લક્ષણોને ઓળખી ન શકાય એ સૌથી વધુ ભયજનક બની જતો હોય છે. આજે સમજીએ આજના સમયમાં કયાં કારણોસર નાની ઉંમરે હાર્ટ-અટૅક જેવી તકલીફ જીવલેણ સાબિત થઈ શકે છે અને એનાથી બચવાના શું ઉપાય છે.

નાની ઉંમરના વધતા કેસ

સિદ્ધાર્થ જેવા કિસ્સાઓ આજકાલ વધુ જોવા મળી રહ્યા છે, પરંતુ શું આ કિસ્સાઓ એકલદોકલ છે કે ખરેખર પહેલાં કરતાં નાની ઉંમરે હાર્ટ-ડિસીઝ થવાનું પ્રમાણ વધ્યું છે એ પ્રશ્નનો જવાબ આપતાં નાણાવટી હૉસ્પિટલના કાર્ડિયોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. લેખા પાઠક કહે છે, ‘હા, એ હકીકત છે. ૨૦-૩૦ વર્ષ તો છોડો, ફક્ત પાંચ વર્ષ જેવો નાનો ગૅપ પણ જોઈએ તો સમજાય છે કે પહેલાં કરતાં આજે યંગ લોકોમાં હાર્ટ-ડિસીઝનું પ્રમાણ વધ્યું છે. આજની તારીખે ૨૫-૩૦ વર્ષના દરદીઓ અમારી પાસે આવે છે જેમને હાર્ટમાં બ્લૉકેજ હોય કે માઇલ્ડ અટૅક આવ્યો હોય કે ઇમર્જન્સીમાં હૉસ્પિટલમાં આવ્યા હોય અને ચેક કરતાં ખબર પડે કે તેમને તો હાર્ટ-અટૅક આવ્યો હતો અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સંખ્યા વધતી જ જાય છે. આજની તારીખે કુલ કેસમાંથી ૩૦ ટકા કેસ ૪૦થી ઓછી ઉંમરના લોકોના છે.’

જીન્સ

ભારતીય લોકોમાં હાર્ટ-અટૅક થવાની શક્યતા વધુ રહે છે એવું વિજ્ઞાન કહે છે. મતલબ કે આ રોગ આપણા જીન્સમાં છે. એ બાબતે આજે અવેરનેસ જોવા મળે છે. હાર્ટ-અટૅકથી મૃત્યુનું પ્રમાણ આપણે ત્યાં વર્ષોથી વધારે જ છે. આ બાબતે વાત કરતાં ગ્લોબલ હૉસ્પિટલના કાર્ડિઍક સર્જ્યન ડૉ. ચંદ્રશેખર કુલકર્ણી કહે છે, ‘પહેલાંના સમયમાં નાની ઉંમરમાં હાર્ટ-અટૅકથી મૃત્યુનું પ્રમાણ નહીંવત્ હતું અને આજે એ વધી રહ્યું છે. જો એક પરિવારમાં હાર્ટ-ડિસીઝની હિસ્ટરી હોય તો દાદાને ૮૨ વર્ષે હાર્ટ-અટૅક આવ્યો હોય, પપ્પાને ૬૦ વર્ષે બાયપાસ કરવી પડી હોય તો દીકરાને ૪૦ વર્ષે ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હોય. આ જે ઉંમર ઘટી રહી છે એ બાબતે ગંભીર બનવાની જરૂર છે.’

કારણો શું?

જિનેટિક્સ નાની ઉંમરે સક્રિય કેમ થઈ રહ્યા છે એની પાછળ બાહ્ય પરિબળો જવાબદાર છે. એ વિશે વાત કરતાં મસીના હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘આજના સમયમાં સ્મોકિંગનું પ્રમાણ વધતું જાય છે. બેઠાડુ જીવન અને એને કારણે આવતી ઓબેસિટીનું પ્રમાણ વધતું જાય છે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલ જેવી તકલીફો પણ વધતી જાય છે. લોકોનો ખોરાક ખૂબ બદલાઈ ગયો છે. પૅકેટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, જન્ક ફૂડ, કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ્ઝ બધાએ દાટ વાળ્યો છે. શરીરે એકસાથે ઘણું સહન કરવું પડે છે જેને લીધે જિનેટિક્સ સમય પહેલાં જાગ્રત થઈ જાય છે જેને લીધે નાની ઉંમરે હાર્ટ-અટૅક આવે છે.’

વધતું સ્ટ્રેસ પણ હાર્ટ-અટૅકનું કારણ છે. સ્ટ્રેસથી હૃદયના ધબકારા વધે છે અને રિધમ ખોરવાય છે એ સમજાવતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘બ્લડ-પ્રેશર ઊંચું આવે છે, પેટમાંનું ઍસિડ વધે છે જેને કારણે પેટમાં દુખાવો, અપચો અને છાતીમાં બળતરા થઈ શકે છે. સ્નાયુઓમાં ટેન્શન વધે છે જેને કારણે માથાનો દુખાવો, ગરદન અને પીઠનો દુખાવો પણ થાય છે. સ્ટ્રેસને કારણે શ્વાસ ટૂંકા થઈ જાય છે, લોહી જાડું બને છે અને ક્લૉટિંગની શક્યતા વધે છે.’

ચેક-અપ ઇઝ મસ્ટ

હાલમાં મુંબઈમાં ૨૦ વર્ષના યુવાનને માઇલ્ડ હાર્ટ-અટૅક આવેલો અને ૯ વર્ષની છોકરીની ઍન્જિયોપ્લાસ્ટી પણ થઈ હતી જે સૂચવે છે કે જો તમારા પરિવારમાં હાર્ટ-ડિસીઝ હોય તો નાની ઉંમરે તમને આવી શકે છે. એનાથી બચવા માટે રેગ્યુલર ચેક-અપ જરૂરી છે. લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ એવી છે જે હાર્ટની હેલ્થ વિશે કહે છે એમ જણાવતાં ડૉ. લેખા કહે છે, ‘જે લોકોના ઘરમાં હાર્ટ-ડિસીઝ છે એવા યુવાનોએ સતર્ક રહેવું જરૂરી છે. આમ તો આદર્શ રીતે ૩૦-૩૫ વર્ષની ઉંમરના યુવાનો જેમના ઘરમાં હાર્ટ-પ્રૉબ્લેમ્સ છે તેમણે લિપિડ પ્રોફાઇલ ચેક કરાવવું જોઈએ. આ સિવાય ECG અને સ્ટ્રેસ-ટેસ્ટ પણ મહત્ત્વની છે. ટ્રેડમિલ પર ભાગતા-ભાગતા હાર્ટની હાલત કેવી છે એ સમજી શકાય છે. બ્લડ-પ્રેશર અને શુગરની ટેસ્ટ તેમજ ક્લિનિકલ ચેક-અપ પણ જરૂરી છે.’

અચાનક છાતીમાં દુખે ત્યારે...

કાર્ડિયોલૉજિસ્ટ પ્રતીક સોની પાસેથી જાણીએ કે અચાનક છાતીમાં દુખે ત્યારે શું કરવું.

હાર્ટ-અટૅકને ઓળખવાની સૌથી મુશ્કેલ બાબત એ છે કે છાતીમાં દુખે ત્યારે લાગે છે કે ગૅસ હોઈ શકે છે. ૯૦ ટકા કેસમાં છાતીના દુખાવા ગૅસને કારણે જ હોય છે. જોકે આ દુખાવો હાર્ટ-અટૅક પણ હોઈ શકે છે એટલે ગફલતમાં રહેવું નહીં. ૮૦ ટકા હાર્ટ-અટૅક ચિહનો સાથે જ આવે છે. એ ચિહ્નોને સમયસર ઓળખવામાં આવે તો વ્યક્તિને બચાવી શકાય છે. જો પાંચ મિનિટથી વધારે છાતીમાં દુઃખે અને તમને લાગે કે આ ગૅસ નથી જ અને અટૅક જેવું હોઈ હોઈ શકે છે તો પહેલાં તો વ્યક્તિએ ડિસ્પિરિન, સૉર્બિટ્રેટ, ક્લોપિડોગ્રીલ, સ્ટેટીનની એક-એક ગોળી લઈ જ લેવી અને તાત્કાલિક નજીકના દવાખાને જઈને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવી લેવો. એના દ્વારા અટૅક હોય તો તરત ખબર પડે છે. ગોળીઓ લેવાથી હાર્ટને અટૅકથી થતું ડૅમેજ તરત જ ઓછું થઈ જાય છે. કદાચ કોઈ કારણોસર તમને હૉસ્પિટલ પહોંચવામાં લેટ થાય તો હાલત ગંભીર બનતી અટકાવે છે. વળી આ દવાઓ સેફ છે. હૉસ્પિટલમાં પહોંચીને જો તમને ખબર પડે કે અટૅક નથી તો પણ કોઈ પ્રૉબ્લેમ નથી.

columnists Jigisha Jain