27 September, 2025 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિસન ભેળપૂરી હાઉસમાં મળે છે ટેસ્ટી ચાટ
એવું કહેવાય છેને કે કોઈ શહેરને જાણવું હોય તો બુક્સ નહીં વાંચો પણ એની ગલીઓમાં જઈને ફરો. મુંબઈ માટે પણ એવું જ છે. મુંબઈની ગલીઓ અને ખાસ કરીને જૂની ગલીઓ આજે પણ મુંબઈના ઇતિહાસને જ નહીં પણ એની કલા, કૌશલ્ય ઉપરાંત ખાણીપીણીના ઇતિહાસને વર્ણવે છે. વિદેશી અને ફ્યુઝન ફૂડ્સના આગમન બાદ આપણી અસલ અને દેશી વાનગીઓ વિસરાઈ ગઈ છે જે મુંબઈની જૂની ગલીઓમાં આજે તમને દેખાઈ જશે. એમાંની એક જગ્યા છે કિસન ભેલપૂરી હાઉસ જે ઝવેરી બજારમાં આવેલું છે અને લગભગ ૬૦ વર્ષ જૂનું છે.
કિસન ભેળપૂરી હાઉસને આજે જે સંભાળે છે તેમ જ યુપીની ઑથેન્ટિક વાનગીઓને બનાવીને પીરસે છે તેમનું નામ શૈલેશ સિંહ છે. તેમના દાદાએ વર્ષો પહેલાં અલાહાબાદ એટલે કે આજના પ્રયાગરાજથી મુંબઈ આવીને ચાટ-આઇટમો વેચવાનું શરૂ કર્યું હતું. દહીંપૂરીથી લઈને પાણીપૂરી સુધીની દરેક ચાટ-આઇટમ અહીંના મેનુમાં જોવા મળી જશે. પૉપ્યુલર ચાટ-આઇટમ ઉપરાંત મુંબઈમાં ઓછી જાણીતી એવી દહીંભેળ, લીંબુ પૂરી, મગ ચાટ, મગ પૂરી જેવી બીજી પણ અનેક ચાટ-આઇટમ્સ અહીં મળે છે. જોકે પાણીપૂરી, દહીંપૂરી અને કાંજી વડાં અહીંની સૌથી મોસ્ટ પૉપ્યુલર ડિશ છે. આ સ્ટૉલની વાત કરીએ તો બાબા આદમના જમાનાના જેવો આ સ્ટૉલ છે. ન કોઈ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ કે ન કોઈ લાઇટિંગ કે ન કોઈ આધુનિક સુવિધા; છતાં અહીં લોકોની લાઇન લાગે છે. સિટિંગ નથી છતાં ઊભા-ઊભા લોકો ખાય છે. ભાવની વાત કરીએ તો અહીં મળતી દરેક આઈટમ ૫૦ રૂપિયાની અંદર જ હોય છે. મસાલાથી લઈને એને બનાવવાની પદ્ધતિ ઉત્તર પ્રદેશ સ્ટાઇલની જ છે એટલે જેમને ઑથેન્ટિક ચાટ-આઇટમ્સ ખાવાનું ગમતું હોય તેમણે આ જગ્યાએ એક વખત આવવું જોઈએ.
ક્યાં આવેલું છે? : કિસન ભેલપૂરી હાઉસ, મહાજનગલી, પટવા ચાલ, ઝવેરીબજાર, કાલબાદેવી