લગ્નોમાં એશિયન અને મિડલ ઈસ્ટર્ન ફૂડનો દબદબો

16 June, 2022 02:29 PM IST  |  Mumbai | Varsha Chitaliya

યંગ કપલ્સના બદલાયેલા ટેસ્ટ અને મહેમાનોમાં ન્યુ ડિશ ટ્રાય કરવાનો ક્રેઝ વધતાં હવે જૅપનીઝ, લેબનીઝ, થાઈ વાનગીઓનાં કાઉન્ટર વધતાં જાય છે ત્યારે આ ક્વિઝીનની ખાસિયત વિશે વાત કરીએ

લેબનીઝ ફૂડ કૉર્નર

વેડિંગ મેનુના મેઇન કોર્સમાં અત્યાર સુધી ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ યજમાનની પહેલી પસંદ હતી. યંગ કપલ્સના બદલાયેલા ટેસ્ટ અને મહેમાનોમાં ન્યુ ડિશ ટ્રાય કરવાનો ક્રેઝ વધતાં હવે જૅપનીઝ, લેબનીઝ, થાઈ વાનગીઓનાં કાઉન્ટર વધતાં જાય છે ત્યારે આ ક્વિઝીનની ખાસિયત વિશે વાત કરીએ

કોઈ પણ લગ્નપ્રસંગમાં ફૂડની વાઇડ રેન્જ મુખ્ય અટ્રૅક્શન હોય છે. ભાત-ભાતની અને દેશ-વિદેશની વાનગીઓનાં કાઉન્ટર જોઈને ફૂડી મહેમાનોના મોઢામાં પાણી આવી જાય છે. વેડિંગ મેનુના મેઇન કોર્સમાં અત્યાર સુધી ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ યજમાનની પહેલી પસંદ રહેતી. ખાઉસે, એશિયન ગ્રીન ડિમસમ, તેમપુરા સુશી, ક્રિસ્પી પપાયા સૅલડ, કિમચી, પીટા બ્રેડ, ફટ્ટુશ જેવી આઇટમોનાં કાઉન્ટર ફાઇવસ્ટાર હોટેલોના બૅન્ક્વેટ હૉલમાં કે મોટા ગ્રાઉન્ડમાં આયોજિત શ્રીમંત પરિવારનાં સંતાનોનાં ભવ્ય લગ્નોમાં જોવા મળતાં. હવે જોકે ટ્રેન્ડ બદલાયો છે. નવી જનરેશનનાં કપલ્સનો ટેસ્ટ ચેન્જ થતાં તેમ જ મહેમાનોમાં ન્યુ ડિશ ટ્રાય કરવાનો ક્રેઝ વધતાં ઇન્ટરનૅશનલ ક્વિઝીને ઉચ્ચ મધ્યમ વર્ગનાં લગ્નોમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. મોટા ભાગના લોકોને જૅપનીઝ, લેબનીઝ ડિશનાં નામ પણ સરખી રીતે બોલતાં નથી આવડતાં છતાં આ ફૂડ કાઉન્ટર પર મહેમાનોની ખાસ્સી ભીડ હોય છે. ગુજરાતીઓના જીભના ચટાકાને ધ્યાનમાં રાખી શેફ દ્વારા વિવિધ કૉમ્બિનેશન ટ્રાય કરાય છે. ૨૦૨૨ની વેડિંગ સીઝનમાં એશિયન તેમ જ મિડલ ઈસ્ટની વાનગીઓ લોકપ્રિય થઈ છે ત્યારે આ ડિશની ખાસિયત વિશે વાત કરીએ. 

લોકપ્રિયતાનાં કારણો

આજે વિશ્વ નાનું થઈ ગયું છે. લોકો ખૂબ ટ્રાવેલ કરતા થયા છે. જે-તે દેશના લોકલ ફૂડને તેઓ પસંદ કરવા લાગ્યા છે. જૅપનીઝ, લેબનીઝ, મેક્સિન, થાઇ વાનગીઓનો ટેસ્ટ ડેવલપ થતાં વેડિંગના મેનુમાં પણ ચેન્જિસ આવ્યા છે. આ વર્ષે અનેક યજમાનોએ લેબનીઝ કાઉન્ટર રાખવાનો આગ્રહ રાખ્યો હતો અને નવી સીઝનમાં પણ એની લોકપ્રિયતા જળવાઈ રહેવાની છે એવી વાત કરતાં પુષ્ટિ કેટરર્સના પ્રણય માણેક કહે છે, ‘ઇન્ટરનૅશનલ ક્વિઝીનની વાત આવે ત્યારે લેબનીઝ ફૂડ યજમાનની ફર્સ્ટ ચૉઇસ હોય છે. ભારતીયોમાં મિડલ ઈસ્ટની પરંપરાગત વાનગીઓ ખાસ્સી પૉપ્યુલર થઈ રહી છે એનું કારણ છે સ્વાદમાં સમાનતા. સામાન્ય રીતે લેબનીઝ ફૂડમાં ગાર્લિક, છોલેના ચણા, ઑલિવ ઑઇલ, ટમેટોનો ઉપયોગ થાય છે. ભારતમાં વપરાય છે એવા જ મસાલા ઉમેરવામાં આવે છે. જેમ કે હમસ કાબુલી ચણામાંથી બને છે. એમાં લેમન જૂસ, ગાર્લિક, ઑલિવ ઓઇલ વગેરે નાંખવાથી સ્વાદિષ્ટ લાગે છે. આપણે ચણા સાથે પરાઠાં કે રોટલી ખાઈએ છીએ જ્યારે હમસ સાથે પીટા બ્રેડ ખવાય છે. આમ મેઇન કોર્સમાં એનો સહેલાઈથી સમાવેશ થઈ શકે છે.’

જૈન ફૂડમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતી યુવરાજ હૉસ્પિટાલિટીના ફાઉન્ડર આસ્તિક શાહ કહે છે, ‘ભારત સહિત એશિયાના દેશોની પ્રજા ખાણી-પીણીની શોખીન છે. મિડલ ઈસ્ટ ઉપરાંત એશિયન દેશોની પરંપરાગત વાનગીઓને પણ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. ચાઇનીઝ, જૅપનીઝ, લેબનીઝ ફૂડના પ્રિપેરેશનની રીત બેશક જુદી છે પરંતુ એમાં યુઝ થતા મોટા ભાગના સ્પાઇસ, વેજિટેબલ્સ અને અન્ય ઇન્ગ્રીડિયન્ટ્સ સેમ હોવાથી આપણા માટે નવું ટ્રાય કરવાના ઑપ્શન્સ વધી ગયા છે. લેબનીઝ ફૂડ ભારતીય પૅલેટ જેવું જ હોવાથી બધાને ભાવે છે. વેજિટેરિયન ડિશમાં લિમિટેડ ચૉઇસની સાથે શેફ દ્વારા વિવિધ પ્રયોગ કરવામાં આવે છે. એમાં જૈન ડિશ પણ સ્વાદિષ્ટ બને છે તેથી ગુજરાતી પ્રજાનો ઝુકાવ વધ્યો છે.’

ટ્રેન્ડિંગ આઇટમ

ફ્લેવર્ડ હમસ, સનડ્રાઇડ ટમેટો, બેસિલ (તુલસીનાં પાન), ઝાતર પીતા ઑલિવ ઍન્ડ મુહમ્મરા, તબૂલે, ફટ્ટુશ, બાબા ગનોશ, ફલાફલ નગેટ્સ, હરીસા ડિપ, મેડિટેરેનિયન રાઇસ વિથ એક્ઝૉટિક વેજિસ, ઓરિએન્ટલ બુદ્ધા બૉલ, ચારકોલ નાચોસ જેવી અઢળક ડિશ લિસ્ટમાં છે એવી માહિતી શૅર કરતાં આસ્તિક કહે છે, ‘એશિયન અને મિડલ ઈસ્ટની મળીને પચાસ કરતાં વધુ ફૂડ આઇટમ અમારા મેનુ કાર્ડમાં છે જેમાં મેઇન કોર્સ, સ્ટાર્ટર અને ડિઝર્ટ બધું આવી જાય. મેઇન કોર્સની વાત કરીએ તો હવે લોકોને સબ્જી-રોટી કરતાં પીટા બ્રેડ, રાઇસ, સૂપ અને નૂડલ્સમાં વધુ ઇન્ટરેસ્ટ પડે છે. રેગ્યુલર હકા નૂડલ્સમાં ટ્વિસ્ટ કરીને ઓરિએન્ટલ બુદ્ધા બાઉલ નામની આઇટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. એમાં સ્ટરફ્રાઇડ નૂડલ્સ, એક્ઝૉટિક વેજિસ, બ્લૅક બીન સૉસ, કુંગ પાઓ સૉસ, બર્ડ આઇ ચિલીસ, કૉટેજ ચીઝ હોય છે. ક્રન્ચીનેસ માટે ક્ર્શ્ડ પીનટ્સ ઍડ કરીએ. એક બાઉલમાં બધી આઇટમ થોડી-થોડી લઈને ખાવાની હોય છે. આ સીઝનમાં મોટા ભાગના વેડિંગમાં તમે આ કાઉન્ટર જોયાં જ હશે. રેગ્યુલર ટૅક્સ મૅક્સ નાચોઝમાં અમે ચારકોલનું કૉમ્બિનેશન ઍડ કર્યું છે. ટૉર્ટિલા ચિપ્સ બનાવવા માટે ઍક્ટિવેટેડ એડિબલ ચારકોલ ઍડ કરીએ છીએ. ટેસ્ટ રેગ્યુલર છે પણ પ્રેઝન્ટેશન ડિફરન્ટ છે. નાચોઝ ચીઝ સૉસ, બીન્સ અને સાલસા સાથે સર્વ કરવામાં આવે છે. જોકે દરેક લગ્નમાં મોસ્ટ ટ્રેન્ડિંગ લાઇવ કાઉન્ટરમાં લેબનીઝ સ્ટેશન આવે. જૈનમાં પણ આ બધી આઇટમ એટલી જ સ્વાદિષ્ટ બને છે.’

સુશી, હમસ અને ફલાફલ મોસ્ટ ટ્રેન્ડિંગ આઇટમ છે એવી વાત કરતાં પ્રણય કહે છે, ‘આજે બધા હેલ્થ કૉન્શિયસ થઈ ગયા છે તેથી મેઇન કોર્સમાં વિવિધ પ્રકારના સૅલડે પોતાનું સ્થાન ​નિશ્ચિત કરી લીધું છે જેમાં ફટ્ટુશ ટૉપ પર છે. ઇન્ડિયન માર્કેટમાં વેજિટેબલની વાઇડ રેન્જ ઈઝીલી અવેલેબલ છે તેથી સૅલડમાં તમે ધારો એટલા ટ્વિસ્ટ ઍડ કરી શકો છો. સૅલડમાં કલર્સ અને ડ્રેસિંગ મુખ્ય આકર્ષણ હોય છે. મહેમાનોમાં સુશી ઑલટાઇમ ફેવરિટ ડિશ છે. ઇન્ડિયન ટેસ્ટને ધ્યાનમાં રાખીને હમસમાં ન્યુ કૉમ્બિનેશન ટ્રાય કર્યું છે. બીટરૂટ હમસ તેમ જ મિન્ટ ઍન્ડ કૉરિએન્ડર હમસને ગેસ્ટનો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. મિડલ ઈસ્ટમાં રોટીની જગ્યાએ પીટા બ્રેડ અને શોરમા ખવાય છે. શોરમા એક પ્રકારની મેંદાની રોટલી જ છે જેની અંદર પનીર, વેજિટેબલ્સ, હમસ અને વિવિધ સૉસ નાખી રોલ કરીને સર્વ કરવામાં આવે છે. મિડલ ઈસ્ટની આ ફેમસ સ્ટ્રીટ ફૂડ આઇટમ ઇન્ડિયન વેડિંગમાં સ્થાન પામી છે.’

આ પણ ટ્રાય કરો :

columnists life and style Varsha Chitaliya