16 August, 2025 02:41 PM IST | Mumbai | Darshini Vashi
છોલે-કુલચે તડકા
ઘણી વાર લોકોને ફરિયાદ કરતા સાંભળીએ છીએ કે અરે યાર નૉર્થમાં જેવા કુલચા ખાધા હતા એવા કુલચા મુંબઈમાં ખાવા નથી મળી રહ્યા. એનું કારણ છે બનાવવાની અસ્સલ પદ્ધતિ, સામગ્રી અને ટેક્નિક જે ત્યાંના લોકલ લોકો પાસે જ હોય છે; પણ જો એ બધું જ અહીં આવી જાય તો પછી કોને નૉર્થના ફૂડની યાદ આવે? અહીં આપણે વાત કરી રહ્યા છીએ છોલે-કુલચે તડકાની જે સ્ટૉલ મૂળ તો અમ્રિતસરનો છે પણ થોડાં વર્ષ પહેલાં જ એને મુંબઈમાં શરૂ કરવામાં આવ્યો હતો.
૨૦૦૮ની સાલમાં એક પાજીએ અમ્રિતસરમાં છોલે-કુલચે તડકા નામનો સ્ટૉલ શરૂ કર્યો હતો જેના કુલચા અને છોલે ત્યાં એટલાંબધાં પ્રખ્યાત થઈ ગયાં હતાં કે તેમણે મુંબઈમાં એક આઉટલેટ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આમ ૨૦૨૨ની સાલમાં મીરા રોડ ખાતે છોલે-કુલચે તડકા નામનો આ સ્ટૉલ શરૂ કરવામાં આવ્યો હતો. જોતજોતાંમાં આ સ્ટૉલ પર મળતા વિવિધ પ્રકારના કુલચા, છોલે અને લસ્સી એટલાં ફેમસ થઈ ગયાં છે કે લોકો દૂર-દૂરથી અહીં ખાવા આવે છે. અહીંના સિગ્નેચર ટાઇપ કહી શકાય એવા કુલચામાં પૅટી પનીર કુલ્ચા આવે છે જેમાં પનીર અને વેજિટેબલ્સનું સ્ટફિંગ કરવામાં આવે છે. આ સિવાય અહીંનું ચૂરચૂર નાન ખૂબ જ ફેમસ છે. બટરથી ફુલી લોડ કરવામાં આવતા આ ચૂરચૂર નાન સાથે છોલે, ગ્રીન ચટણી અને પાપડ પીરસવામાં આવે છે. ચીઝ મખ્ખન ચાપ, ગાર્લિક ચાપ પણ અહીં અવેલેબલ છે. આ સિવાય અહીંનું હિડન ઍટ્રૅક્શન છે લસ્સી. નો ડાઉટ, અહીં એકદમ જાડી અને મલાઈદાર લસ્સી નથી પણ થોડી પાતળી અને ઓછી મલાઈદાર લસ્સી હોય છે છતાં લોકો કુલચા અને નાન સાથે લસ્સી અચૂક લેતા હોય છે. અહીંનો લસ્સીનો ગ્લાસ મિની બકેટ જેવો છે.
ક્યાં મળશે? : છોલે-કુલચે તડકા, ખાઉગલી, ગોકુલ વિલેજ, મીરા રોડ (ઈસ્ટ) સમય : સવારે ૧૧.૩૦થી રાત્રે ૧૧.૩૦ સુધી