01 November, 2025 01:07 PM IST | Mumbai | Darshini Vashi
પૈત્રક
મુંબઈ શહેરમાં આમ તો હવે બધું જ મળે છે. દરેક પ્રાંતની ડિશ ઘણી જગ્યાએ બનાવીને વેચવામાં આવે છે પરંતુ આવું પ્રાંતીય ફૂડ ખાવાની ત્યારે મજા આવે જ્યારે એને બનાવનાર પણ એ જ પ્રાંતના હોય એટલું જ નહીં, એમાં પડતી સામગ્રી પણ એ જ પ્રાંતમાંથી આવતી હોય. ત્યારે ખરા અર્થમાં કહી શકાય કે તમે ઑથેન્ટિક વાનગીની મજા માણી છે. આવી જ એક જગ્યા છે અંધેરી-ઈસ્ટમાં આવેલી પૈત્રક, જ્યાં ફૂડ તો રાજસ્થાની મળે જ છે અને સાથે એને બનાવનાર પણ રાજસ્થાની છે અને સામગ્રી પણ ત્યાંની જ છે.
અંધેરી-ઈસ્ટમાં રાજસ્થાની ફૂડ પીરસતી પૈત્રક આવેલી છે જે પ્યાજની એટલે કે કાંદાની કચોરી માટે જાણીતી છે એટલું જ નહીં, અહીં બીજી પણ અનેક રાજસ્થાની વરાઇટી મળે છે જે અન્ય જગ્યાઓ મળતી વાનીઓ કરતાં નોખી છે. એનું કારણ જણાવતાં પૈત્રકનાં ઓનર મધુર દાડ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું મૂળ રાજસ્થાનનો છું. થોડાં વર્ષ પહેલાં હું આગળનો અભ્યાસ કરવા માટે મુંબઈમાં આવ્યો હતો ત્યારે મેં જોયું કે અહીં રાજસ્થાની ફૂડ તો મળે છે પણ અહીંના રાજસ્થાની ફૂડમાં અને મૂળ રાજસ્થાની ફૂડના ટેસ્ટની વચ્ચે ઘણો મોટો તફાવત છે. અસ્સલ કહી શકાય એવો ટેસ્ટ મને મળ્યો નહીં એટલે મેં વિચાર્યું કે કેમ ન હું જ એમાં શ્રીગણેશ કરું અને મારા રાજસ્થાનની અસ્સલ પદ્ધતિ અને સામગ્રીથી બનતી વાનીઓને મુંબઈમાં લઈને આવું. અને બસ, આ રીતે પૈત્રકનો પાયો નખાયો. અહીં શેફથી લઈને દરેક ડિશમાં પડતી સામગ્રી, મસાલા વગેરે બધું રાજસ્થાની છે. અમુક વસ્તુઓ જે અવારનવાર જોઈતી હોય છે એ જ લોકલ હોય છે, બાકી બધું રાજસ્થાનથી જ આવે છે.’
અહીંના ફૂડની વાત કરીએ તો રાજસ્થાનમાં અલગ-અલગ વિસ્તારની અલગ-અલગ ફૂડ-આઇટમ ઘણી પ્રચલિત છે જે અહીં એ જ રૂપમાં મળી રહી છે, જેમ કે ભીલવાડાની કાંદા કચોરી, જયપુરના દાલબાટી ચૂરમા, મેવાડના આલૂ પ્યાજ તીખડ, જોધપુરનાં મિરચી વડાં વગેરે. આ સિવાય ડિઝર્ટમાં અહીં મિની ઘેવર મળે છે જે ઘી અને મલાઈથી લથબથ હોય છે જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે.
ક્યાં મળશે? : પૈત્રક, ગોપાલભવન, આઝાદનગર, અંધેરી (ઈસ્ટ)