જો ઍસિડિટીના ડરથી કૉફી અવૉઇડ કરતા હો તો કોકોનટ વૉટર કૉફી તમારા માટે છે

23 September, 2025 12:02 PM IST  |  Mumbai | Laxmi Vanita

આજકાલ મુંબઈની ઘણી કૅફેના મેનુમાં આ કૉફીનું ઍડિશન થયું છે. ઇન્ટરનેટ પર છવાયેલો આ ટ્રેન્ડ કોના માટે ફાયદાકારક અને નુકસાનકારક છે એ જાણીએ

કોકોનટ વૉટર કૉફી

આજની જનરેશન કૅફે જનરેશન છે એટલે તેમની સવાર કૉફીથી થતી હોય છે, પછી ભલે કૉફીની ટેવ તેમણે વેબ-સિરીઝ અને હૉલીવુડની ફિલ્મના હીરોની નકલ કરવા જ શરૂ કરી હોય. કૉફી વિશ્વના સૌથી લોકપ્રિય પીણામાંનું એક છે. સવારમાં ઊઠીને કૉફી ન પીધી હોય કે ઑફિસ પર પહોંચીને કૉફી ન મળે તો દિવસની શરૂઆત જ નથી થઈ એવું લાગતું હોય છે. રસપ્રદ વાત તો એ છે કે ઘણા લોકો તો ખાલી ફૅશન માટે કૉફીનો કપ લઈને સ્ટાઇલ મારતા જોવા મળતા હોય છે અને લોકોને લાગતું હોય છે કે તેઓ કૉફી પીએ છે. કૉફીની તીવ્ર સુગંધને કારણે માત્ર પીનારું જ નહીં પણ ન પીનારું પણ એનો સ્વાદ માણી લેતું હોય છે. આજે કૉફી એક કલ્ચર અને સ્ટેટસ બની ગઈ છે. ઘણી ઑફિસ-મીટિંગ્સ કૅફેમાં ગોઠવાતી થઈ ગઈ છે. કૅફેમાં પણ કૉફીની વિવિધતામાં વધારો થયો છે. યુવાનો માટે એસ્પ્રેસો, લાતે, કાપુચિનો કે કોલ્ડ બ્રૂ જેવાં નામો અજાણ્યાં નથી. યુવાનો તથા કૉફીલવર્સને જકડી રાખવા માટે કૉફી-મેકર્સ પણ નવાં-નવાં ગતકડાં કરતા હોય છે. આજે જાણીએ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વાઇરલ થયેલી કોકોનટ વૉટર કૉફીમાં એવું તો શું છે કે મુંબઈમાં કેટલીયે કૅફેનાં મેનુ અપડેટ કરીને આ કૉફીને સામેલ કરવી પડી, આ કૉફી હેલ્થ માટે કેટલી ફાયદેમંદ છે એ પણ જાણીએ.

કિડનીની સમસ્યા ધરાવતા, ડાયાબિટીઝના દરદીઓ, પ્રેગ્નન્ટ મહિલાઓ અને બાળકોએ કોકોનટ વૉટર કૉફી અવગણવી. તેમના માટે આ હેલ્ધી વિકલ્પ નથી.

પ્રી-એક્સરસાઇઝ ડ્રિન્ક

અમેઝિંગ ડાયટ ફૅક્ટ્સ ઍન્ડ કૅલરી બુકનાં ઑથર, ડાયટ અને ઓબેસિટી કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ શેઠ કહે છે, ‘કૉફીથી ઘણા લોકોને ઍસિડિટી થતી હોય છે. કૉફી અને દૂધનું સંયોજન કેટલાક માટે ઍસિડિક સાબિત થાય છે. જ્યારે દૂધને બદલે કોકોનટ વૉટરનો ઉપયોગ કરવામાં આવે તો ઍસિડિટીની શક્યતા નહીંવત થઈ જાય છે, કારણ કે કોકોનટ વૉટર સ્વભાવે આલ્કલાઇન (જેની pH ૭ કરતાં વધારે હોય એટલે કે ઓછું ઍસિડિક) છે. હવે કૅફીન અને એના માટે ઉપયોગ કરવામાં આવતા પ્રવાહી વિશે સમજો. દૂધ સાથે લીધેલી કૅફીનવાળી વસ્તુ એટલે કે ચા-કૉફી શરીરમાં પાણી ઓછું કરે એટલે કે ડીહાઇડ્રેટ કરે છે. ડીહાઇડ્રેશનમાં શરીરમાંથી ઇલેક્ટ્રોલાઇટ ઓછું થાય છે. કોકોનટ વૉટરમાં ઇલેક્ટ્રોલાઇટ હોય છે એટલે ડીહાઇડ્રેશન નથી થતું. કૉફી વગર જે કોકોનટ વૉટરના ફાયદાઓ છે એ તો છે જ. એ મૅગ્નેશિયમ, પોટૅશિયમથી ભરપૂર હોય છે. દૂધની સરખામણીમાં કોકોનટ વૉટરમાં ફૅટ નહીંવત્ જેવી અને કૅલરીનું પ્રમાણ એકદમ ઓછું છે. એ બ્લડપ્રેશર, હાર્ટ-હેલ્થ અને મસલ-સ્ટ્રેન્ગ્થ માટે સારું છે. કૉફીના કૅફીનમાં પૉલિફિનોલ અને ઍન્ટિઑક્સિડન્ટ્સ છે જે ઍન્ટિ-એજિંગનું કામ કરે છે. પૉલિફિનોલ ઉંમરને લગતી બીમારીઓની શક્યતા ઘટાડે છે. કૉફીમાં કૅન્સર પ્રિવેન્ટિંગ ગુણો પણ રહેલા છે. તો આ સંયોજન યોગ્ય માત્રામાં બહુ જ હેલ્ધી કહેવાય. જે લોકો સ્પોર્ટ્‍્સ રમતા હોય તેમના માટે તો આ બહુ જ સારું છે. પ્રી-એક્સરસાઇઝ માટે આ કૉફી લેવામાં આવે તો એ વ્યક્તિને અલર્ટ રાખે અને સ્ટ્રેન્ગ્થ વધારે છે.’

બેસ્ટ વિકલ્પ છે

મુંબઈમાં જ જન્મેલી અને મોટી થયેલી અને હાલ દુબઈમાં રહેતી શેફ ટર્ન્ડ ફૂડ-બ્લૉગર અનિકા પાણિકર કહે છે, ‘અમુક વર્ષ પહેલાંની વાત કરું તો હું દિવસમાં પાંચથી ૬ કપ કૉફી પીતી હતી. મારાથી કૉફી વગર કામ જ નહોતું થતું. મને ખબર હતી કે વધારે માત્રામાં કૉફી હાનિકારક છે તો મારે ધીરે-ધીરે એ ટેવ બદલવી પડી. પછી દિવસમાં પાંચમાંથી ૧ કપ સુધી પહોંચી. અમુક વર્ષો સુધી મેં શેફ તરીકે કિચનમાં પણ કામ કર્યું અને પછી મેં મારું પોતાનું શરૂ કર્યું. મારા બ્લૉગ, ઇન્સ્ટાગ્રામ પર તમે અઢળક રેસિપી જોઈ શકશો. જેઓ મારી જેમ
કૉફી-લવર્સ છે તેમને માટે કોકોનટ વૉટર કૉફી સૌથી ઉત્તમ વિકલ્પ છે. કૅફીનના ઘણા ફાયદાઓ છે અને એનર્જી માટે એને બેસ્ટ માનવામાં આવે છે, તો એને સંપૂર્ણ રીતે બંધ કરી દેવાને બદલે હેલ્ધી રીતે ઉપયોગમાં લઈ શકાય. તમે ઑરેન્જ જૂસ સાથે કૉફીનું સંયોજન કરશો તો એ પણ તમને અદ્ભુત અનુભૂતિ કરાવશે. ઑરેન્જ જૂસ કૉફીનો એક ઘૂંટડો મોઢામાં વૉલ્કૅનિક સ્વાદ આપશે. હું મારી વાત કરું તો કોકોનટ વૉટર કૉફી ઑલટાઇમ ફેવરિટ છે. બનાવવામાં બહુ જ સરળ છે. કુકીઝ અને કેક સાથે આ કૉફીને એકદમ આરામથી પીઉં છું.’

કોકોનટ વૉટર અને આૅરેન્જ કૉફીની રેસિપી

અનિકા પોતાની રેસિપી શૅર કરતાં કહે છે, ‘કોકોનટ વૉટર કે ઑરેન્જ જૂસ એકદમ ઠંડું હોવું જોઈએ અને ન હોય તો એમાં બરફ પણ નાખી શકાય છે. બે ટીસ્પૂન કૉફી પાઉડર ડાયલ્યુટ થાય એટલું પાણી લેવાનું. ૧ મધ્યમ કદનું કોકોનટ લેવાનું જેમાં એક કપ જેટલું પાણી હોય. કૉફીના કૉન્કૉક્શનને શેકરમાં શેક કરવાનું જેથી એમાં ફ્રોથ આવે. કૉફી-ગ્લાસમાં એકદમ ચિલ્ડ કોકોનટ વૉટર કે ઑરેન્જ જૂસ લેવાનું અને એના પર કૉફી નાખવાની. નારિયેળ પાણી કે જૂસમાં પોતાની મીઠાશ હોય છે એટલે એમાં વધારે ખાંડ નાખવાની જરૂર નથી રહેતી, પરંતુ તમે હેલ્ધી ઑપ્શન તરીકે મધ કે મેપલ સિરપ પણ નાખી શકો છો. તમારાં ફેવરિટ ફળોના રસ સાથે આ કૉફીની રેસિપી ટ્રાય કરી શકો છો. ફળોનો રસ કૉફીના સ્વાદને નિખારે છે અને કડવાશને બૅલૅન્સ કરે છે.’

food and drink food news indian food healthy living health tips columnists