બદલવી છે તમારે સેવમમરાના ટેસ્ટની વ્યાખ્યા?

07 April, 2022 03:38 PM IST  |  Mumbai | Sanjay Goradia

જો તમારો જવાબ હા હોય તો સુરેન્દ્રનગરના રાજેશ્વરીનાં સેવમમરા તમારે ટેસ્ટ કરવાં પડે. એ એક વાર ચાખશો તો સમજાશે કે આજ સુધી આપણે સેવમમરાના નામે ફીફાં જ ખાંડ્યાં છે

સુરેન્દ્રનગરના રાજેશ્વરીનાં સેવમમરા

હમણાં મારી મસ્ત ટ્રૅજેડી ચાલે છે. મારાં એકસાથે બે નાટક ચાલે છે. એક તો ‘બૈરાઓનો બાહુબલી’ અને બીજું નાટક ‘દે તાળી... કોના બાપની દિવાળી’. બન્ને નાટકની આખી ટીમ જુદી પણ હું એકલો કૉમન એટલે મારો બરાબરનો કસ નીકળી જાય. ગુજરાતની ટૂર દરમ્યાન અમારા આ બીજા નાટકનો શો સુરેન્દ્રનગરમાં હતો અને ‘દે તાળી... કોના બાપની દિવાળી’નો એક વીકમાં કોઈ શો થયો નહોતો એટલે બધા આર્ટિસ્ટ સાથે એક રિહર્સલ જરૂરી હતું. હું રાજકોટથી સુરેન્દ્રનગર ગયો. રાજકોટથી સુરેન્દ્રનગર સવાબે કલાકનો રસ્તો. ટીમના બીજા મેમ્બર્સ અમદાવાદથી આવ્યા. અમદાવાદથી પણ સુરેન્દ્રનગર સવાબે કલાક થાય. હું સુરેન્દ્રનગર વહેલો પહોંચ્યો એટલે મને થયું કે આ સમયનો લાભ લઈ લેવો જોઈએ. સુરેન્દ્રનગરના જૈન સોશ્યલ ગ્રુપના ઑર્ગેનાઇઝર સંજય શાહને મેં ફોન કર્યો કે એ તરત આવી ગયા. અમદાવાદથી આવતા કલાકારો માટે મારે નાસ્તો પણ લેવાનો હતો એટલે અમે પહેલાં ગયા રાજેશ રેસ્ટોરાંમાં. રાજેશનાં પટ્ટી સમોસાં બહુ વખણાય છે અને એનો આસ્વાદ ભૂતકાળમાં તમને કરાવ્યો પણ છે. રાજેશનાં રસિયાં પાતરાં પણ બહુ વખણાય છે.

અમારી ટીમ માટે એ બધાનો ઑર્ડર કરી અમે નીકળ્યા કે તરત સંજયભાઈએ મને કહ્યું કે તમને અદ્ભુત સેવમમરા ખવડાવું. પહેલી વાત એ કે સેવમમરામાં વળી અદ્ભુત શું હોવાનું પણ હું કંઈ પૂછું કે કહું એ પહેલાં તો તે મને લઈ ગયા રાજેશ્વરી સ્વીટ માર્ટ નામની દુકાને અને સાહેબ, શું સેવમમરા! હું તો આભો રહી ગયો કે સેવમમરા પણ આટલાં સ્વાદિષ્ટ હોતાં હશે. ખરેખર, મારી તો સેવમમરાની આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ અને એનું કારણ પણ હતું. સેવ ક્રન્ચી હોય એ તો સમજ્યા પણ રાજેશ્વરીનાં સેવમમરામાં તો મમરા પણ કરકરા.

મને રસ પડ્યો એટલે પૂછપરછ કરી તો મને કહેવામાં આવ્યું કે મમરાને ડીપ-ફ્રાય કરવામાં આવે છે. પણ મજા જુઓ સાહેબ, ડીપ ફ્રાઇડ મમરામાં તમને સહેજ અમસ્તું પણ તેલ જોવા ન મળે. તેલનું એક ટીપું પણ મમરામાં રહે નહીં અને એને લીધે દેખીતી રીતે ખબર પણ ન પડે કે આ મમરા તળેલા છે. રાજેશ્વરીમાં દરરોજ પચાસ કિલો સેવમમરા બને અને સાંજ પડતાં એ મમરા ખતમ થઈ જાય અને તો પણ નવાં સેવમમરા બનાવવાનાં નહીં. રોજનાં સેવમમરા રોજ બને.

સેવમમરાના મમરાનું તો તમને કહ્યું મેં પણ સેવ પણ એટલી જ સરસ પણ સેવમમરામાં પડતો જે ખાસ મસાલો છે એ ગેમ-ચેન્જર છે. આ મસાલામાં હિંગ, ધાણાજીરું, સાકર, મીઠું, મરચું અને બીજા તેજાના પણ છે. આ મસાલાનું કૉમ્બિનેશન જે સ્વાદ ઊભો કરે છે એ અદ્ભુત છે અને ઇન્ટરેસ્ટિંગ વાત એ કે એમાં ખટાશ, તીખાશ અને ગળાશ એમ ત્રણેત્રણ સ્વાદ સરખા પ્રમાણમાં આવતા હતા.

હું તો ત્યાં ઊભો-ઊભો જ બસો ગ્રામ સેવમમરા ખાઈ ગયો હોઈશ અને એ પછી મેં ઘરે લઈ જવા માટે સેવમમરાનાં પૅકેટ પણ ખરીદ્યાં. સામાન્ય રીતે મને આ પ્રકારના રેડીમેડ પૅકેટમાં બહુ રસ પડતો નથી પણ મને કહેવામાં આવ્યું કે તમે પ્રિઝર્વેટિવની ચિંતા નહીં કરો, અમે કોઈ જાતનાં કેમિકલ આમાં વાપરતા નથી.

સુરેન્દ્રનગર અને વઢવાણમાં જૈનો પુષ્કળ એટલે ત્યાંથી મુંબઈ આવતા મોટા ભાગના જૈન ભાઈઓ રાજેશ્વરીનાં સેવમમરા લેતા જ આવે. ડિમાન્ડને જોતાં હવે તો રાજેશ્વરીએ પણ પેટીએમ કે ગૂગલ-પે કરનારાને કુરિયર મોકલવાનું શરૂ કર્યું છે. હું તો તમને કહીશ કે આ સેવમમરા ટેસ્ટ કરવાં જ જોઈએ, એ ટેસ્ટ કરશો તો સમજાશે કે સાલ્લું આજ સુધી આપણે જે ખાધાં એ સેવમમરા હતાં જ નહીં. હું તો કબૂલીશ કે મારી તો સેવમમરાની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ.

રાજેશ્વરીમાં સેવમમરા ઉપરાંત પણ બીજી ઘણી આઇટમ મળે છે અને એ તમામ આઇટમ તે પોતે જ બનાવે છે. એ આઇટમમાં ઇન્ટરેસ્ટિંગ કહેવાય એવી આઇટમ કહું તો એ છે વઢવાણી મોળાં મરચા, રાઈ નાખીને આથેલાં મરચાં પણ બહુ સરસ છે. આપણે ત્યાં પચાસ અને સો ગ્રામના પૅકિંગ મળે પણ રાજેશ્વરીમાં અઢીસો ગ્રામનું પૅકિંગ મળે અને એનું કારણ એ કે એક વાર આ ટેસ્ટ કર્યા પછી તમે ચાર-છ દિવસમાં અઢીસો ગ્રામ મરચાં ખાઈ જશો. અદ્ભુત સ્વાદ. રાજેશ્વરીનાં સેવમમરા મહિનો ટકે છે તો આથેલાં મરચાં ફ્રિજમાં રાખો તો બેચાર મહિના આરામથી ચાલે. સુરેન્દ્રનગર આમ તો બહુ ઑક્વર્ડ સેન્ટર છે એટલે ત્યાં ખાસ કોઈને જવાનું બનતું નથી હોતું પણ કુરિયર સુવિધા છે એટલે પેટીએમ કે ગૂગલ-પે કરીને તમે આ વરાઇટી મગાવી શકો છો અને હું તો કહીશ, આ ફૂડ ડ્રાઇવને જેવી બ્રેક લાગે કે પહેલું કામ ઑર્ડર કરવાનું કરજો. ખરેખર જલસો પડી જશે.

columnists life and style Sanjay Goradia