23 March, 2025 07:01 AM IST | Vadodara | Sanjay Goradia
સંજય ગરોડિયા
સામાન્ય રીતે એવું બને કે જે વિસ્તારનું જે ખાનપાન ફેમસ હોય ત્યાં જ એની બ્રૅન્ડ ડેવલપ થાય પણ હમણાં મેં જુદું જોયું. સાઉથ ઇન્ડિયન આઇટમની બ્રૅન્ડ ડેવલપ થઈ અને એ પણ ગુજરાતમાં. માંડીને વાત કરું.
મારા મામા વડોદરામાં રહે. હમણાં મારી ફિલ્મનું શૂટિંગ વડોદરામાં ચાલતું હતું ત્યારે તેમની સાથે વાત થઈ તો મામા મને કહે કે સંજય, મારા ઘર પાસે એક મસ્ત સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં થઈ છે, એનાં બહુ વખાણ થાય છે; તું ફ્રી થાય ત્યારે આપણે ત્યાં જમવા જઈએ. એ રેસ્ટોરાંનું નામ હતું, ‘નમસ્તે દ્રવિડ’. મિત્રો, મને નામ સાંભળીને મજા આવી ગઈ પણ ખાવાની વાત હોય તો નૅચરલી સ્વાદ વધારે મહત્ત્વનો હોય. મનોમન મેં નક્કી કર્યું કે મારે એ રેસ્ટોરાંમાં જવું. નસીબજોગે એક દિવસ શૂટિંગમાં વહેલું પૅકઅપ થયું એટલે મેં તો મામાને ફોન કરીને કહી દીધું કે તમે સીધા ત્યાં જ પહોંચો, હું ‘નમસ્તે દ્રવિડ’ પર પહોંચું છું. વડોદરાના સુભાનપુરા એરિયામાં ઇલોરા પાર્ક રોડ પર આવેલી રેસ્ટોરાં જોઈને જ હું ઇમ્પ્રેસ થઈ ગયો.
રેસ્ટોરાંનું ઇન્ટીરિયર ઑફ-વાઇટ અને ગ્રીન કલરનું હતું. આ ગ્રીન કલર એટલે કેળના પાનનો કલર. એકદમ સાફસુથરી રેસ્ટોરાં પણ મિત્રો, વાત તો સ્વાદની હતી અને મને એમાં બહુ ડર હતો કારણ કે ગુજરાતમાં મેં જોયું છે કે મોટા ભાગના સાઉથ ઇન્ડિયન ફૂડમાં તમને સાંભાર અને ચટણીમાં વેઠ ઊતરેલી દેખાય. સાંભાર જુઓ તો ગુજરાતીઓને ભાવે એવો કરી નાખ્યો હોય અને ચટણીમાં સેથકનું પાણી ઢીંચ્યું હોય. તમને એવું લાગે જ નહીં કે તમે કોપરાની ચટણી ખાઓ છો.
અમે કુલ ત્રણ જણ હતા એટલે મેં મામાને કહી દીધું, આપણે બધું અલગ જ મગાવીશું જેથી વધારેમાં વધારે આઇટમ ટેસ્ટ થઈ શકે. સૌથી પહેલાં અમે ઑર્ડર આપ્યો મેદુવડા-સાંભારનો. જેવો ઑર્ડર આપ્યો કે વેઇટર આવીને ચટણીઓ મૂકી ગયો. ચાર પ્રકારની ચટણી હતી, જેમાં એક ચટણી મેં પહેલી વાર ચાખી. એ ચટણી ખાટી હતી. થોડી વારમાં મેદુવડાં આવ્યાં. એક પ્લેટમાં ચાર પીસ હતા. વડાં પ્રમાણમાં નાનાં હતાં પણ સાહેબ, આપણે તો સ્વાદ લેવાનો હતો. વડા એકદમ કરકરા હતા, ખાવામાં મજા આવી અને સાંભાર ઑથેન્ટિક. હું તો રાજી-રાજી થઈ ગયો. હવે મેં મેનુમાં નજર ફેરવી અને હું તો આભો રહી ગયો. વડાં, ઇડલી, ઢોસા અને ઉપમામાં ભાતભાતની વરાઇટી. વડાંમાં એક હતાં ઠાયર વડાં. મેં મગાવ્યાં નહીં પણ પૂછ્યું તો ખબર પડી કે એ સાદાં વડાં હોય અને એમાં તમને ખાવા માટે મીઠું દહીં આપે. કેરલામાં એ બહુ ખવાય છે.
મેં ઘી-પોડી ઇડલી મગાવી. સાહેબ, જો તમે આ ઇડલી ટ્રાય ન કરી હોય તો એક વાર મગાવજો. ખરેખર બહુ મજા આવશે. ઘી-પોડી ઇડલીમાં તમારી હથેળીની સાઇઝની ઇડલી હોય. ગરમાગરમ સ્પૉન્જી ઇડલી હોય, એને ઘીમાં ઝબોળે અને પછી પોડી પાઉડરમાં રગદોળીને તમને આપે. મજા પડી જાય. મેં ગુજરાતમાં ક્યારેય ઘી-પોડી ઇડલી ખાવાની ટ્રાય નહોતી કરી. મને બીક હતી કે મારું મન તૂટશે પણ ‘નમસ્તે દ્રવિડ’માં મારી ઇચ્છા પૂર્ણ થઈ અને મને એ જ ટેસ્ટ કરવા મળ્યો જે હું સાઉથમાં કરતો આવ્યો છું.
મેં ઘી-પોડી ઢોસા પણ ટ્રાય કર્યા છે. તમને એક વાત કહું, સાઉથમાં ક્યાંય તેલ કે બટર નથી વપરાતું. એ લોકો ઘી જ વાપરે. ઘી-પોડી ઢોસામાં ઢોસો પોતે ઘીમાં બન્યો હોય. આખો ઢોસો તૈયાર થઈ જાય એટલે ઢોસાની વચ્ચે એકદમ દેશી ઘીનો મોટો લોંદો મૂકી એને ઢોસા પર ફેરવી દે અને પછી ઢોસાની બરાબર વચ્ચે પોડી પાઉડરનો મોટો જથ્થો મૂકે. તમે એક વાર આ ઢોસા ટ્રાય કરો એટલે તમારે એમાં સાંભાર કે ચટણી માગવાની જરૂર ન પડે અને તમે જો મારા જેવા ન હો, એટલે કે ખાવાની તમારી ક્ષમતા હોય તો આરામથી ચાર-પાંચ ઢોસા ખાઈ જાઓ. મજાની વાત એ કે આટલા ઢોસા ખાધા પછી ચારેક કલાકે તમે પાછું કંઈક ખાવા માગો. ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડની આ જ તો મજા છે. ઍનીવેઝ, જો વડોદરા જવાનું બને તો ‘નમસ્તે દ્રવિડ’માં જજો. જલસો પડશે.