કુકિંગ માત્ર મેકિંગ નહીં, ફીલિંગ્સ પણ છે

13 April, 2021 03:31 PM IST  |  Mumbai | Rashmin Shah

આવું માને છે ‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ જેવી ફિલ્મો ઉપરાંત અનિલ કપૂર સાથે ‘24’, ‘ઇટ્સ નૉટ ધૅટ સિમ્પલ’, ‘તમન્ના’ જેવી અનેક સિરિયલ અને વેબ- સિરીઝની સ્ટાર માનસી રાચ્છ

માનસી રાચ્છ

કુકિંગમાં તમે શું વાપરો છો એ  જ નહીં, તમારો ભાવ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ, પ્રસાદ હંમેશાં ભાવથી ભરેલો હોય એટલે જ એની મીઠાશ અદ્ભુત હોય છે. હું કહીશ કે કુકિંગ માત્ર મેકિંગ નહીં પણ ફીલિંગ્સ સાથે જોડાયેલું છે. આ જ વાતને મેં હંમેશાં પકડી રાખી છે. હું જ્યારે કુક કરતી હોઉં ત્યારે મારા કિચનમાં સૂફી મ્યુઝિક ચાલતું હોય. એ મ્યુઝિકની સીધી અસર તમને ફૂડમાં દેખાય. 

મેં કુકિંગની શરૂઆત કરી પંદરેક વર્ષની એજ પર. મમ્મી શોભનાબહેન બહુ સરસ રસોઈ બનાવે. પપ્પા વિજયભાઈનો મસાલાનો બિઝનેસ એટલે એમ જોઈએ તો હું મમ્મી અને પપ્પા એમ બન્ને પાસેથી કુકિંગ શીખી છું. ફૂડ સાથે એક્સપરિમેન્ટ કેમ કરવા એ પપ્પા શીખવે અને મમ્મી મેકિંગ શીખવે. પહેલી વાર મમ્મીએ મને રોટલી વણવાની ડ્યુટી આપી હતી અને એ એકદમ ગોળ થઈ હતી. પહેલી જ ટેસ્ટમાં મને ડિસ્ટિંક્શન મળ્યું એટલે મમ્મી મને રોજ થોડું-થોડું શીખવે અને મને પણ મજા આવે એટલે હું પણ કરું. હું બધાને કહીશ કે ક્યારેય એક્સપરિમેન્ટ કરતા ગભરાવાનું નહીં.

મૅરેજ પછી મારાં સાસુ સુશીલાબહેને તેમની રેસિપીની બુક ‘મા’ઝ રેસિપી’ આપી. એ બુકમાં તેમની બધી રેસિપી હતી જે તેમણે ખાસ મારા માટે પ્રિન્ટ કરાવી હતી. આ રસ્તો બધાં સાસુએ વાપરવા જેવો છે જેથી ફૅમિલીમાં આવનારી વ્યક્તિ તમારા ટેસ્ટ મુજબનું કુકિંગ કરી શકે.

મીઠાઈ જોઈએ

હું મુંબઈમાં હોઉં તો મારુ લંચ જ નહીં, આખા દિવસનું ફૂડ ઘરેથી આવે. મીઠાઈ મને ભાવે એટલે પેંડા, રસગુલ્લા, જાંબુ હોય. જો ઘરમાં કંઈ ન હોય તો છેલ્લે ટિફિનમાંથી ચૉકલેટ નીકળે પણ હોય ખરી. મીઠાઈને હું મારા ડેઇલી શેડ્યુલમાં રાખીને જ વર્કઆઉટ પ્લાન કરું.

ચા અને મૅગ્નમ આઇસક્રીમ મારી નબળાઈ. ચા મને અનહદ વહાલી અને મારો એક ખાસ મગ છે, એમાં જ પીવાની. દિવસ દરમિયાન ત્રણથી ચાર મગ મેં ચા પીધી હોય. મારી પાસે ચાનું કલેક્શન પણ છે. ઑરેન્જ ટીથી લઈને વૅનિલા ટી, સ્પેશ્યલ દાર્જીલિંગ, આસામ ટી જેવી ટ્રેડિશનલ ટી પણ મારા કલેક્શનમાં છે. હૅપી મોમેન્ટ હોય કે સૅડ મોમેન્ટ, મને આઇસક્રીમ જોઈએ. મારી વેબ-સિરીઝ કે ફિલ્મ રિલીઝ થાય તો એક આઇસક્રીમ અને જો ઑડિશન ખરાબ ગયું હોય તો બે આઇસક્રીમ.

લૉકડાઉન બ્લેસિંગ્સ

લૉકડાઉનમાં મારું કુકિંગ રિવિઝન થઈ ગયું એમ કહું તો ચાલે. લૉકડાઉનમાં મેં કુકિંગની બધી ઇચ્છા પૂરી કરી લીધી. બ્લન્ડર માર્યાં અને અને ઘણું નવું શીખી. સૌથી પહેલાં મેં ખીચડી બનાવી હતી. શરૂઆતમાં મને દાળ, ભાત, શાક અને રોટલી બનાવવામાં ત્રણથી ચાર કલાક થતા પણ હવે એટલો સમય નથી લાગતો. હવે હું માસ્ટર બની ગઈ છું. હવે તો મટર પનીર, દાળ-ભાત, રોટલી, શાક, સંભાર, ગુજરાતી દાળ અને કઢી એ બધું જ ઘરે બનાવી લઉં અને એ પણ એક કલાકમાં. હા, રોટલો બનતાં વાર લાગે. રોટલી, ભાખરી, થેપલાં કે પરાઠાં કરતાં રોટલો બનાવવામાં વધારે ધ્યાન રાખવું પડે.

બ્લન્ડર બબલ્સ

એક વખત દાલ તડકા બનાવવાનું નક્કી કર્યું અને એ દિવસે ભૂલથી મેં ત્રણ વાર લસણ ઍડ કરી દીધું. ખુશ્બૂ અદ્ભુત આવે પણ મોઢામાં નાખી ત્યાં જ ખબર પડી ગઈ, બાપ રે આ નહીં ખાઈ શકાય. એ દાળને રિપેર કરવા જતાં ત્રણ દિવસ ચાલે એટલી ક્વૉન્ટિટીમાં દાળ બની ગઈ. તો એક વાર ભૂલથી હળદર વિનાની દાળ બનાવી નાખી. ટેસ્ટમાં ખરાબ નહોતી લાગતી પણ એનો કલર વાઇટ જેવો હતો એટલે એ ખાવાની ઇચ્છા નહોતી થતી.

columnists Rashmin Shah