03 January, 2026 06:52 PM IST | Mumbai | Kajal Rampariya
હેલ્ધી અને હેલ્ધિયર જેવા બે ઑપ્શન મળે છે અહીં
હેલ્થ-કૉન્શિયસ લોકો હવે ઘરની બહાર પણ હેલ્ધી ફૂડ શોધે છે. જોકે વાસ્તવિકતામાં આવા ઑપ્શન્સ ઓછા હોય છે. ઘાટકોપરમાં રહેતા ૨૩ વર્ષના જયે તેનાં મામી ક્રિષ્ના રૂપારેલિયા સાથે મળીને હાઈ પ્રોટીન અને હેલ્ધી ફૂડનો બિઝનેસ ત્રણ મહિના પહેલાં જ શરૂ કર્યો છે જેમાં હેલ્ધી અને હેલ્ધિયર એમ બે કૅટેગરીની આઇટમ્સ ઉપલબ્ધ છે. આ વિશે માર્કેટિંગ મૅનેજરની નોકરી કરી રહેલા જયે નાની ઉંમરમાં સ્ટાર્ટઅપ કઈ રીતે શરૂ કર્યું એ વિશે તે કહે છે, ‘હું પોતે જિમમાં વર્કઆઉટ કરું છું અને વેઇટ-ગેઇન જર્ની પર છું. આવા સમયે હાઈ પ્રોટીનની જરૂર બહુ હોય છે. દરરોજ પનીર અને સ્પ્રાઉટ્સ ખાઈને કંટાળી જતો ત્યારે મનમાં વિચાર આવતો કે બહારથી કંઈ આવું મળી જાય તો મજા આવી જાય. ઘાટકોપરમાં તો આવું કંઈ છે નહીં તેથી મેં શરૂ કરવાનો વિચાર કર્યો. વેજિટેબલ પનીર સબવે, સૅન્ડવિચ અને સૅલડ્સ હું રાખું છું. અમુક રેસિપીમાં હું ચીઝ અને મેયોનીઝ વાપરું છું અને અમુકમાં પ્યૉર હેલ્ધી ઑપ્શન રાખું છું. તમે સબવે ખાઓ તો મેંદો આવે પણ હું મલ્ટિગ્રેન બ્રેડ યુઝ વાપરું છું. સૅન્ડવિચમાં પણ હું મેંદાની બ્રેડને બદલે હોલ વીટ અને બ્રાઉન બ્રેડ વાપરું છું. પ્યૉર હેલ્ધી ખાવું હોય તો સૅલડ્સ મળે છે. એમાં ૧૦ વરાઇટી રાખી છે અને બે સૅલડમાં ડ્રેસિંગ હોમમેડ છે. એમાંય જે ડ્રેસિંગ યુઝ થાય છે એ અમે ઘરે ડેવલપ કરીએ છીએ અને એ પણ એકદમ હેલ્ધી રીતે. સૅલડમાં એક્ઝૉટિક વેજિટેબલ્સની સાથે પનીર પણ ઍડ કરવામાં આવે છે અને છેલ્લે મૅરિનેટેડ પનીર ક્યુબ્ઝ જ ભભરાવીને સર્વ થાય છે. પનીર પણ અમારું હોમમેડ જ હોય છે. એમાં ક્વૉન્ટિટી એ પ્રમાણે જ આપવામાં આવે છે કે વ્યક્તિની આખા દિવસની પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય. મેં અહીં પૂડલા સૅન્ડવિચ પણ લૉન્ચ કરી છે. આખો બિઝનેસ હું અને મારાં મમ્મી સંગીતાબહેન અને બહેન ધ્રુવી જ ચલાવીએ છીએ.’
ક્યાં મળશે? :
વિક્રાન્ત સર્કલ એરિયા, જુગનૂ સોડાની બાજુમાં,
ઘાટકોપર (ઈસ્ટ)
ક્યારે વિઝિટ કરવું?: સાંજે ચારથી રાત્રે બાર વાગ્યા સુધી