પાંઉની સૉફ્ટનેસ અને વડાની ક્રિસસ્પીનેસનો અદ્ભુત સંગમ

15 April, 2021 01:27 PM IST  |  Mumbai | Sanjay Goradia

અંધેરી અપનાબજારના જય મહારાષ્ટ્ર વડાપાંઉના વડાને સહેજ વધારે કડક કરવામાં આવે છે એટલે એની ક્રિસ્પીનેસનો સ્વાદ પણ વડાપાંઉમાં ઉમેરાય છે

સંજય ગોરડિયા જય મહારાષ્ટ્ર વડાપાંઉના સ્ટૉલ પર

બોરીવલીમાં મંગેશ, પાર્લામાં સ્વામી અને બાબુ, મલાડમાં બંસીનાં વડાપાંઉ પછી હવે આપણે વડાપાંઉની સ્વાદયાત્રાને આગળ વધારીએ.

હું અત્યારે યશરાજ ફિલ્મ્સની એક મૂવી કરું છું, જેનું શૂટિંગ મરોલમાં એટલે કે અંધેરી (ઈસ્ટ)માં ચાલે છે. સાંજે છ વાગ્યે શૂટિંગ પૂરું કરીને હું તો થયો રવાના. પ્રોડક્શનનો નાસ્તો રેડી હતો પણ મારે તમારા માટે ફૂડ ડ્રાઇવ પર નીકળવાનું હતું એટલે મેં એ નાસ્તા તરફ નજર કરી નહીં. ભૂખ તો લાગી જ હતી. જો હું અહીં ખાઈ લઉં તો પછી વાનગીનો સાચો સ્વાદ તમારા સુધી પહોંચી ન શકે. રસ્તામાં અંધેરીના ડીએન નગરના સિગ્નલ પાસે અપના બજાર છે. અપના બજારની બહાર છ-સાત સ્ટૉલ છે. અહીં જ, અપનાબજારની બહાર જય મહારાષ્ટ્ર વડાપાંઉ સેન્ટર છે. વર્ષોથી હું અહીં વડાપાંઉ ખાતો આવ્યો છું. મારી નજર એના પર પડી અને મેં મારી જાતને કહ્યું, ખાવા માટે પૈસા નહીં, નસીબ જોઈએ.

ગાડીમાંથી ઊતરી હું સીધો દોડ્યો જય મહારાષ્ટ્ર વડાપાંઉ સેન્ટર પર અને ગિરદી કહે મારું કામ, માંડ-માંડ નંબર લાગ્યો મારો. એ દિવસે વડાપાંઉ વધારે સ્વાદિષ્ટ ત્યારે લાગ્યું જ્યારે હું માસ્ક પહેરીને વડાપાંઉના કેટલા પૈસા આપવાના એ પૂછવા ગયો ત્યારે કાઉન્ટર પાસે બેઠેલાં બહેન મને ઓળખી ગયાં અને પૂછ્યું કે તમે ગુજરાતી નાટકના ઍક્ટર સંજય ગોરડિયા છોને, હું તમારી બહુ મોટી ફૅન છું. માસ્કમાં પણ લોકો તમને ઓળખી જાય એનાથી તો બેસ્ટ બીજું શું કહેવાય? મારો તો દિવસ સુધરી ગયો.

હવે વાત કરીએ વડાપાંઉની. મિત્રો, વડાપાંઉ હોય એવાં જ વડાપાંઉ પણ એની મોટી ખાસિયત અંદર આવતા વડાની. વડાં એવાં તે ક્રિસ્પી કે પાંઉની સૉફ્ટનેસ સાથે એની ક્રિસ્પીનેસનો તમને રીતસર અનુભવ થાય. વડાપાંઉ ઉપરાંત અહીં સમોસા-પાંઉ પણ સારાં મળે છે પણ વડાપાંઉ તો લાજવાબ છે. માત્ર વડાં ખાઓ તો પણ મજા પડી જાય. વડાપાંઉની કિંમત છે રૂપિયા પંદર.

columnists Sanjay Goradia