ફાઇવસ્ટાર હોટેલને પણ ટક્કર મારે એવાં ઝૂલેલાલનાં પૂરી-શાક

14 April, 2022 02:22 PM IST  |  Mumbai | Sanjay Goradia

સવારે દસથી બપોરે ત્રણ વાગ્યા સુધી મળતાં આ પૂરી-શાક મજૂર અને કારીગરથી માંડીને વેપારી અને સેલ્સમૅન પણ લાઇનમાં ઊભો રહીને ખાય

ઝૂલેલાલ

અગાઉ મેં તમને કહ્યું છે એમ, જો સૌરાષ્ટ્રમાં ક્યાંય શો હોય તો અમારો મુકામ રાજકોટ રહે. આજુબાજુમાં શો કરીને રાતે જ રાજકોટ આવી જવાનું અને રાજકોટમાં આરામ કરીને ટૂર આગળ વધારવાની. ગયા ગુરુવારે મેં તમને સુરેન્દ્રનગરના અમારા નાટકના શોની વાત કરી અને આપણે રાજેશ્વરીના સેવમમરાનો ટેસ્ટ કર્યો. આજની આ ફૂડ ડ્રાઇવ ત્યાંથી જ આગળ વધે છે.
સુરેન્દ્રનગરમાં ‘દે તાળી, કોના બાપની દિવાળી’ નાટકનો શો કરી હું રાજકોટ આવ્યો અને બીજા દિવસે સવારે, સૉરી બપોરે સાડાબાર વાગ્યે જાગ્યો. સવારનો મારો નિત્યક્રમ છે કે હું ત્રણ ગ્લાસ ગરમ પાણી અને એક ગ્લાસ ગ્રીન ટી પીઉં. આખો વખત બહાર ખાતા હોઈએ તો આંતરડાંનું પણ ધ્યાન રાખવું જોઈએ. મારો નિત્યક્રમ પતાવ્યો ત્યાં જ સાથી ઍક્ટર નીલેશ પંડ્યા આવ્યો અને મને કહે કે ચાલો, આજે તમને સરસ મજાનાં પૂરી-શાક ખવડાવું.

ખાવાની વાત આવી અને એય પૂરી-શાકની એટલે માંહ્યલો બકાસુર આળસ મરડીને બેઠો થયો. 

‘પંદર મિનિટ આપ... હું રેડી થઈ જાઉં.’

અને સાહેબ ૧૪ મિનિટમાં હું રેડી. મારી અને નીલેશ સાથે મારા જ નાટકનો કલાકાર મયૂર ભાવસાર પણ જોડાયો અને અમે ત્રણેય રવાના થયા રાજકોટની ફેમસ લૉટરી બજારમાં. આ લૉટરી બજાર રાજકોટનો બહુ પૉપ્યુલર એરિયા છે. લાઇનસર દુકાનો ધરાવતી આ માર્કેટનું નામ રાજકોટ કૉર્પોરેશને આપ્યું નથી પણ નેવુંના દશકમાં આ એરિયાની તમામ દુકાનો લૉટરીની હતી એટલે નામ લૉટરી બજાર પડી ગયું. એ સમયે રાજકોટમાં લૉટરીનો બહુ મોટો સટ્ટો રમાતો. આજે સૌરાષ્ટ્રમાં જે લોકો ક્રિકેટના સટ્ટા સાથે જોડાયેલા છે એ લોકો ત્યારે લૉટરી સાથે બહુ મોટા પાયે ઇન્વૉલ્વ હતા પણ એ સ્કૅમ એવડું મોટું થઈ ગયું કે લોકો આત્મહત્યા કરવા માંડ્યા અને ગુજરાત સરકાર સફાળી જાગી. એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે લૉટરી પર બૅન જ મૂકી દીધો અને આમ ગુજરાતમાં લૉટરી મળતી બંધ થઈ ગઈ પણ રાજકોટની આ માર્કેટનું નામ તો અકબંધ જ રહ્યું, લૉટરી બજાર. આ લૉટરી બજારમાં હવે ક્યાંય લૉટરી નથી મળતી પણ શાકભાજી, ફૂલ, કરિયાણું ને એવું બધું મળે છે.

આ લૉટરી બજારમાં દાખલ થતાં ઓવરબ્રિજની નીચે ઝૂલેલાલ નામની એક લારી ઊભી રહે છે જેમાં પૂરી-શાક અને દાળ-પકવાન મળે છે. હિન્દુસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા સિંધીભાઈઓ રાજકોટ અને જામનગરમાં બહુ વસ્યા એટલે દાળ-પકવાનનું અહીં ચલણ વધ્યું પણ હા, મારે એક વાત કહેવી છે. સિંધીઓ માટે દાળ-પકવાન નાસ્તો છે પણ સૌરાષ્ટ્રમાં એ બપોરના લંચ ટાઇમે પણ મળે અને લોકો હળવા લંચ તરીકે એ ખાય.

ઝૂલેલાલમાં જઈને અમે ટેબલ પર બેઠા અને પૂરી-શાકનો ઑર્ડર આપ્યો. માત્ર ત્રીસ રૂપિયાનાં પૂરી-શાક. શાકમાં ત્રણ વરાઇટી અને સાથે દસ પૂરી. જમવાનું પૂરું થતું હોય અને એકાદ-બે પૂરી તમારી વધી હોય તો તમે થોડું શાક માગો તો એમ જ પ્રેમથી આપી દે અને ધારો કે જરાક શાક વધ્યું હોય તો એકાદ-બે પૂરી પણ એમ જ આપી દે. ત્રણ શાકમાં એક બટાટાની સૂકી ભાજી, એમાં લાલ મરચું નામપૂરતું પણ નહીં તો બીજું શાક રસાવાળા બટાટા અને શાકમાં એવું કે દરરોજ આ બન્ને શાક હોય જ હોય પણ ત્રીજું શાક બદલાયા કરે. કોઈ વાર સેવ-ટમેટાં હોય તો કોઈ વાર છોલે હોય. અમે ગયા ત્યારે છોલે હતા. અમે ત્રણેય શાક મગાવ્યાં અને સાથે તાવડામાંથી ઊતરતી ગરમાગરમ પૂરી.

પૂરી ખારી નહીં પણ મોળી જે આપણે કેરીના રસ સાથે ખાતા હોઈએ છીએ એ. મોળી પૂરી હોવાને લીધે શાકનો ટેસ્ટ બરાબર જળવાતો હતો. શાકની વાત કરીએ તો છોલે બહુ જ સરસ હતા. એને સહેજ વધારે બાફ્યા હતા, જેને લીધે જેમ-જેમ તમે છોલે ખાતા જાઓ એમ-એમ એની ગ્રેવી પણ ભરાવદાર બનતી જતી હતી. બટાટાનું જે રસાવાળું શાક હતું એ કાઠિયાવાડમાં બનતું હોય છે એવું ગળાશવાળું નહોતું, જેને લીધે એની તીખાશ ઊભરીને આવતી હતી તો બટાટાની સૂકી ભાજી પણ સરસ હતી. સૂકી ભાજી ખાસ તો એમના માટે બનાવવામાં આવે છે જે તીખું ખાતા નથી હોતા.

વાત કરતાં મને ખબર પડી કે સવારના દસ વાગ્યાથી ઝૂલેલાલની લારી ચાલુ થઈ જાય અને બપોરે ત્રણ સુધી ત્યાં પૂરી-શાક મળે. ભાવ રીઝનેબલ હોવાને લીધે મજૂર અને કારીગર વર્ગને પણ એ પોસાય અને એ પણ ખાવા આવે તો નાના વેપારીથી માંડીને સેલ્સમૅન પણ ખાય. પૂરી-શાકની સાથે કોબી, કાંદા અને ટમેટાનું સૅલડ પણ હોય અને લાલ મરચાં-લસણની તીખી તમતમતી ચટણી પણ હોય. ઘણા તો સૂકી ભાજી પર એ તીખી તમતમતી મરચાં-લસણની ચટણી ગાર્નિશ કરીને પણ ખાતા હતા પણ મેં એવી ટ્રાય નથી કરી. પણ હા, હું તમને કહીશ કે રાજકોટ જવાનું બને તો ઝૂલેલાલમાં અચૂક જઈને પૂરી-શાક ખાજો. ફાઇવસ્ટારમાં મળતાં પાંચ હજારનાં પૂરી-શાક કરતાં સ્વાદ ક્યાંય ચડિયાતો અને ખવડાવતી વખતે એના માલિકની આંખોમાં પ્રેમભાવ પણ અદકેરો.

columnists Sanjay Goradia