10 August, 2024 10:15 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડીયા
હમણાં મારે શેમારુમાં જવાનું બન્યું. શેમારુ પર મારી વેબ-સિરીઝ ‘ગોટી સોડા’ની નવી સીઝન રિલીઝ થવાની છે એ જ સંદર્ભની મીટિંગ હતી. આ શેમારુની ઑફિસ મરોલમાં છે એટલે હું તો રવાના થયો મરોલ જવા. મરોલ મેટ્રો સ્ટેશનથી તમે સાકીનાકા તરફ આગળ વધો એટલે લેફ્ટ સાઇડમાં જે પહેલો ટર્ન આવે છે એ વનવે છે, એમાં જઈ શકાતું નથી પણ બીજો જે ટર્ન છે એમાં અંદર જવાની પરમિશન છે. અંદર ટર્ન લો કે જમણી બાજુએ શેમારુ આવે.
મેં તો ગાડી લીધી એ બીજા ટર્નમાં અને ત્યાં મારું ધ્યાન ગયું ક્રન્ચી વડાપાંઉ પર. એ નિયૉન સાઇન બોર્ડ હતું ને બોર્ડને કારણે જ મારું ધ્યાન એ દિશામાં ખેંચાયું હતું. ક્રન્ચી વડાપાંઉ વિશે વિચારતો-વિચારતો હું તો ગયો મારી મીટિંગમાં, પણ મીટિંગમાં મારા મનમાંથી એ વડાપાંઉ હટે નહીં. ક્રન્ચી વડાપાંઉ અગાઉ મેં ખાધાં છે પણ એ જે વડાપાંઉ હોય એમાં પાંઉ સાથે ચણાના લોટથી તૈયાર કરેલો ચૂરો નાખી દીધો હોય, જે તમારા મોઢામાં આવ્યા કરે. આ પ્રકારનાં વડાપાંઉ તમને નવીન લાગે, પણ એ રેગ્યુલર ખાવાનું મન ન થાય.
મીટિંગ પૂરી કરીને હું તો પહોંચ્યો એ વડાપાંઉવાળાને ત્યાં જોવા કે એ કેવી રીતે બનાવે છે. ગયો તો ખબર પડી કે તે ક્રન્ચી સમોસા-પાંઉ પણ બનાવે છે એટલે મને અંદાજ આવ્યો કે આ કંઈક નવા પ્રકારનાં વડાપાંઉ લાગે છે. મેં તો આપ્યો ઑર્ડર અને મારા આશ્ચર્ય વચ્ચે તેણે ફ્રિજમાંથી વડું કાઢી એકદમ ઘટ્ટ એવા ચણાના લોટમાં એને ઝબોળ્યું અને મૂક્યું તળવા.
એ જે ચણાના લોટનું બૅટર હતું એ નૉર્મલ બૅટર જેવું નહીં પણ આપણે ત્યાં જે કાંદા ભજ્જી મળે છે એ બનાવવા માટે જેવું બૅટર વપરાય એવું હતું. મુંબઈ કે મહારાષ્ટ્રના કાંદા ભજ્જી એકદમ ક્રન્ચી હોય છે પણ ગુજરાતમાં એ એટલાં ક્રન્ચી નથી હોતાં, એ પ્રમાણમાં નરમ હોય છે.
મારું વડું તૈયાર થયું એટલે મને પાંઉમાં નાખીને આપ્યું અને સાથે ચટણીઓ આપી. મેં પહેલું બાઇટ લીધું ને એની સીધી અસર પહોંચી શરીરના એકેક અંગ સુધી અને સાહેબ, દાંત તો રાજી-રાજી થઈ જાય એવી ક્રન્ચીનેસ. તીખી-મીઠી ચટણી પણ એકદમ તાજી અને નૅચરલ હતી અને પાંઉ પણ સૉફ્ટ.
વડાપાંઉ પછી મને થયું કે હવે મારે અહીંનાં ક્રન્ચી સમોસા-પાંઉ પણ ટ્રાય કરવાં જોઈએ. મેં તો મગાવ્યું સમોસા-પાંઉ અને સહેજ ઊંચો થઈને હું તો જોવા માંડ્યો કે કેવી રીતે બનાવે છે પણ સાહેબ, મારાં નસીબ ખરાબ, સમોસું અંદરની બાજુએથી તૈયાર થઈને આવ્યું એટલે હું જોઈ શક્યો નહીં કે એમાં ક્રન્ચીનેસ કેવી રીતે આવી. અને સમોસાની ક્રન્ચીનેસ એટલે એવી કે તમને મજા પડી જાય.
મારાથી રહેવાયું નહીં એટલે મેં તો ધીમેકથી પૂછી લીધું કે વડાની ક્રન્ચીનેસ તો એના ઘટ્ટ ચણાના લોટના કારણે આવી, પણ આ સમોસાની ક્રન્ચીનેસ કેવી રીતે આવી? તો તેણે સંકોચ વિના મને એ કારણ સમજાવતાં કહી દીધું પણ પછી જે છોકરો હતો તેણે ધીમેકથી ચોખવટ પણ કરી કે આને તમારી કૉલમમાં નહીં લખતા!
આ જે સ્ટોર છે એ કોઈ નિર્મલાબહેન નામનાં બહેન ચલાવે છે. મેં તેમને મળવાની ઇચ્છા દર્શાવી તો ખબર પડી કે તે બપોર પછી સ્ટોર પર આવે. સવારના સમયે તેનો દીકરો બધું
સંભાળે. નિર્મલાબહેન સવારે બધું ઘરે બનાવતાં હોય છે. રોજેરોજ બનાવવાનું ને રોજેરોજ વેચવાનું. તેમના દીકરા પાસેથી મને ખબર પડી કે ચટણી જેવી વસ્તુ પણ એ લોકો બીજા દિવસે વાપરતાં નથી.
આ બહુ સારું કહેવાય અને આ જ કારણ છે કે હું હંમેશાં સ્ટ્રીટ-ફૂડનો આગ્રહ રાખું છું. આ વખતે મરોલના આ ક્રન્ચી વડાપાંઉનો પણ આગ્રહ રાખીશ અને તમને કહીશ કે જો મરોલ જવાનું બને તો વિધાઉટ ફેલ ક્રન્ચી વડાપાંઉ ટેસ્ટ કરજો. સાવ જુદો જ અનુભવ થશે.