માઁ અંજની જમાડે ત્યારે કંઈ બાકી રહે?

16 June, 2022 02:14 PM IST  |  Mumbai | Sanjay Goradia

બોરીવલીમાં કલ્પના ચાવલા ચોકમાં આવેલી માઁ અંજની રેસ્ટોરાંની એકેએક વરાઇટી ખાધા પછી એવું થાય કે આપણે આજ સુધી કેમ અહીં નહોતા આવ્યા!

સંજય ગોરડિયા

હમણાં થોડા દિવસ પહેલાં પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં ખ્યાતનામ લોકગાયક પદ્મશ્રી પ્રફુલ દવેના દીકરા હાર્દિક અને દીકરી ઈશાની દવેનો પ્રોગ્રામ મારા કઝિન અને અમારા ગ્રુપના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વિશાલ ગોરડિયાએ રાખ્યો અને ખાસ આવવા માટે કહ્યું. આમ પણ વિશાલનો શો હોય ત્યારે મારી હાજરી અનિવાર્ય બનતી જ હોય છે, કારણ કે વિશાલનું પ્રોડક્શન એ મારે મન મારું જ પ્રોડક્શન છે. એ પ્રોગ્રામ રાત્રે નવ વાગ્યાનો અને મારે ફૉરેન ટૂર પહેલાંનાં સેટ રિહર્સલ્સ પણ ઠાકરેમાં જ અને એ પણ એ જ દિવસે બપોરે બેથી છ દરમ્યાન. અમે લોકોએ રિહર્સલ્સ કર્યાં અને છ વાગ્યે પૅકઅપ કર્યું. હવે મારે નવ વાગ્યા સુધી અહીં જ રહેવાનું હતું અને મને લાગી ભૂખ. ત્રણ કલાક કોઈ કાળે નીકળે નહીં એટલે મેં વિશાલને કહ્યું કે મને અહીં કોઈ સારી રેસ્ટોરાં કહે જ્યાં હું ગરમાગરમ કંઈક ખાઈ શકું. વિશાલે પૂરા કૉન્ફિડન્સ સાથે કહ્યું કે તમે માઁ અંજની રેસ્ટોરાંમાં જાવ, મજા આવશે.

મિત્રો, માઁ અંજની એટલે તમને ખબર હશે કે હનુમાનજીની માતાનું નામ. આ જ નામ પરથી એક મારવાડી ગુજરાતીએ બોરીવલીમાં રેસ્ટોરાં શરૂ કરી છે - માઁ અંજની રેસ્ટોરાં. એ ક્યાં આવી એ તમને સમજાવી દઉં.

બોરીવલીમાં હરિદાસનગર પાસે કલ્પના ચાવલા ચોક છે ત્યાં આ રેસ્ટોરાં છે. બોરીવલીમાં રહેતા હોય તેમને કલ્પના ચાવલા ચોક અને હરિદાસનગર ખબર જ હોય. જેમને ખબર ન હોય તેઓ ગૂગલબાબાનો આશરો લેશે તો આ રેસ્ટોરાં મળી જશે.

હું ત્યાં ગયો તો મને બીજી પણ સરપ્રાઇઝ મળી. તમને યાદ હોય તો ઝવેરીબજારમાં આપણે મોહનના પૂડલા ખાવા માટે ગયા હતા. માઁ અંજનીમાં મને કહેવામાં આવ્યું કે અમે અહીં એ જ પૂડલા બનાવીએ છીએ. ડિટ્ટો એવા જ પૂડલા જેવા ઝવેરીબજારમાં ખાવા મળ્યા હતા. મોહનના પૂડલા તો સરસ છે, પણ એની જે ત્રણ ચટણી છે એ આમલી-ગોળ અને ખજૂરની, લીલાં મરચાંની અને લાલ મરચાં-લસણની ચટણી પણ અદ્ભુત છે. એવી જ ચટણી અને એવા જ પૂડલા અહીં મળે છે. સૉરી, એવા જ નહીં, કદાચ એના કરતાં પણ સારા.

પૂડલામાં પણ બહુબધી જાતનાં વેરિઅન્ટ હતાં, પણ મને સૌથી વધારે બ્રેડ પૂડલા ભાવ્યા. બ્રેડ હોય એને પૂડલાના લોટમાં નાખી એને ફ્રાય કરી તમને આપે જે ખૂબ જ સ્વાદિષ્ટ હતા. જેમને મોહનના પૂડલા ખાવા છેક ઝવેરીબજાર સુધી લાંબા ન થવું હોય તે અહીં અંજનીમાં ખાઈ શકે છે. અંજનીની બીજી અદ્ભુત વરાઇટી જો કોઈ હતી તો એ હતી બ્લૅક પાંઉભાજી. અગાઉ આપણે મારુતિની બ્લૅક પાંઉભાજીનો આસ્વાદ કર્યો છે, પણ મને કહેવા દો કે અંજનીની બ્લૅક પાંઉભાજી મારુતિ કરતાં પણ મને વધારે સરસ લાગી.

સુંદર ટેક્સ્ચર અને સૌથી અગત્યની વાત, તેલ કે બટરનું સહેજ પણ ઑઇલીનેસ નહીં અને એ પછી પણ ભાજીની પ્લેટ પર એક સેન્ટિમીટર જેટલી લાઇટ ગ્રેવી જેવું લિક્વિડ ફોમ અને એનાથી પણ વેંત ઊંચો એવો અદ્ભુત સ્વાદ. એ પછી તેમણે મને મસાલા પાંઉ આપ્યા. મસાલા પાંઉમાં મેં જોયું છે કે ખૂબબધો ગરમ મસાલો અને ખૂબબધું કાશ્મીરી લાલ મરચું નાખવામાં આવે છે, પણ અહીં એવું નહોતું. અંજનીમાં મળતા મસાલા પાંઉમાં ભરપૂર કોથમીર હતી અને એમાં બ્લૅક પાંઉભાજીનો મસાલો હતો, જે તીખો નહીં પણ એકદમ ટેસ્ટી હતો. સામાન્ય રીતે મસાલા પાંઉ ખાધા પછી તમને અડધો કલાક સુધી જીભ ચચરે, પણ અંજનીના મસાલા પાંઉમાં એવું નહોતું.

સાવ સાચું કહું. આ ત્રણ આઇટમ ખાધા પછી મારી ઇચ્છા તો આખી રેસ્ટોરાં ખાઈ જવાની હતી, પણ મારું પેટ મને રોકતું હતું. જોકે તમને તમારા પગ નહીં રોકે એ હું ખાતરીપૂર્વક કહીશ. તમારે એક વાર માઁ અંજનીમાં જવું જોઈએ. અદ્ભુત એટલે એકદમ અદ્ભુત.

અંજનીમાં મળતું ફૂડ ટેસ્ટી ઉપરાંત ઘરની ફ્લેવર સાથેનું હતું એનું કારણ એ કે રેસ્ટોરાંના ઓનર, તેમની વાઇફ, તેમનો દીકરો અને તેની વાઇફ એમ બધા જ રસોડામાં કામ કરતાં હતાં અને સાહેબ, ઘરના લોકો કિચનમાં કામ કરતા હોય એ આઇટમમાં સ્વાદ ન હોય, ક્વૉલિટી ન હોય એવું બને જ નહીં. અંજનીમાં મળતી પાણીપૂરીની પણ ખાસિયત છે. અહીં અલગ-અલગ પ્રકારના પાણી સાથેની પાણીપૂરી મળે છે. ગુજરાતમાં આ કન્સેપ્ટ બહુ પૉપ્યુલર થયો છે. ગાર્લિક, જલજીરા, રેગ્યુલર, કાચી કેરી, પેરુ અને તીખું પાણી આપતી આ પાણીપૂરીનો ટેસ્ટ કરવા મળે છે અને એ પણ બહુ સરસ છે. ગુજરાતનાં તો મોટા ભાગનાં શહેરોમાં હવે આ રીતે પાંચ અને સાત પ્રકારના પાણી સાથેની પાણીપૂરી મળતી થઈ ગઈ છે, પણ મુંબઈમાં એ ચલણ હજી પૉપ્યુલર નથી થયું. માઁ અંજનીમાં એ મળે છે અને તમારે એ ટ્રાય કરવાની જરૂર છે. જાઓ અને માઁ અંજનીના હાથનો આસ્વાદ માણો.

life and style indian food mumbai food Sanjay Goradia