બે AK-પ૬ અને AK-૪૭ ફટાફટ

25 November, 2021 04:00 PM IST  |  Mumbai | Sanjay Goradia

ખુલ્લેઆમ આવી માગણી થતી તમને સંભળાય અને એ પછી પણ પોલીસ કંઈ કરતી ન હોય તો તમારે માનવું કે તમે ગોરેગામમાં લક્ષ્મી બાલાજી સૅન્ડવિચની આજુબાજુમાં છો

અહીં મળતી બીજી સૅન્ડવિચનાં નામ પણ તમે વાંચો : દબંગ, ઑલ ઇન્ડિયા, એકે-૪૭, એકે-પ૬, હાઇવે.

ફૂડ-ડ્રાઇવના કારણે મારું પેટ બે વખત ભરાય છે. એક તો જ્યારે ડ્રાઇવ કરી હોય એ સમયે અને એ પછી એ ફૂડ-આઇટમની વાચકો તારીફ કરે ત્યારે. ઍનીવે, વાત કરીએ આપણે અત્યારની. 
હમણાં હું કામસર જોગેશ્વરી બાજુએ હતો અને મને કશું ખાવાનું મન થયું. જોગેશ્વરીથી ગોરેગામ જતો હતો તો એ દરમ્યાન મેં રાઇટ સાઇડ પર લક્ષ્મી બાલાજી નામનું એક બોર્ડ જોયું. નામ પરથી તો એવું જ લાગતું હતું કે સાઉથ ઇન્ડિયન આઇટમો મળતી હશે અને ભીડ પણ સારીએવી. મનોમન મેં વિચાર્યું કે આઇટમો ટેસ્ટ કરવા લટાર મારવી પડે. હું તો પહોંચ્યો મોઢામાં વડાસાંભાર અને ઢોસાના સ્વાદ સાથે, પણ સાવ અલગ જ આઇટમ નીકળી. મેનુ જોતાં જ મારી આંખોમાં શરદપૂનમનું વાવેતર થઈ ગયું. 
સાહેબ, જાત-જાતની અને ભાત-ભાતની સૅન્ડવિચ. સાદી વેજિટેબલ સૅન્ડવિચના ચાલીસ રૂપિયા તો ટોસ્ટ સૅન્ડવિચ પણ ચાલીસ રૂપિયા. વેજિટેબલ ચીઝ સૅન્ડવિચના સાઠ રૂપિયા, ચીઝ ચિલી સેઝવાન અને ચીઝ ચિલી મેયો અને જામ ટોસ્ટ અને અલકમલકની સૅન્ડવિચ. આખું મેનુ વાંચ્યું એમાં અનેક નામ એવાં જે વાંચીને અચરજ થયું, પણ એક સૅન્ડવિચનું નામ એવું આવ્યું કે મારી આંખ સરવી થઈ - મામા સૅન્ડવિચ. 
આવું તે કંઈ નામ હોતું હશે - મામા સૅન્ડવિચ?
મેં પૃચ્છા કરી તો ખબર પડી કે મામા સૅન્ડવિચમાં બટર અને ચટણી લગાવે અને એ ટોસ્ટ કરીને આપે. 
‘આમાં મામા જેવું શું છે કે આવું નામ પાડ્યું?’
જવાબમાં જે વાત સાંભળવા મળી એ તો પાછી સાવ નવી. મને કહે, અમારે ત્યાં એક કસ્ટમર આવતો જેને અમે મામા કહેતા. તે હંમેશાં આ સૅન્ડવિચ ખાય. થોડા સમય પછી તો એવું થઈ ગયું કે તે દેખાય એટલે તરત અમે ઑર્ડર આપી દઈએ કે ‘મામા સૅન્ડવિચ...’ અને બસ, આમ નામ પડી ગયું.
મામા સૅન્ડવિચ નામથી જો તમને રસ પડ્યો હોય તો અહીં મળતી બીજી સૅન્ડવિચનાં નામ પણ તમે વાંચો : દબંગ, ઑલ ઇન્ડિયા, એકે-૪૭, એકે-પ૬, હાઇવે.
નામ વાંચીને જ મોઢું ભરાઈ જાય; પણ આપણે તો સાહેબ, પેટ ભરવાનું હતું એટલે મેં તો મગાવી ઑલ ઇન્ડિયા સૅન્ડવિચ. ઑલ ઇન્ડિયા ગ્રિલ્ડ સૅન્ડવિચમાં પણ પાછી સાઇઝ. મિની ઑલ ઇન્ડિયા અને રેગ્યુલર. રેગ્યુલરમાં મોટી બ્રેડ. આપણો પંજો હોય એનાથી પણ મોટી ત્રિકોણ આકારની બ્રેડ હોય જે આપણાથી ખવાય નહીં એટલે મેં મારી સાઇઝની મિની ઑલ ઇન્ડિયા મગાવી. 
મિની ઑલ ઇન્ડિયામાં લગભગ પંદરેક જાતનાં વેજિટેબલ્સ ક્રશ કરીને નાખ્યાં હતાં તો એમાં થાઉઝન્ડ આઇલૅન્ડ સૉસ હતો. આ જે થાઉઝન્ડ આઇલૅન્ડ સૉસ છે એને એ લોકો ચીપોટલે કે તંદૂરી સૉસ કહે. આજકાલ સૅલડના જે જાતજાતના સૉસ આવ્યા છે એને આપણે ત્યાં બધા પોતપોતાની રીતે અલગ-અલગ નામ આપે છે. સબવે સૅન્ડવિચમાં સ્વીટ અન્યન સૉસ, મેયો સૉસ, ચીપોટલે સૉસ જેવા જાતજાતના સૉસ નાખે. આ ચીપોટલે મેક્સિકન સૉસ છે. એ સૉસ બહુ તીખો હોય. આપણે ત્યાં આ બધા સોસનાં નામ બદલાઈ ગયાં છે અને આપણને ફાવે એવાં નામો રાખવામાં આવ્યાં છે.
હવે વાત કરીએ આપણે ઑલ ઇન્ડિયા રેડિયો, સૉરી ઑલ ઇન્ડિયા સૅન્ડવિચની. બધાં વેજિટેબલ્સ તંદૂરી સૉસમાં મિક્સ કરી એને બ્રેડ ઉપર પાથરી બટર લગાડી ગ્રિલ્ડ કરીને તમને આપે. સૅન્ડવિચ સાથે તીખી લીલી ચટણી અને લસણની ચટણી હોય. અદ્ભુત ટેસ્ટ હતો. યુનિક પણ અને સરસ પણ. લક્ષ્મી બાલાજીની મજા જો કોઈ હોય તો એ કે અહીં અલગ-અલગ કૉમ્બિનેશન સાથેની સૅન્ડવિચનો રીતસર રાફડો છે. એક હતી મૅગી સૅન્ડવિચ.
પૂછ્યું તો ખબર પડી કે નૂડલ્સમાં વેજિટેબલ્સ નાખી એ નૂડલ્સ તવા પર કૂક થાય અને પછી એને બ્રેડ વચ્ચે પાથરી, એના પર સૉસ નાખી એને ગ્રિલ કરીને આપે. એક હતી બાહુબલી સૅન્ડવિચ. આ બાહુબલી સૅન્ડવિચની કિંમત અઢીસો રૂપિયા અને નામ મુજબ સાચે જ બાહુબલી. બે જણથીયે એ ખૂટે નહીં, મારી ચૅલેન્જ છે. 
બાહુબલી સૅન્ડવિચમાં ત્રણ લેયર આવે. ત્રિકોણ આકારની મોટી બ્રેડ અને એનાં ત્રણ લેયર. એમાં શિમલા મિર્ચ, ટમેટાં, બટાટા, કોબી, બીટ, કાંદા નાખી એમાં અલગ-અલગ સૉસ નાખી ગ્રિલ કરે. સાહેબ મજા પડી જાય.
સાવ અકસ્માત્ જ હાથમાં આવી ગયેલી લક્ષ્મી બાલાજીમાં સાચે જ એક વાર ખાસ પ્લાન કરીને જવા જેવું છે. એવું પણ નથી કે જાતજાતના સૉસ વાપરવાની લાયમાં સૅન્ડવિચની મજા મરી જતી હોય. જરા પણ એવું નથી. તમને સૅન્ડવિચનો જ અનુભવ થાય અને એ ખાધા પછી ક્યાંક ને ક્યાંક એ સબવેના કુંભના મેળામાં વિખૂટો પડી ગયેલો ભાઈ પણ લાગે. જો ખાસ પ્લાન બનાવવો હોય તો એમ અને બાકી ગોરેગામ બાજુ જવાનું થાય ત્યારે જોગેશ્વરી-ગોરેગામની વચ્ચે આવતા એસ. વી. રોડ પર આવેલા સિનેમૅક્સ સિનેમાની બરાબર સામે આ લક્ષ્મી બાલાજી રેસ્ટોરાં છે. ધારો કે એ ન મળે તો આ વિસ્તારમાં કોઈને પણ પૂછવાનું કે વાસુની સૅન્ડવિચ ક્યાં મળે? હા, એના ઓનરનું નામ વાસુ છે અને આ સૅન્ડવિચ વાસુની સૅન્ડવિચ તરીકે પણ પૉપ્યુલર છે. જોજો સાહેબ, પેટ તમારો આભાર માનશે અને જીભ ગદ્ગદ થઈ જશે. 
ગૅરન્ટી.

mumbai food Sanjay Goradia