21 November, 2024 12:52 PM IST | Mumbai | Heena Patel
રાજમા
વિશ્વની સ્વાદિષ્ટ કઠોળની વાનગીઓમાં ભારતની ડિશ રાજમાએ પણ એનું સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં જ ફેમસ ફૂડ અને ટ્રાવેલ ગાઇડ ટેસ્ટ ઍટલસ દ્વારા બહાર પાડવામાં આવેલા રૅન્કિંગમાં વિશ્વની ટોચની પચાસ કઠોળની વાનગીઓમાંથી આપણા રાજમાનો ૧૪નો નંબર આવ્યો છે. ઉત્તર ભારતની આ સૌથી વધુ પ્રચલિત વેજિટેરિયન ડિશ છે જે ભરપૂર મસાલા અને ગ્રેવી સાથે પકાવવામાં આવે છે. હેલ્થ કૉન્શિયસ લોકો કે જે જિમ જાય છે કે હેવી કસરત પણ કરે છે તેમના માટે તો રાજમા-ચાવલ કમ્ફર્ટ ફૂડની સાથે હેલ્ધી કૉમ્બિનેશન પણ છે. રાજમા શિયાળાનું કઠોળ વધુ છે, કેમ કે એની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં ક્યારેક રાજમા ન સદે એનું કારણ પણ આ જ છે, પણ હવે જ્યારે ઠંડી શરૂ થઈ રહી છે ત્યારે સેહત બનાવવાની મોસમમાં રાજમા ખાશો તો કેટકેટલા બેનિફિટ્સ એની સાથે મળશે એ જાણીએ.
શાકાહારીઓ માટે ઉત્તમ પ્રોટીન
શિયાળામાં જો પાચનશક્તિ સારી હોય તો વીકમાં એકાદ વાર રાજમાનો ઉપયોગ અવશ્ય કરવો જ જોઈએ. એનું કારણ એ છે કે એ પોષક કઠોળ હોવા ઉપરાંત હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. રાજમાના હેલ્થ બેનિફિટ્સ જણાવતાં ડાયટિશ્યન સકીના પાત્રાવાલા કહે છે, ‘રાજમા પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનનો એક ખૂબ સારો સ્રોત છે. મતલબ કે જે લોકો માત્ર વનસ્પતિજન્ય ખોરાક જ ખાતા હોય તેમના માટે પ્રોટીનની ખોટ પૂરવાનો ઉત્તમ સ્રોત છે. શાકાહારીઓ અને વીગન લોકોની પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડે છે. મસલના ગ્રોથ માટે પ્રોટીન ખૂબ જરૂરી છે કારણ કે એ મસલના ટિશ્યુને મેઇન્ટેન અને રિપેર કરવામાં મદદ કરે છે. ડાઇજેશન સુધારવું હોય તો એમાં પણ રાજમા ખાવાથી ફાયદો મળે છે. રાજમામાં સારાએવા પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે. ફાઇબર બોવેલ મૂવમેન્ટ્સ રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે અને કબજિયાત થતાં રોકે છે. એટલે જેમને દરરોજ પેટ સાફ ન આવતું હોય કે સ્ટૂલ પાસ કરવામાં સમસ્યા થતી હોય તેમણે તેમની ડાયટમાં રાજમાનો સમાવેશ કરવો જોઈએ. રાજમા વેઇટ મૅનેજમેન્ટમાં પણ મદદરૂપ બને છે. એમાં સારાએવા પ્રમાણમાં કૉમ્પ્લેક્સ કાર્બ્સ હોય છે જે શરીરને લાંબા સમય સુધી એનર્જી આપે છે. એને પચતાં પણ વાર લાગતી હોય છે એટલે રાજમા ખાધા બાદ લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે. એટલે જેમની વેઇટલૉસ જર્ની ચાલુ હોય એ લોકો તેમના ક્રેવિંગને શાંત કરવા માટે રાજમા ચાટ અને રાજમા સૅલડ બનાવીને ખાઈ શકે છે.’
હૃદય અને બ્લડ-પ્રેશર માટે બેસ્ટ
રાજમાના બીજા ફાયદાઓ જણાવતાં સકીના પાત્રાવાલા કહે છે, ‘રાજમા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. એમાં મૅગ્નેશિયમ અને પોટૅશિયમની સારા પ્રમાણમાં હાજરી હોય છે જે બ્લડ- પ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. રાજમા બ્લડ-શુગરને પણ કન્ટ્રોલમાં રાખે છે. આનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો છે. એટલે એને ખાધા બાદ બ્લડમાં ગ્લુકોઝનું લેવલ ફટાકથી વધતું નથી. રાજમામાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ બન્ને સારા પ્રમાણમાં હોય છે, જે આપણાં હાડકાંઓને મજબૂત અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. રાજમા આયર્ન રિચ હોય છે. જેમને એનીમિયા એટલે કે શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય, આયર્નની કમીને કારણે સતત થાક અને નબળાઈ જેવું લાગતું હોય તો એ લોકોને રાજમા ખાવાથી ફાયદો મળે છે.’
આઠથી દસ કલાક પલાળવા મસ્ટ
આટલાબધા બેનિફિટ્સ જાણ્યા પછી તમને રાજમા ખાવા છે, પણ ગૅસ થવાની ચિંતા રહે છે? તમને રાજમા ભાવે પણ છે, પરંતુ પચવામાં ભારે પડશે એની ચિંતા રહે છે? તો એનું કારણ એ છે કે તમે એને સાચી રીતે રાંધવાની રીત નથી જાણતા. રાજમા સુપાચ્ય બને અને શ્રેષ્ઠ ફાયદો આપે એ માટે શું કરવું એની ટિપ્સ આપતાં સકીના પાત્રાવાલા કહે છે, ‘રાજમાને હંમેશાં બે વાર પાણીથી ધોઈને એ પછી આઠથી દસ કલાક પાણીમાં પલાળવા જોઈએ. રાજમાને પાણીમાં પલાળીને રાખવાથી એમાં જે કૉમ્પ્લેક્સ શુગર છે એ બ્રેકડાઉન થઈ જાય છે એટલે પચવામાં એ સરળ થઈ જાય છે. બીજું એ કે રાજમાને પલાળીને પછી ઉપયોગમાં લઈએ તો પોષક તત્ત્વોનું શોષણ સારું થાય છે. રાજમામાં કેટલાક ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ હોય છે જે શરીરમાં આયર્ન અને કૅલ્શિયમના ઍબ્સૉર્પ્શનને ઘટાડી શકે છે. રાજમાને અમુક કલાક સુધી પાણીમાં પલાળીને રાખીએ તો ઍન્ટિ- ન્યુટ્રિઅન્ટ્સ મરી જાય છે અને શરીરમાં આયર્ન-કૅલ્શિયમનું ઍબ્સૉર્પ્શન સારું થાય છે. રાજમામાં કેટલાંક ટૉક્સિન્સ પણ હોય છે. આમાં ફાઇટોહીમોગ્લુટનિન નામનું લૅક્ટિન હોય છે જે પેટ સંબંધિત સમસ્યા જેમ કે ગૅસ, બ્લોટિંગ સર્જી શકે છે પરંતુ રાજમાને પાણીમાં ઓવરનાઇટ પલાળીને પછી એને ઉપયોગમાં લેવાથી આ બધાં ટૉક્સિન્સ રિમૂવ થઈ જાય છે. રાજમાને બાફતી વખતે પણ તમે જેમાં રાજમા પલાળીને રાખ્યા હોય એ જ પાણીનો બાફવામાં ઉપયોગ ન કરવો જોઈએ. એ પાણીને ફેંકીને એની જગ્યાએ નવું પાણી લઈને એમાં રાજમાને બાફવા માટે મૂકવા જોઈએ.’
ડાયટમાં સમાવેશ
રાજમાની વિવિધ વાનગી બનાવીને આપણે એનો ડાયટમાં સમાવેશ કરી શકીએ છીએ. રાજમા-ચાવલ ખૂબ કૉમન રેસિપી છે, પણ એ સિવાય પણ રાજમાનો ઉપયોગ કરીને આપણે ડિફરન્ટ ડિશ રેડી કરી શકીએ છીએ. આ વિશે વધુ માહિતી આપતાં સકીના પાત્રાવાલા કહે છે, ‘તમે રાજમાનો સૂપ બનાવીને પી શકો, જે વેઇટલૉસમાં પણ હેલ્પ કરે અને ઠંડીમાં શરીરને પણ હૂંફાળું રાખે. એ સિવાય તમે વેજિટેબલ્સ નાખીને ચોખા અને રાજમાની મસાલા ખીચડી પણ બનાવીને ખાઈ શકો. રાજમાની ટિક્કી પણ બને છે, જેને તમે ઈવનિંગ સ્નૅક્સમાં પણ ખાઈ શકો. તમે બાફેલા રાજમામાં કાંદા, ટમેટાં, લીલાં મરચાં, લીંબુ, મીઠું, ચાટ મસાલો ઍડ કરીને સિમ્પલ રાજમાની ચાટ બનાવીને પણ ખાઈ શકો. એ સિવાય રાજમાની ઇડલી અને ચિલા પણ બને છે. આ બન્ને વાનગીમાં વધારે તેલ કે મસાલાનો ઉપયોગ પણ થતો નથી.’
રાજમા-ચાવલ સિવાય આ વાનગીઓ પણ બનાવી શકાયઃ સકીના પત્રાવાલા રાજમા ઇડલી
ઇન્ગ્રીડિયન્ટ્સ : એક કફ બાફેલા રાજમા મૅશ કરેલા, એક કપ ઇડલીનું બૅટર, ૧/૪ કપ રવો, એક કાંદો સમારેલો, એક-બે લીલાં મરચાં સમારેલાં, ૧/૪ ટીસ્પૂન જીરું, ૧/૪ ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, સમારેલી કોથમીર
રીત : એક તપેલીમાં મૅશ કરેલા રાજમા, ઇડલી બૅટર અને રવો ત્રણેયને સરખી રીતે મિક્સ કરો. એમાં સમારેલા કાંદા, લીલાં મરચાં, જીરું, હળદર, કોથમીર અને મીઠું નાખીને ફરીથી એને સરખી રીતે મિક્સ કરો. જો તમને રાજમા ઇડલીનું બૅટર થોડું જાડું લાગતું હોય તો એમાં થોડું પાણી ઍડ કરી લો. આ બૅટર તૈયાર થઈ ગયા બાદ ઇડલી મોલ્ડમાં થોડું તેલ લગાવીને એમાં બૅટર ભરો. ઇડલીને મીડિયમ-હાઈ ફ્લેમમાં ૧૦-૧૨ મિનિટ સુધી પાકવા દો. આ ઇડલીને તમે નારિયેળની ચટણી, ટમેટાની ચટણી, સાંભાર સાથે ખાઈ શકો છો.
રાજમા ચિલા
રાજમા ચિલા બનાવતી વખતે બધાં જ ઇન્ગ્રીડિયન્ટ્સ સેમ આવશે. ફક્ત ઇડલી બૅટર અને રવાની જગ્યાએ તમારે બેસનનો ઉપયોગ કરવાનો છે. બાફેલા રાજમાને બ્લેન્ડરમાં પીસીને પેસ્ટ બનાવી નાખો. એક તપેલીમાં રાજમાની પેસ્ટ, બેસન, કાંદા, ટમેટાં, કોથમીર, મીઠું, લીલાં મરચાં, જીરું, હળદર ઍડ કરીને મિક્સ કરો. ચિલા માટે પાતળું બૅટર જોઈએ એટલે જરૂરિયાત પ્રમાણે એમાં પાણી ઍડ કરો. એ પછી નૉનસ્ટિક તવા પર આપણે ઢોસા બનાવીએ એ રીતે બનાવો. આ ચિલાને તમે કોથમીર-ફુદીનાની ચટણી કે દહીં સાથે ખાઈ શકો.
રાજમા ક્યાંથી આવ્યા?
રાજમા ચાવલ ભારતીયોનું કમ્ફર્ટ ફૂડ છે. ખાસ કરીને ઉત્તર ભારત જેમ કે પંજાબ, હરિયાણા, દિલ્હીમાં રાજમા ચાવલ ખાવાનું ચલણ વધુ છે. રસપ્રદ વાત એ છે કે રાજમાની ખેતી સૌપ્રથમ મેક્સિકોમાં થઈ હતી. અહીંથી પોર્ટુગીઝો એને યુરોપ લઈ ગયા. ત્યાંથી એ ભારત અને બીજા એશિયન દેશો સુધી પહોંચ્યા હતા.