સસ્તી, સ્વાદિષ્ટ અને ભારતીય ટચની સુશી ખાવી છે તો અહીં પહોંચો

10 August, 2024 10:21 AM IST  |  Mumbai | Rajul Bhanushali

ફૂડ-લવર ફૅમિલીએ ઘાટકોપરમાં શરૂ કરેલા ફૂડ-જૉઇન્ટ પર તમે એશિયન ફૂડના નવેસરથી પ્રેમમાં પડો એવું ઘણું છે

સોયા ચિલી રામેન (ઉપરથી ડાબું), સ્વીટ કૉર્ન વૉન્ટોન, બાર્બેક્યુ કૉટેજ ચીઝ સ્પ્રિંગ અન્યન બાઓ (નીચેથી ડાબું), ટેમ્પુરા સુશી

૨૦૨૪ની ૧૦ ફેબ્રુઆરીએ મા-દીકરાની જોડી માધવી મહેતા અને યશ મહેતાએ ઘાટકોપર ઈસ્ટમાં ‘ધ પાન્ડા’ઝ પ્લેટ’ નામનું ફૂડ-જૉઇન્ટ શરૂ કર્યું અને એ માટે તેમણે રામેન, સુશી અને વિયેતનામિઝ રોલ અને એના જેવી બીજી અનેક એશિયન ડિશિઝ પસંદ કરી. માધવીબહેન પોતાના આ નવા સ્ટાર્ટ-અપ વિશે વાત કરતાં કહે છે, ‘અમારી પાસે એક ફ્રૅન્ચાઇઝી હતી પરંતુ એમાં કશા પણ પ્રયોગ કરવાની છૂટ ન હોય. મજા નહોતી આવી રહી. અમને એમ થયું કે આપણું પોતાનું જ ફૂડ-જૉઇન્ટ કેમ ન ચાલુ કરવું. પોતાનું હોય તો કશુંક અલગ કરી શકાય. આ વિચાર આવ્યો અને અમે મંડી પડ્યાં. અમારા ઘરમાં અમે ત્રણેય એટલે કે હું, મારો દીકરો યશ અને મારા હસબન્ડ મનીષ ફૂડી છીએ. મારા હસબન્ડે અમને ઇન્સ્પાયર પણ કર્યાં અને ગાઇડન્સ પણ આપ્યું. પરંતુ અમે નક્કી કર્યું કે મુંબઈની ગલીએ-ગલીએ મળતી આઇટમો નથી બનાવવી. છેવટે ઘણુંબધું વિચાર્યા બાદ અમે રેગ્યુલરથી ઘણું જુદું પડતું હોય એવું ફૂડ સર્વ કરવાનું શરૂ કર્યું. એના માટે મુંબઈની લગભગ દરેક વેજિટેરિયન રેસ્ટારાંથી લઈને સ્ટ્રીટ-ફૂડ સ્ટૉલ પર જઈને અમે બે-બે ત્રણ-ત્રણ વાર સુશી અને બીજી એશિયન ડિશ ટ્રાય કરી આવ્યા છીએ. છેલ્લે જ્યારે અમને અમારું પર્ફેક્ટ વર્ઝન મળ્યું એટલે એક નવા કન્સેપ્ટ સાથે આ નાનકડી ફૂડ-કોર્ટ શરૂ કરી છે.’

ઘાટકોપર-ઈસ્ટમાં ગુરુકૃપા હોટેલની સામે આ દુકાન-કમ-સ્ટૉલમાં બારેક જણ બેસી શકે એવી જગ્યા છે. આજકાલ સ્ટ્રીટ-ફૂડમાં ઇન્ટ્રોડ્યુસ થયેલું એશિયન ફૂડ ભારતીય મસાલાઓ સાથે તૈયાર થયેલું વર્ઝન છે અને એ પૉકેટ-ફ્રેન્ડ્લી અને સ્વાદ-ફ્રેન્ડ્લી પણ છે. અહીં તમને એવી જ સ્ટ્રીટ-સુશી ટ્રાય કરવા મળશે. સુશીની અહીં મળતી વરાઇટીઝમાં શિતાકી મશરૂમ સુશી અને ટીપીપી વેજ રોલ મોસ્ટ પૉપ્યુલર ડિશ છે. એમાં એક ક્રિસ્પીનેસ છે. સ્પાઇસી મેયોનો ટેસ્ટ આ સુશીની મેઇન ખાસિયત છે. એકદમ સ્પાઇસી જોઈએ તો ચિલી ટેમ્પુરા ટ્રાય કરી શકાય. એ ઉપરાંત મોમોઝ, ડિમસમ પણ અહીં ખાસ્સા લોકપ્રિય બની રહ્યાં છે. કિડ્સ માટે અહીં ફ્રેન્ચ ફ્રાઇઝ અને નગેટ્સ છે.

અહીં રામેન પણ ટેસ્ટ કરવા જેવા છે. એ ઑર્ડર કરતી વખતે આપણને કયા નૂડલ્સ ફાવશે કે ભાવશે અને કયા બ્રોથ સાથે ભાવશે એ આપણે જ નક્કી કરીને વેઇટરને જણાવી દેવાનું. નૂડલ્સના પર્યાયોમાં અહીં શાંઘાઈ નૂડલ્સ, સોબા નૂડલ્સ, ગ્લાસ નૂડલ્સ, મલેશિયન નૂડલ્સ છે તો રામેનમાં આવતા બ્રોથમાં (બ્રોથ એટલે એક પ્રકારનું વૉટર-બેઝ્ડ સૂપ હોય જે એકદમ ક્લિયર હોય અને ફ્લેવર્સવાળું હોય) પણ બહુ બધી ફ્લેવર્સ છે. સોયા ચિલી, ચિલી ગાર્લિક, મશરૂમ સેસમી મુખ્ય છે. તમે તમારી પસંદનું બ્રોથ અને નૂડલ્સ સિલેક્ટ કરો અને પોતાની ડિશ પોતે નક્કી કરી શકો. કેવું સ્પાઇસી જોઈએ એનાં ત્રણ લેવલ છે - મીડિયમ, માઇલ્ડ અને સ્પાઇસી. અને એ સિવાય અહીં સુપર સ્પાઇસીનો પણ ઑપ્શન છે. એમાં વળી ડિફરન્ટ ટૉપિંગ હોય. ટૉસ્ડ મશરૂમ, પનીર, સ્વીટ કૉર્ન અને બીન્સ સ્પ્રાઉટ છે જે રામેનમાં ઉપરથી નાખીને આપે છે. કૉર્ન અને બીજાં એક્સ્ટ્રા ઍડ ઑન ટૉપિંગ્સ પણ ઉમેરી શકાય છે. 

ક્યાં મળશે? : ધ પાન્ડા’ઝ પ્લેટ, ગુરુકૃપા હોટેલની સામે, ઘાટકોપર ઈસ્ટ.

 

street food mumbai food indian food ghatkopar life and style columnists