ટેસ્ટ ટેસ્ટ કી હૈ બાત...

24 February, 2024 09:46 AM IST  |  Mumbai | Heena Patel

હજી ત્રણેક દિવસ પહેલાં એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે મુંબઈની ખોજ અને મુંબઈગરાઓનાં પ્રિય એવાં વડાપાંઉને બકવાસ ગણાવતાં આ બાબતે ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈકનું રીઍક્શન હતું કે મુમ્બૈયા વડાપાંઉને આવું કહી જાય? જ્યારે કેટલાકની પ્રતિક્રિયા હતી કે ઠીક છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનું નામ પડે એટલે તરત વડાપાંઉની યાદ આવ્યા વગર રહે નહીં. હવે વડાપાઉં એવું સ્ટ્રીટ ફૂડ છે જે ઘણા લોકોને એટલું પસંદ છે કે તેમના માટે એ એક ઇમોશન છે, પણ એવા લોકોની પણ કોઈ કમી નથી જેઓ માને છે કે વડાપાંઉ બધાથી બેસ્ટ નથી. એ સિવાય પણ સ્ટ્રીટ ફૂડમાં ઘણા ઑપ્શન્સ અવેલેબલ થયા છે. આનું કારણ એ છે કે એક સમયે મુંબઈની ઓળખ ગણાતાં વડાપાંઉની કૉમ્પિટિશનમાં હવે તો અનેક સ્ટ્રીટ ફૂડ્સ આવી ગયાં છે જે મુંબઈરાઓની જીભે ચડી ગયાં છે. એટલે દરેક મુંબઈગરાને વડાપાંઉ જ બેસ્ટ લાગે એ જરૂરી નથી. હવે સોશ્યલ મીડિયા પર જ તમે જોઈ લો. એક ઇન્ફ્લુઅન્સરે વડાપાંઉને બેકાર ગણાવતાં એમ કહી દીધું કે મને એનાથી નફરત છે. આને લઈને સોશ્યલ મીડિયા પર યુઝર્સની જાતજાતની કમેન્ટ આવી રહી છે. કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને સમર્થન આપી રહ્યા છે. એવામાં આજે કેટલાક મુંબઈગરાને મળીએ જે લોકો પણ એ વાત માને છે કે વડાપાંઉ કરતાં પણ બીજાં સ્ટ્રીટ ફૂડ્સ છે જેમનો સ્વાદ તેમને વડાપાંઉ કરતાં વધુ સારો લાગે છે.

ફૉરેનમાં જાઉં ત્યાં પણ મારુતિની બ્લૅક પાંઉભાજી લઈ જાઉં : તુષાર સોનીગ્રા


અમારા વિલે પાર્લેમાં મારુતિ પાંઉભાજી રેસ્ટોરન્ટની બ્લૅક પાંઉભાજી મને બહુ ભાવે, જે એકદમ ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવે છે એમ જણાવતાં વિલે પાર્લેમાં રહેતા ૫૭ વર્ષના તુષાર સોનીગ્રા કહે છે, ‘તમે જમીને નીકળ્યા હો તો પણ પાંઉભાજીની સુગંધ તમને એના સુધી ખેંચી જાય. ઈવન હું મારા કામ માટે થઈને લંડન, નૈરોબી, મલાવી જાઉં ત્યારે પણ ફ્રેન્ડ્સ માટે આ પાંઉભાજી સાથે લઈ જાઉં છું. હવે તેમને પણ ખબર છે કે આ પાંઉભાજી બેસ્ટ છે. આનો મસાલાનો ટેસ્ટ છે એ બે દિવસ પછી તો વધુ ચડે. એટલે ઘરે તો હું લાવીને ફ્રિજમાં રાખી મૂકું અને બે દિવસ પછી ખાઉં. એ વધારે ટેસ્ટી લાગે. મને આ પાંઉભાજી એટલી પસંદ છે કે ઓવરઈટિંગ કરી-કરીને વજન વધી જાય. વડાપાંઉ મને પસંદ નથી એવું નથી, પણ હવે એ ગલીએ-ગલીએ મળે અને એ ખાઈને જ મોટો થયો છું. એટલે એમ થાય કે બીજું કંઈ ટ્રાય કરીએ.’ 

પાણીપૂરી હું ગમે ત્યારે ખાઈ શકું : રેખા વોરા 
પાણીપૂરીનાં શોખીન એવાં દાદરમાં રહેતાં ૪૩ વર્ષનાં રેખા વોરા કહે છે, ‘મને વડાપાંઉ પસંદ છે પણ એના કરતાં મને પાણીપૂરી બહુ ભાવે. એ પણ એકદમ તીખી તમતમતી. ગમે ત્યારે હું એને ખાઈ શકું છું. એમાં પણ અંધેરીમાં ગુપ્તાની અને માટુંગામાં પંકજની પાણીપૂરી બેસ્ટ હોય છે. મને બીજી બધી વસ્તુ ઓછી ભાવે એટલે બહાર જાઉં ત્યારે મોટા ભાગે પાણીપૂરી ખાવાનું જ પસંદ કરું. ઘરે પણ હું મહિનામાં ત્રણ-ચાર વાર પાણીપૂરી બનાવી જ લઉં. ઈવન બિલ્ડિંગમાં ફનફેર હતો ત્યારે પણ મેં મારી ફેવરિટ પાણીપૂરીનો સ્ટૉલ રાખ્યો હતો. મારું જ્યાં પિયર છે ત્યાં સુરતના પાલમાં ભેરુનાથની પાણીપૂરી જલજીરા, ફુદીના વગેરે ફ્લેવરવાળી મળે. એટલે હું જ્યારે પણ મારા પિયરે જાઉં ત્યારે ત્યાંથી પાણીપૂરી ખાવા અચૂક જાઉં છું.’

સાઉથ ઇન્ડિયન ફૂડ મારું ‍ફેવરિટ છે : વાસંતી સોલંકી જયસ્વાલ

મોસ્ટ્લી હું બહાર જાઉં ત્યારે સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાનું જ પ્રિફર કરું છું. એમાં પણ ઇડલી અને ઢોસા હું ઍની ટાઇમ ખાઈ શકું એમ જણાવતાં ડોમ્બિવલીમાં રહેતાં ૪૧ વર્ષનાં વાસંતી સોલંકી જયસ્વાલ કહે છે, ‘મુંબઈમાં તો ઉડિપીની કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઉં તો સાઉથ ઇન્ડિયન ફૂડ સારું જ મળે. મારા હસબન્ડની જૉબને કારણે હું ૧૪ વર્ષ સાઉથ ઇન્ડિયામાં હૈદરાબાદ અને બૅન્ગલોરમાં રહી છું. એટલે ત્યાંની ડિશ મને વધુ ભાવે. વડાપાંઉ ભાવે પણ મારા માટે બટાટાની ભાજી અને વડાપાંઉનાં વડાંના ટેસ્ટમાં વધારે કોઈ ડિફરન્સ નથી. વડાંમાં ઉપર બેસનનું કોટિંગ હોય અને એને તેલમાં ડીપ ફ્રાય કરે બસ એટલું જ.’

વડાપાંઉ ખાવાથી પેટમાં તકલીફ થઈ જાય છે : શૈલેશ પટેલ

ચીઝ મસાલા ઢોસા મારા ફેવરિટ છે. ગોરેગામમાં પિરામલનગર અને જવાહરનગરમાં મારા ફિક્સ સ્પૉટ છે જ્યાંથી હું અઠવાડિયામાં બે-ત્રણ વાર ઢોસા ખાઉં જ છું એમ જણાવતાં ગોરેગામમાં રહેતા ૪૦ વર્ષના શૈલેશ પટેલ કહે છે, ‘વડાપાંઉ મને પહેલેથી જ પસંદ નથી. એનું કારણ એ છે કે એને ખાધા બાદ પેટમાં દુખાવો, ગૅસ એવી બધી તકલીફ થઈ જાય છે. એ કેવાં તેલમાં તળેલાં હોય એ આપણે ખબર ન હોય. ઉપરથી જ્યારે જઈએ ત્યારે ગરમ જ વડાં મળે એવું હોતું નથી. ઢોસામાં તો એવું કે તમે જ્યારે જાઓ ત્યારે તમારી સામે ગરમાગરમ બનાવીને આપે.’

રોટલી બે જ ખવાય, ફ્રૅન્કી હોય તો ચાર ખવાઈ જાય : હેમલતા જૈન

આમ તો હું વડાપાંઉ કરતાં દાબેલી ખાવાનું વધુ પ્રિફર કરું, પણ મને ફ્રૅન્કી સૌથી વધુ ભાવે એમ જણાવતાં ભાંડુપમાં રહેતી ૩૧ વર્ષની હેમલતા જૈન કહે છે, ‘ઘાટકોપર વેસ્ટમાં સ્ટેશન નજીક એક ફ્રૅન્કીવાળો છે. તેની ચીઝ વેજ ફ્રૅન્કી મારી ઑલટાઇમ ફેવરિટ છે. ફ્રૅન્કી મને એટલી પસંદ છે કે હું ઘરે પણ સ્ટ્રીટ સ્ટાઇલ ફ્રૅન્કી બનાવી લઉં છું. રોટલી હોય તો મારાથી બે જ ખવાય, પણ ફ્રૅન્કી ચાર ખાઈ જાઉં છું. વડાપાંઉનું એવું છે કે એ ફક્ત અમુક સ્પેસિફિક જગ્યા જેમ કે સીએસએમટીની આરામ કે પછી મુલુંડની ભાઉ વડાપાંઉ, એનાં જ સારાં લાગે. બાકી મોટા ભાગે તો વડાં કે ચટણી એક પણ વસ્તુમાં ટેસ્ટ ન હોય.’

સૅન્ડવિચ અને ફ્રૅન્કી મારાં ફેવરિટ, એમાં ઘણી વરાઇટી મળી જાય : રવીના ચુડાસમા


વડાપાંઉ ઓકેઝનલી ખાવામાં ચાલે પણ મારા માટે સૅન્ડવિચ અને ફ્રૅન્કી આ બે એવાં સ્ટ્રીટ ફૂડ છે જેને હું દરરોજ પણ ખાઈ શકું એમ જણાવતાં વસઈમાં રહેતી ૨૮ વર્ષની રવીના ચુડાસમા કહે છે, ‘જનરલી વડાંમાં તમને બટાટાની ભાજીનો એક જ ટેસ્ટ મળે, જ્યારે સૅન્ડવિચ અને ફ્રૅન્કીનું જે સ્ટફિંગ હોય છે એમાં તમને વરાઇટી મળી જાય છે. જેમ કે સૅન્ડવિચમાં તમારી પાસે પનીર ચીઝ ચિલી સૅન્ડવિચ, કૉર્ન ચીઝ ચિલી સૅન્ડવિવચ, શેઝવાન ચીઝ પનીર સૅન્ડવિચ જેવા ઑપ્શન મળી જાય છે. મને સ્પેશ્યલી કાંદિવલી વિલેજમાં છાયા સૅન્ડવિચવાળાની સૅન્ડવિચ બહુ ભાવે. અમારા ઘરે બધાને સૅન્ડવિચ બહુ ભાવે. એના માટે થઈને તો અમે ઘરે ગ્રિલ મશીન પણ વસાવ્યું છે. ઈવન ફ્રૅન્કીમાં પણ તમને મન્ચુરિયન ફ્રૅન્કી, નૂડલ્સ ફ્રૅન્કી જેવી જોઈએ એટલી વરાઇટીની ફ્રૅન્કી મળી જાય.’

columnists gujarati mid-day gujaratis of mumbai mumbai food