20 September, 2024 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડનાં કુકિંગ એક્સપર્ટ હંસા કારિયા
કેટલીક બેઝિક ચીજો ઘરમાં હોય તો હેલ્ધી અને ઝટપટ બની જાય એવી લાંબા બનવાળી સૅન્ડવિચ કે હૉટ ડૉગ બનાવતાં શીખવે છે મુલુંડનાં કુકિંગ એક્સપર્ટ હંસા કારિયા. આ રેસિપીમાં જો ઘઉંનાં કે મલ્ટિગ્રેઇન બન્સ વાપરશો તો બાળકો માટે એ સ્વાસ્થ્યપ્રદ હશે જ, પણ ડાયટિંગ પર હશો તોય એ ચાલશે!
મૅક્સિકન પૅટી સૅન્ડવિચ
સામગ્રી : પા કપ કપ બાફેલા રાજમા, બે બટાટા, બે સ્લાઇસ બ્રેડ, ટાકોઝનું સીઝનિંગ, રેડ ચિલી પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, સર્વ કરવા માટે ટમૅટો કેચપ, મેયોનીઝ અને ચીઝ.
બનાવવાની રીત : આ હૉટ ડૉગમાં રાજમાની ટિક્કી સૌથી મહત્ત્વની બાબત છે. જો એ સારી બની હશે તો તમારી વાનગીનો સ્વાદ વધી જશે. એ માટે પા કપ બાફેલા રાજમા લેવા. રાજમાને રાતે પલાળી રાખવા અને સવારે એને કુકરમાં સિટી મારીને બરાબર બાફી લેવાં. જો આવું ન કરવું હોય તો તમે બેક્ડ બીન્સનું ટિન આવે છે એ પણ લઈ શકો.
રાજમા બીન્સમાં બે બાફેલા બટાટાને મૅશ કરીને ભેળવવા. એમાં એક ચમચી ટાકોઝનું સીઝનિંગ, એક ચમચી ચિલી પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. આ મિશ્રણમાં બે બ્રેડને પણ ગ્રાઇન્ડ કરીને મિક્સ કરો જેથી ટિક્કી ક્રિસ્પી બને. એ બરાબર મિક્સ થઈ જાય એટલે લંબગોળ શેપની ટિક્કી તૈયાર કરો. નૉન-સ્ટિક તવા પર પૂરતું તેલ નાખીને બન્ને તરફથી એ ટિક્કીને ક્રિસ્પી શેકી લો. જો તળેલું ખાતા હો તો આ ટિક્કી ડીપ ફ્રાય પણ કરી શકો છો. લાલ રંગની શેકાઈ કે તળાઈ જાય એટલે તમારી મેક્સિકન ટિક્કી તૈયાર છે.
હવે હૉટ ડૉગ માટેના બનને વચ્ચેથી કાપીને બટરથી બન્ને તરફ શેકી લો. બ્રેડ પર ટમૅટો કેચપ, મેયોનીઝ વગેરે મૂકીને એના પર મેક્સિકન ટિક્કી મૂકીને ચીઝ ગ્રેટ કરીને બનથી ઢાંકી દો.
મિક્સ વેજ હૉટ ડૉગ
સામગ્રી : પા કપ ખમણેલું ગાજર, પા કપ લાંબી સમારેલી લીલી કોબી, પા કપ કાંદો પાતળો સમારેલો, પા કપ બારીક સમારેલાં કૅપ્સિકમ, પા કપ ચીઝ, પા કપ મેયોનીઝ, વન એઇટ્થ કપ ટમૅટો કેચપ, બે ટેબલસ્પૂન જેટલી પાર્સલી, એક ટીસ્પૂન મિક્સ હર્બ્સ, ૧ ટીસ્પૂન પેપરિકા.
બનાવવાની રીત : એ માટે તમામ શાક કાચાં લેવાં. ગાજર, કોબીને બરાબર ધોઈ, સાફ કરીને કોરાં કરીને એને બારીક સમારવાં. કૅપ્સિકમને પણ હાથથી જ બારીક ચૉપ કરવાં. એમાં પા કપ ખમણેલું ચીઝ અને મેયોનીઝ ઉમેરો. વન એઇટ્થ કપ ટમૅટો કેચપ પણ ઉમેરવો. એમાં પાર્સલ, મિક્સ હર્બ્સ અને પેપરિકા ઉમેરીને બરાબર મિક્સ કરો.
આ મિશ્રણને ઠંડું થવા માટે ફ્રિજમાં મૂકી રાખવું. જ્યારે સૅન્ડવિચ કે હૉટ ડૉગ સર્વ કરવાનું હોય ત્યારે બહાર કાઢવું. હૉટ ડૉગને વચ્ચેથી કાપીને બટરથી શેકી લેવા. નીચે સૅલડનું પત્તું મૂકીને કોલ્ડ વેજિટેબલ મિશ્રણ ઉમેરવું. ઠંડું જ સર્વ કરવું.
નોંધ : આ સૅન્ડવિચ સાથે તમે તમને ભાવતાં શાકભાજી ઍડ કરી શકો છો. એમાં આથેલાં ઑલિવ્સ, આથેલાં ઍલપીનો, કકુમ્બર, ટમેટાં, વિનેગરવાળાં અન્યન વગેરે સ્વાદાનુસાર ઉમેરી શકો છો. એનાથી હૉટ ડૉગ વધુ હેલ્ધી અને ટેસ્ટી બનશે.
ઇટાલિયન કૉર્ન પીઝ
સામગ્રી : અડધો કપ વટાણા, અડધો કપ સ્વીટ કૉર્ન, એક ચમચી રેડ ચિલી સૉસ, બે ટેબલસ્પૂન ટમૅટો કેચપ, ૪ ટેબલસ્પૂન મેયોનીઝ, અડધી ચમચી ઇટાલિયન હર્બ્સ, હૉટ ડૉગ માટેનાં બે બન, શેકવા માટે બટર.
બનાવવાની રીત : વટાણા અને સ્વીટ કૉર્નને ગરમ પાણીમાં બ્લાન્ચ કરીને નિતારી લેવાં. ઠંડા પાણીથી ધોઈને એમાંથી પાણી સાવ કાઢી નાખવું. એ પછી એમાં એક ચમચી રેડ ચિલી સૉસ, બે ટેબલસ્પૂન ટમૅટો કેચપ, ૪ ટેબલસ્પૂન મેયોનીઝ ઉમેરવું અને મિક્સ કરવું. સીઝનિંગ માટે ઇટાલિયન હર્બ્સ અડધી ચમચી ઉમેરવું. આ સ્ટફિંગને તૈયાર કરીને બાજુએ મૂકવું. હવે હૉટ ડૉગ માટેનાં બન્સને લઈને વચ્ચેથી કાપો મૂકી બટર લગાવવું અને બન્ને તરફ શેકી લેવું. સૅલડનું પત્તું મૂકીને એની અંદર તૈયાર કરેલું કૉર્ન પીસનું સ્ટફિંગ ભરવું. જો ચીઝ વધુ ભાવતું હોય તો ઉપર છીણેલું ચીઝ કે ચીઝની સ્લાઇસ મૂકીને સર્વ કરી શકાય.
સ્પિનૅચ કૉર્ન હૉટ ડૉગ
સામગ્રી : અડધો કપ પાલક, અડધો કપ સ્વીટ કૉર્ન, પા ચમચી લસણની પેસ્ટ, અડધો કપ પનીર, અડધો કપ ચીઝ, એક ચમચી ઇટાલિયન હર્બ્સ, એક ચમચી પેપરિકા, બે હૉટ ડૉગ માટેનાં લાંબા બન અને શેકવા માટે બટર.
બનાવવાની રીત : સૌથી પહેલાં બારીક સમારેલી પાલકને ગરમ પાણીમાં બ્લાન્ચ કરવી અને પછી તરત જ ઠંડા પાણીથી ધોઈને કોરી કરી લેવી. અડધો કપ સ્વીટ કૉર્નને પણ ગરમ પાણીમાં બ્લાન્ચ કરીને ઠંડા પાણીથી ધોઈને એમાં ચપટીક મીઠું ઉમેરવું. એમાં પા ચમચી લસણની પેસ્ટ, એક ચમચી હર્બ્સ અને પેપરિકા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. એમાં અડધો કપ પનીર, અડધો કપ ચીઝ ઉમેરીને બરાબર મિક્સ કરવું. એનાથી તૈયાર થશે તમારું સ્ટફિંગ.
હવે હૉટ ડૉગના બનને વચ્ચેથી કાપીને બટરમાં બન્ને તરફ શેકી લેવું. ત્યાર બાદ એમાં નીચે સૅલડનું પત્તું મૂકીને એમાં સ્ટફિંગ મૂકવું અને કેચપ સાથે સર્વ કરવું.