11 April, 2026 05:42 PM IST | Mumbai | Darshini Vashi
શુભ લાઇવ ખાખરા સ્ટુડિયો
તમે કહેશો કે ખાખરા તો આજે જેવા જોઈએ એવા બધે મળી જાય છે, તો એમાં નવાઈ શું? એ વાત સાચી, પરંતુ શું તમે ખાખરાનો લાઇવ સ્ટુડિયો જોયો છે જ્યાં ખાખરા તમારી નજર સામે આધુનિક મશીનમાં બનતા હોય? નહીંને? તો તમારે આ જગ્યાએ જવું જોઈએ જ્યાં બધું તમારી નજર સામે જ થાય છે. અહીં જૈન ખાખરાની અઢળક વરાઇટી મળે છે અને એવા ખાખરા પણ મળે છે જે કદાચ મુંબઈમાં બીજે નથી મળતા. જેમ કે બદામ અને અંજીર ખાખરા.
લગભગ મહિના પહેલાં જ બોરીવલીમાં રહેતાં એક ગુજરાતી લેડીએ તેમની મમ્મીથી પ્રેરિત થઈને મીરા-ભાઈંદરમાં લાઇવ ખાખરાનો સ્ટુડિયો શરૂ કર્યો છે. અત્યાર સુધી આપણે લાઇવ ઢોકળાં વિશે સાંભળ્યું છે, પણ લાઇવ ખાખરા સાવ નવો કન્સેપ્ટ છે. આ વિશે જણાવતાં શુભ લાઇવ ખાખરા સ્ટુડિયોનાં કો-ઓનર ભૂમિ વાઘાણી કહે છે, ‘મારી મમ્મીના ખાખરા ખૂબ વખણાય છે. તેમને જોઈને હું પણ ખાખરા બનાવતાં શીખી ગઈ છું. અમારા ખાખરાની લોકપ્રિયતા વધતાં મારા પપ્પાએ અમને એક મશીન લઈ આપ્યું જે ખાસ અમદાવાદથી મગાવવામાં આવ્યું હતું અને બીજું એક મશીન કોરિયાથી મગાવ્યું. ખાખરા બનાવવાની બધી પ્રોસેસ મશીનમાં થઈ જાય છે. અત્યારે અમારી પાસે ૩ મશીન છે. એકમાં લોટ બાંધીએ છીએ, બીજામાં ખાખરા વણાય છે અને શેકાય છે અને ત્રીજું મશીન જે કોરિયાથી આવ્યું છે એમાં પૅકિંગ કરવામાં આવે છે. અમને વિચાર આવ્યો કે આ મશીનને લોકોની સામે મૂકીને એમાં લાઇવ ખાખરા બનાવીએ તો લોકો પોતાની નજર સામે તેઓ કેવી વસ્તુ ખાઈ રહ્યા છે એ જોઈ શકે. કિચન પણ અમારું ખુલ્લું હોય છે. જેને ચેક કરવું હોય તે અંદર આવીને જોઈ શકે એવી રીતે અમે અહીં વ્યવસ્થા કરી છે. અમે ખાખરામાં મેંદો, પામ ઑઇલ, એસેન્સ કે કલર વાપરતા નથી. બ્રૅન્ડેડ સિંગતેલ વાપરીએ છીએ અને બિસલેરીના પાણીમાં લોટ બાંધીએ છીએ. એક ખાખરો લગભગ ૧૧ વખત શેકાઈને તૈયાર થાય છે. એને લીધે અમારા ખાખરાનો કલર અને સ્વાદ બહાર મળતા ખાખરા કરતાં અલગ લાગે છે. અમારા ખાખરાના ઇન્ટરનૅશનલ લેવલ પર પણ ઑર્ડર મળી રહ્યા છે. આજે રોજ ૯૫થી ૧૦૦ કિલો ઘઉંના લોટના ખાખરા અમારે ત્યાં બને છે. અહીં નૉર્મલ જીરા ખાખરાથી લઈને અવાકાડો, બ્રૉકલી, ડ્રાયફ્રૂટ્સ અને ફરાળના ખાખરા પણ મળે છે.’
ક્યાં મળશે? :
શુભ લાઇવ ખાખરા સ્ટુડિયો,
સેક્ટર-નંબર ૧૦, શાંતિનગર, મીરા રોડ-ઈસ્ટ
સમય : સવારે ૯થી રાત્રે ૧૦ વાગ્યા સુધી