10 February, 2025 02:36 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
પહાડી નમક
આપણને બધાને ખબર છે કે એક ચપટી મીઠામાં એટલી તાકાત છે કે એ આપણા ફીકા ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકે. એમાં પણ જો ધાણા, ફુદીના, લીલાં મરચાં વગેરેનો ઉપયોગ કરીને મીઠાને ફ્લેવરફુલ બનાવવામાં આવે અને પછી એનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો વિચારો ભોજનનો સ્વાદ કેટલો વધી જશે? આ ફ્લેવરફુલ મીઠું કોઈ નવી રેસિપી નથી પણ ઉત્તરાખંડમાં વર્ષોથી બનતી પારંપરિક રેસિપી છે જેને પહાડી લૂણ કહેવામાં આવે છે. આજે એની રેસિપી અને ભોજનમાં એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જાણીએ.
ઉત્તરાખંડમાં પહાડો પર વસતા પરિવારોના કિચનમાં આ મીઠું તમને જરૂર જોવા મળશે. પહાડી મીઠાનો ઉપયોગ સાદા ભોજનમાં સ્વાદનો ઉમેરો કરવા માટે વપરાય છે. મીઠામાં ફુદીનો, ધાણા, લસણ, મરચાંને મિક્સ કરીને એને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે, જે એક રિફ્રેશિંગ ટેસ્ટ આપે છે. આજકાલ નવું-નવું બનાવવાના શોખીનોમાં આ પહાડી લૂણ ફેમસ થઈ રહ્યું છે. તમે પણ જો ટ્રાય કરવા માગતા હો તો ઘરે જ બનાવીને ટ્રાય કરી લો.
આમ તો બજારમાં પણ તમને પહાડી નમક મળી જશે, પણ ઘરે બનાવેલા પહાડી લૂણનો સ્વાદ અલગ જ હોય છે. બીજું એ કે આજકાલ મસાલાઓને મિક્સરમાં ઝટપટ પીસી લેવામાં આવે છે, પણ પારંપરિક રીતથી એને હાથેથી ખાંડવામાં આવે છે. એટલે શક્ય હોય ત્યાં મસાલાને ખાંડીને જ એની પેસ્ટ બનાવો, જેથી એનો સ્વાદ ઑથેન્ટિક રહે.
આ પહાડી લૂણનો ઉપયોગ તમે રાયતા, સૅલડ, ચાટ, પરાઠાં, દાળ અને બીજી ઘણી ફૂડ આઇટમ્સમાં કરી શકો છો. આ મીઠું ગૅસ અને બ્લોટિંગની સમસ્યા હોય તો એમાંથી રાહત આપે છે.
ઘરે પહાડી નમક બનાવવાની રેસિપી
સામગ્રી : અડધો કપ નૉર્મલ મીઠું, ૧/૪ કપ રૉક સૉલ્ટ, એક ખોબો ભરીને ફુદીનાનાં પાન, ત્રણ ટેબલસ્પૂન ધાણા, ૮-૧૦ લીલાં મરચાં, ૮થી ૧૦ લસણની કળીઓ, એક નાની ચમચી જીરું પાવડર.
રીત : સૌપ્રથમ ફુદીનો, ધાણા, મરચાં, લસણ, જીરાને મિક્સરમાં દરદરાં પીસી લો અથવા તો ખાંડી નાખો. હવે આ પેસ્ટને એક મોટા બાઉલમાં કાઢો. એમાં અડધો કપ નૉર્મલ મીઠું અને અડધો કપ રૉક સૉલ્ટ નાખી ચમચીથી સરખી રીતે મિક્સ કરો. આ રીતે તમારું પહાડી લૂણ બનીને તૈયાર છે.
આ પહાડી લૂણને તમે કાચની બરણીમાં ભરીને રૂમ ટેમ્પરેચર પર આરામથી એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો. જોકે એ પહેલાં તમારે આ પહાડી મીઠાને તડકામાં ૧૨થી ૧૫ કલાક સૂકવીને સરખી રીતે ડ્રાય કરવું પડશે.