25 April, 2026 06:33 PM IST | Mumbai | Darshini Vashi
પપ્પુ સૅન્ડવિચ ઍન્ડ પીત્ઝા સેન્ટર
આજે સૅન્ડવિચ દરેક ગલીમાં મળતી થઈ ગઈ છે, પરંતુ અમુક સૅન્ડવિચનો ટેસ્ટ એવો તાળવે ચોંટી જાય છે કે લોકો એને ખાવા માટે દૂર-દૂર સુધી જતા જ નથી, વર્ષો સુધી એની રાહ પણ જોતા હોય છે. મલાડના આ સૅન્ડવિચ સ્ટૉલનું પણ આવું જ કંઈક છે. ૮ વર્ષ સુધી સ્ટૉલ બંધ રહ્યા બાદ એને ફરી શરૂ કરવામાં આવ્યો હોવા છતાં લોકો એનો ટેસ્ટ ભૂલ્યા નહોતા અને ખૂલતાંની સાથે ફરી અહીંની સૅન્ડવિચ ખાવા દોડી આવ્યા હતા.
મલાડ-ઈસ્ટમાં આવેલું પપ્પુ સૅન્ડવિચ ઍન્ડ પીત્ઝા સેન્ટર સંભાળતાં મોના સોલંકી કહે છે, ‘વર્ષો પહેલાં મારા દાદા સસરા અહીં સૅન્ડવિચનો નાનકડો સ્ટૉલ સંભાળતા હતા. ત્યાર બાદ મારા કાકા સસરાએ આ સ્ટૉલ સંભાળ્યો. જોકે કોઈક કારણસર આ સ્ટૉલ બંધ કરવો પડ્યો. અમને પણ સૅન્ડવિચ બનાવવા પર હથોટી હતી ખરી, પરંતુ હું અને મારા હસબન્ડ બન્ને જૉબ કરતાં હતાં એટલે આ વ્યવસાય તરફ વળ્યાં નહીં. જોકે કોરોનાએ લોકોની લાઇફ બદલી નાખી. કોરોનામાં અમે અમારો સૅન્ડવિચનો બંધ થઈ ગયેલો આ વ્યવસાય ફરી શરૂ કર્યો. જેવી રીતે અહીં પહેલાં સૅન્ડવિચ બનતી હતી એ જ રીતે અમે બનાવવા માંડ્યાં. અહીંની સૅન્ડવિચ પહેલાં સૅલડથી ઓળખાતી. પપ્પુની આઇકૉનિક સૅલડ સૅન્ડવિચ એ નામથી જ એ ઓળખાતી હતી. જેમ અત્યારે સૅન્ડવિચ પર સેવ, બટર, વેફર, ચટણીઓ વગેરે નાખવામાં આવે છે એમ અમારે ત્યાં ઉપર કોબી અને બીટનું સૅલડ નાખીને આપવામાં આવતું હતું જેને લીધે એ સૅલડ સૅન્ડવિચ તરીકે ઓળખાતી જે અમે ફરી બનાવવાનું શરૂ કર્યું અને લોકો ફરી આવવા લાગ્યા. અમારી કુલ્ચા સૅન્ડવિચ પણ એટલી જ પ્રખ્યાત છે. એમાં પણ અલગ-અલગ વરાઇટી મળે છે. હવે અમે પીત્ઝા, બર્ગર અને ફ્રાઇઝ પણ બનાવીએ છીએ.’
ક્યાં મળશે? : પપ્પુ સૅન્ડવિચ ઍન્ડ પીત્ઝા સેન્ટર, શાહ બિઝનેસ સેન્ટર, રાણી સતી માર્ગ, મલાડ-ઈસ્ટ, સમય : બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી