10 August, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહાવીરનગરમાં આવી છે પ્યૉર વેજ શવર્મા
શવર્મા એટલે મગજમાં સૌથી પહેલાં નૉનવેજ છે એવું જ આવે અને સ્વાભાવિક છે કે એનું નામ સાંભળીને હાર્ડકોર વેજિટેરિયનનું મોં બગડી જાય, પણ હવે એમાં પણ વેજ ઑપ્શન આવી ગયો છે અને એકબે નહીં પણ અનેક જાતના અલગ-અલગ વેજ રૂપમાં શવર્મા મળતા થઈ ગયા છે.
મહાવીરનગરમાં એક નવી ફૂડ-પ્લેસ શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પ્યૉર વેજ શવર્મા. ત્યાં અલગ-અલગ સ્ટાઇલમાં શવર્મા બનાવીને આપવામાં આવે છે. આ તમામ શવર્મા બનાવવા માટે પીટા બ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. શેફ સ્પેશ્યલ પીટા બ્રેડ પનીર શવર્મા ટ્રાય કરવા જેવું છે જે પનીર, ચીઝ, વેજિટેબલ્સ અને અલગ-અલગ સૉસનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બીજું ખાસ એ કે અહીંના સૉસમાં કાંદા અને લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો. દુબઈ સ્ટાઇલ પીટા પૉકેટ શવર્મા પણ નવું છે જેમાં વાઇટ ગ્રેવીમાં પનીર અને સોયા ચાપને રોસ્ટ કરીને ફ્રેન્ચ ફ્રાઇસ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આવી રીતે બીજા પણ અનેક પ્રકારના શવર્મા અહીં મળે છે. આ સિવાય સ્મોક્ડ પનીર સૅલડ, વેજ કબાબ વિથ બટર રૂમાલી રોટી વગેરે મળે છે. આ સિવાય અહીં યુનિક આઇટમ્સ પણ મળે છે જેમ કે ફ્રાઇસની સાથે શવર્મા. એક પ્લેટમાં ફ્રાઇસને પાથરીને ઉપર શવર્માની ગ્રેવી નાખવામાં આવે છે અને પછી ફ્રાઇસ પાથરી ઉપર અલગ-અલગ સૉસ અને ચીઝ નાખીને સર્વ કરવામાં આવે છે. તમે તમારા શવર્માને અહીં મૉડિફાઇ પણ કરી શકો છો. મનગમતા ટૉપિંગ અને તીખાશને તમારા ટેસ્ટ મુજબ ઍડ્જસ્ટ કરી શકો છો.
ક્યાં મળશે? : પ્યૉર વેજ શવર્મા, શ્રીજી ડ્રાયફ્રૂટની બાજુમાં, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)