ફૂડ માટે કંઈ પણ પાગલપંતી શક્ય છે

06 February, 2024 08:21 AM IST  |  Mumbai | Rashmin Shah

સિરિયલ ‘આહટ’ અને ‘માતા કી ચૌકી’થી લઈ અત્યારે ‘દબંગી મુલગી આયી રે આયી’માં જોવા મળતી હિમાનીની ફૂડની વાતો જલસો કરાવશે

હિમાની ચાવલા

દુનિયાના બેસ્ટ રાજમા-ચાવલ બનાવવાનો દાવો કરતી ટીવીસ્ટાર હિમાની ચાવલા ટેસ્ટી ફૂડ માટે કોઈ પણ હદે જઈ શકે છે. સિરિયલ ‘આહટ’ અને ‘માતા કી ચૌકી’થી લઈ અત્યારે ‘દબંગી મુલગી આયી રે આયી’માં જોવા મળતી હિમાનીની ફૂડની વાતો જલસો કરાવશે

મારા જીવનમાં સૌથી વધુ મહત્ત્વનું કોઈ હોય તો એ છે ટેસ્ટી ફૂડ અને માત્ર ટેસ્ટી ફૂડ. ફૂડ માટે હું શું કરી શકું એની ચર્ચા કરવાને બદલે હું એટલું કહી દઉં કે મને જો સ્વાદિષ્ટ ફૂડ ન મળે તો હું રીતસર ગાંડી થઈ જઉં. ખાઈ-પીને જલસા કરવા એ જ મારા માટે મજાની લાઇફની વ્યાખ્યા છે. આફ્ટરઆઑલ આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ એમાં મૂળ તો આ પેટ માટે જ અને પેટને ખુશ કરવું હોય તો પહેલાં જીભને ખુશ કરવી પડે, જેને સ્વાદિષ્ટ ફૂડ જ ખુશ કરી શકે. મૉરલ ઑફ ધ સ્ટોરી, ટેસ્ટી ખાના નહીં ખાયા તો કુછ નહીં ખાયા. 

પંજાબી છું ભાઈ | પંજાબીઓ અને ગુજરાતીઓ જો ખાવાની બાબતમાં ધ્યાન નહીં આપે તો કોણ આપશે? આ તો આપણો જન્મસિદ્ધ હક છે ભાઈ. હું ખાવાની શોખીન તો છું જ, પણ સાથે બનાવવાનો પણ શોખ છે મને અને અત્યારે પણ મારા એવા અઢળક ફ્રેન્ડ્સ છે જે બેશરમ થઈને મને કહેતા હોય છે કે તું સારા રાજમા-ચાવલ બનાવે છે એટલે અમે તારા ફ્રેન્ડ્સ છીએ. યસ, હું નહીં પણ દુનિયા એવું માને છે કે હું વર્લ્ડના શ્રેષ્ઠ રાજમા-ચાવલ બનાવું છું. 

રાજમા-ચાવલ મારું કમ્ફર્ટ ફૂડ છે અને મારા માટે રાજમા-ચાવલ બનાવવા પણ કમ્ફર્ટ કુકિંગ ફૂડ છે. 
મારા માટે વડાપાંઉ બેસ્ટ | વડાપાંઉ સાથે મારી કેટલીક ખાસ યાદો છે. આમ તો હું ટિપિકલ અને ઑથેન્ટિક પંજાબી ફૂડ વધારે પસંદ કરું, પણ વડાપાંઉ મારા દિલની વધારે નજીક. એનું કારણ કહું. હું જ્યારે મુંબઈ આવી ત્યારે મારું અહીં કોઈ ગૉડફાધર નહોતું. એ સમય એવો હતો જ્યારે જાતે જ જમવાનું બનાવવું પડતું અને બહાર રખડવાની સ્ટ્રગલ પણ જાતે જ કરવાની. સમયનો અભાવ હોય ત્યારે બહાર મળતું સસ્તું અને પેટ ભરતું બેસ્ટ ફૂડ જો કોઈ હોય તો એ વડાપાંઉ. દિવસોના દિવસો મેં વડાપાંઉ પર જ કાઢ્યા છે, ખેંચ્યા છે. આજે પણ વડાપાંઉ જોઉં ત્યારે મારી એ યાદો તાજી થઈ જાય છે. જોકે એ પછી ઘરે જાતે જ જમવાનું બનાવવાનું શરૂ કર્યું ત્યારે ખીચડીથી શરૂઆત કરેલી. 

આજે પણ પેટ ભરવાનું, પેટને બગડતું અટકાવવાનું અને હેલ્થને બનાવવાનું કામ ખીચડીથી શ્રેષ્ઠ કોઈ ન કરી શકે એવું હું માનું છું. 
ઇટ્સ પરાઠા ટાઇમ | મેં મારા જીવનની પહેલી ફૂડ-આઇટમ કોઈ બનાવી હોય તો એ હતા પરાઠા. બળી ગયેલા અને સહેજ પણ ખાવાલાયક નહીં. એ ઘટના પછી મારી મમ્મીએ મને પરાઠા બનાવતાં શીખવેલું. આજે પણ દુનિયામાં શ્રેષ્ઠ અને ટેસ્ટી ફૂડ કોઈ બનાવી શકતું હોય તો એ છે મારી મમ્મી. તે કુકિંગની કંઈક નવી ​​ટ્રિક લઈને આવે કે તમે વિચારી જ ન શકો. હવે આપણે બધા પરાઠા તવા પર બનાવીએ, જ્યારે મારી મમ્મી પરાઠા કુકરમાં બનાવે. ક્યારેય પરાઠા બળે ‍જ નહીં એવી ટ્રિક તેમણે મને કુકરમાં પરાઠા બનાવીને શીખવી હતી. કૅન યુ ઇમૅજિન? કુકરમાં પરાઠા! 

જિનીયસ | મમ્મીએ મને એક જ ટ્રિક શીખવી છે કે જે પણ બનાવો એમાં દિલ ભેળવી દો. હૃદયથી બનાવેલી વસ્તુઓ હંમેશાં સ્વાદિષ્ટ જ બનતી હોય છે.

columnists Rashmin Shah mumbai food