21 April, 2026 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાચી કેરીનો રસમ
સામગ્રી : કાચી કેરી ૨ નંગ, ડુંગળી ૧ નંગ, લસણની ૬ કળી, આદુંનો ૧ નાનો ટુકડો, સૂકા ધાણા ૧ ચમચી, જીરું ૧ ચમચી, મરી ૭ દાણા, રાઈ ૧ ચમચી, મેથી ૧/૪ ચમચી, તેલ ૨ ચમચી, હિંગ ૧/૨ ચમચી, લીમડો ૧૦ પાન, સૂકાં મરચાં ૩ નંગ, હળદર ૧/૨ ચમચી, ધાણા પાઉડર ૧/૨ ચમચી, લાલ મરચું ૧ ચમચી, ગોળ ૧ ચમચી, કોથમીર ૨ મોટી ચમચી, મીઠું સ્વાદ મુજબ, પાણી જરૂર મુજબ
મસાલો બનાવવાની રીત : ખાંડણીમાં સૂકા ધાણા, જીરું અને મરી બારીક વાટી લો.
બનાવવાની રીત : સૌપ્રથમ કાચી કેરીને છોલીને એના ટુકડા કરો. કુકરમાં કેરીના ટુકડા અને પાણી નાખીને ૩ સીટી સુધી બાફી લો. ઠંડું થાય પછી કેરીને ક્રશ કરી લો. એમાં હળદર, ધાણા પાઉડર અને થોડી કોથમીર મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં રાઈ, મેથી, હિંગ, સૂકાં મરચાં અને લીમડાનાં પાન નાખીને વઘાર કરો. ત્યાર બાદ બારીક સમારેલી ડુંગળી ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે આદું-લસણની પેસ્ટ ઉમેરીને સારી રીતે શેકી લો. એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીને થોડું શેકો. એમાં લાલ મરચું ઉમેરો. હવે ક્રશ કરેલી કેરી અને મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી નાખીને ઊકળવા દો. અંતે ગોળ ઉમેરો અને ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો. ઉપરથી કોથમીર નાખીને ગરમાગરમ સર્વ કરો.
ટિપ્સ : થોડી ખાટી કાચી કેરી પસંદ કરશો તો સ્વાદ વધુ સરસ આવશે. કેરી બાફતી વખતે લીધેલું પાણી ફેંકશો નહીં. એ જ રસમમાં વાપરશો તો ટેસ્ટ વધુ વધે છે.