ગિરગામનું પણશીકર સાચા અર્થમાં શુદ્ધતાની બાબતમાં મંદિર જેવું પવિત્ર છે

01 November, 2025 12:54 PM IST  |  Mumbai | Sanjay Goradia

બપોરે બે વાગ્યે અમારાં ગ્રૅન્ડ રિહર્સલ્સ હતાં એટલે હું તો પહેલેથી પ્લાન કરીને નીકળ્યો કે મારે આ વિસ્તારમાં જ લંચ લેવું. નીકળીને હું તો પહોંચ્યો પણશીકરમાં. પણશીકરની વાત કરું તો આ રેસ્ટોરાં છ દશકથી તો હું પોતે જોતો આવું છું.

ગિરગામનું પણશીકર

હમણાં મારું નવું નાટક ઓપન થયું, એનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ અમે ગિરગામમાં રાખ્યાં હતાં. ગિરગામમાં સાહિત્ય સંઘ નામની જગ્યા છે. જે જૂના લોકો છે તેમને ખબર જ છે કે આ સાહિત્ય સંઘનું શું મહત્ત્વ છે. એક સમય હતો જ્યારે આ સાહિત્ય સંઘ ગિરગામનું મોતી કહેવાતું અને એનું વજન પણ એટલું જ અદકેરું. સાહિત્ય સંઘમાં નાટક જોવું એ ત્યારના સમયમાં લહાવો ગણાતું. આ સાહિત્ય સંઘમાં મોટા ભાગે મરાઠી નાટકો ભજવાતાં. ગુજરાતીઓની વસ્તી આ વિસ્તારમાં ઓછી હશે એ જ એનું કારણ હશે એવું મારું માનવું છે. સાહિત્ય સંઘની વાત કરું તો ચર્ની રોડ સ્ટેશનથી તમે ત્યાં જઈ શકો. પહેલાંના સમયમાં તો આ ચર્ની રોડ સ્ટેશનથી એક સ્કાયવૉક હતો જે સીધો સાહિત્ય સંઘવાળા રોડ પર જ ઊતરતો. હવે એ સ્કાયવૉક તોડી નાખ્યો છે અને બીજો બનાવ્યો છે, પણ એ સ્કાયવૉક પણ સાહિત્ય સંઘની નજીક જ પૂરો થાય છે.

મારું નાનપણ ખેતવાડી અને આ વિસ્તારમાં વીત્યું છે એટલે આવી કોઈ જગ્યાએ જવાનું આવે ત્યારે હું તો અંદરથી જ ઊછળવા માંડ્યો હોઉં. મને સવારથી જ મારા ખેતવાડીના દિવસો યાદ આવવા માંડ્યા હોય તો સાથોસાથ એ સમયની રેસ્ટોરાં અને નાના-નાના ખૂમચાની પણ યાદો તાજી થઈ ગઈ હોય.

બપોરે બે વાગ્યે અમારાં ગ્રૅન્ડ રિહર્સલ્સ હતાં એટલે હું તો પહેલેથી પ્લાન કરીને નીકળ્યો કે મારે આ વિસ્તારમાં જ લંચ લેવું. નીકળીને હું તો પહોંચ્યો પણશીકરમાં. પણશીકરની વાત કરું તો આ રેસ્ટોરાં છ દશકથી તો હું પોતે જોતો આવું છું. એકસરખો સ્વાદ, એકસરખી શુદ્ધતા અને એકસરખી સ્વચ્છતા. ખરેખર મને આવી રેસ્ટોરાં પર માન ત્યારે જાગે જ્યારે બીજી વાહિયાત રેસ્ટોરાંમાંથી ભેળસેળ પકડાય.

પણશીકરની વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આપણે ત્યાં બે પણશીકર છે. એક પણશીકરમાં માત્ર ફરસાણ અને સ્વીટ્સ મળે છે તો બીજી પણશીકર જ્યાં હું ગયો હતો ત્યાં બેસીને નાસ્તો કરવાની સગવડ છે.

પણશીકરમાં જઈને મેં તો મારાં નાનપણથી ફેવરિટ એવાં સાબુદાણા વડાંનો ઑર્ડર કર્યો. આખી હથેળી ભરાઈ જાય એવડું એક સાબુદાણા વડું અને એવાં બે વડાં. સાથે સરસ મજાની વાઇટ કલરની ચટણી. ગરમાગરમ સાબુદાણા વડાંને ઠંડીગાર ચટણીમાં ઝબોળીને તમારે ખાતા જવાનું. આ સાબુદાણા વડાંની એક ખાસિયત કહું. જો સાબુદાણા બરાબર ચડ્યા ન હોય તો એ તમારાં વડાંની મજા મારી નાખે. સાબુદાણા વડાં ખાતાં-ખાતાં મારા નાનપણના દિવસો વાગોળતો ગયો અને ભૂખ પણ ખૂલવા માંડી.

સાબુદાણા વડાં પછી મેં મગાવ્યું ફરાળી મિસળ. આ જે ફરાળી મિસળ છે એમાં બધી વરાઇટી ફરાળી હોય. સાબુદાણાનું વડું, સાબુદાણાની ખીચડી અને એમાં નારિયેળના દૂધમાંથી બનેલી ગ્રેવી નાખી હોય તો ઉપરથી બટેટાની સળી અને ફરાળી ચેવડો ભભરાવ્યો હોય. ટૂંકમાં બધેબધી આઇટમ ફરાળી અને ખાવામાં એકદમ અવ્વલ. આ જે ફરાળી મિસળ છે એની સાથે બ્રેડ ખાવાની ન હોય પણ જો ઉપવાસ ન હોય તો તમે એ એક્સ્ટ્રા મગાવી શકો પણ હું કહીશ કે બ્રેડ સાથે ખાવાની આ આઇટમ જ નથી. આ આઇટમ એમ જ ખાવામાં મજા છે. સાથે કંઈ ખાવાનું બહુ મન થતું હોય તો તમે એક્સ્ટ્રા સાબુદાણા વડાં મગાવી શકો પણ હા, મેં કહ્યું એમ મિસળમાં એક વડું તો હોય જ.

મિત્રો, આ બધી એવી જગ્યાઓ છે જે માત્ર ત્યાંના સ્વાદ પર જ નહીં પણ ત્યાં જાળવી રાખવામાં આવેલી શુદ્ધતાના આધારે ટકી છે. આજે આપણે જ્યારે ફેક પનીર અને પામ ઑઇલના વપરાશના ન્યુઝ વાંચીએ છીએ ત્યારે પણશીકર અને પ્રકાશ જેવી જગ્યાઓ આપણને ખરેખર મંદિર જેવી લાગે. ભાવમાં પણ કિફાયતી અને શુદ્ધતામાં સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર. હું તમને પણ કહીશ કે જો દર અઠવાડિયે બહાર ફૂડ માટે જતા હો તો એ માત્ર ઘટાડીને પંદર દિવસે એક વાર જવાનું કરજો પણ એટલું યાદ રાખજો, જજો એવી જગ્યાએ જ્યાં તમને શુદ્ધતાનો ભરોસો હોય.
પણશીકર એવી જ જગ્યા છે એની ગૅરન્ટી મારી. એક વાર ખાસ ધક્કો ખાઈને પણ ત્યાંનો આસ્વાદ માણવો એ દરેક મુંબઈકરનો ધર્મ છે એવું મારું માનવું છે.

Sanjay Goradia food and drink food news food fun filmstar street food mumbai food indian food girgaon life and style lifestyle news exclusive