ઈશુનું લાસ્ટ સપર અને અમદાવાદનું સપર સ્નૅક્સ

15 February, 2024 08:39 AM IST  |  Mumbai | Sanjay Goradia

આ ‘સપર’ શબ્દનો અર્થ સમજાવું. તમને યાદ હોય તો ઈશુ ખ્રિસ્તે શૂળીએ ચડતાં પહેલાં જે ડિનર લીધું હતું એને ‘લાસ્ટ સપર’ તરીકે ઓળખવામાં આવે છે.

સંજય ગોરડિયા

આ વાત કરતાં પહેલાં મારે તમને ફિલ્મ ‘કમઠાણ’ના પ્રમોશન પર લઈ જવા પડશે. ફિલ્મના પ્રમોશન માટે અમે એક પ્રેન્ક વિડિયો બનાવ્યો હતો. જેમણે એ વિડિયો ન જોયો હોય એ લોકોને હું જરા વિગત આપી દઉં. એ વિડિયો માટે હું બધા પાસે ખરેખર ચોર બનીને જઉં અને લોકોને મારું ચોરી કરેલું પોટલું આપીને એ સાચવવા કહું. મારો ગેટઅપ પણ ફિલ્મવાળો જ હતો. અમુક જગ્યાએ હું મારા અવાજને કારણે ઓળખાઈ ગયો તો અમુક જગ્યાએ હું ઓળખાયો નહીં તો અમુક લોકોએ મને જોતાં જ ઓળખી લીધો કે આ તો સંજય ગોરડિયા છે. આખો દિવસ વિડિયો શૂટ કર્યા પછી સાંજ પડતાં જ મને કકડીને ભૂખ લાગી એટલે મારા ત્રણ પ્રોડ્યુસર પૈકીના એક મીત જાનીએ મને કહ્યું કે હું તમને એક એવી જગ્યાએ લઈ જઉં જ્યાં નાનપણથી ખાતો આવ્યો છું. જગ્યાનું નામ ‘સપર સ્નૅક્સ ઍન્ડ પૅક્સ’ હતું. હવે તમને પહેલાં એ લોકેશન સમજાવું.

અમદાવાદના આશ્રમ રોડ પર ઇન્કમ-ટૅક્સની જે ઑફિસ છે એની પહેલાં ડાબી બાજુએ એક ગલી છે. એમાં તમે દાખલ થાઓ એટલે જમણી બાજુએ આ ‘સપર સ્નૅક્સ ઍન્ડ પૅક્સ’ છે. આ ‘સપર’ શબ્દનો અર્થ સમજાવું. તમને યાદ હોય તો ઈશુ ખ્રિસ્તે શૂળીએ ચડતાં પહેલાં જે ડિનર લીધું હતું એને ‘લાસ્ટ સપર’ તરીકે ઓળખવામાં આવે છે. એ ‘સપર’ પરથી આ ખૂમચાનું નામ પાડવામાં આવ્યું છે. 

સપર સ્નૅક્સ ઍન્ડ પૅક્સમાં જાતજાતની અને ભાતભાતની વરાઇટીઓ મળે છે; પણ મને કહેવામાં આવ્યું કે આમની દહીં-કચોરી તમે ટેસ્ટ કરો, બહુ મજા આવશે. મેં દહીં ચીઝ કચોરી મગાવી.
નૉર્મલી કેવું હોય કે દહીં-કચોરીમાં દહીંનું પ્રમાણ એટલું વધારે હોય કે એમાં તમને કચોરીનો ટેસ્ટ આવે જ નહીં, પણ સપર સ્નૅક્સ ઍન્ડ પૅક્સમાં એવું નહોતું. અહીં જે કચોરી હતી એ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. આ કચોરી આપણી જે ગુજરાતીઓની કચોરી હોય છે એવી નહોતી, પણ નૉર્થ ઇન્ડિયામાં જે મોટી કચોરી બને છે એ હતી. એ કચોરીમાં મગની દાળનું પૂરણ હોય. આ કચોરીનું નીચેનું પડ જાડું હોય અને ઉપરનું પડ તોડી શકાય એવું હોય. દહીં ચીઝ કચોરીમાં જે દહીં હતું એ ઠંડું હતું અને એકદમ ક્રીમી નહીં પણ થોડું પાતળું હતું. બીજી વાત. એમાં ચીઝ નાખવામાં હાથ પર કન્ટ્રોલ રાખ્યો હતો. ચીઝની એક ખાસિયત છે. એ બીજા બધા ટેસ્ટ પર બહુ ડૉમિનેટિંગ બને છે. ખાસ વાત કહું. અગાઉ મેં ક્યારેય દહીં અને ચીઝનું કૉમ્બિનેશન ટ્રાય કર્યું નહોતું, પણ પહેલી વાર મેં આ કૉમ્બિનેશન સપર સ્નૅક્સ ઍન્ડ પૅક્સમાં ટ્રાય કર્યું, બહુ મજા આવી તો ઉપરથી નાખવામાં આવેલી તીખી-મીઠી ચટણીને કારણે પણ દહીં અને ચીઝનો ટેસ્ટ બદલાઈ જતો હતો.

એ પછી મેં ટ્રાય કર્યાં ત્યાં મળતાં થેપલાં. થેપલાંમાં પણ ભાતભાતની વરાઇટી. ચીઝ ચટણી થેપલાં, બટર ચટણી થેપલાં, ચીઝ અન્યન-ગાર્લિક થેપલાં, ચીઝ મેયોનીઝ થેપલાં, મેક્સિકન થેપલાં અને બીજી અનેક જાતનાં થેપલાં. મેં ચીઝ મેયોનીઝ થેપલાં મગાવ્યાં. ચીઝ મેયોનીઝ થેપલાં મગાવવાનું મુખ્ય કારણ એ કે મને મેયોનીઝનો ટેસ્ટ બહુ પસંદ છે. એમાં ચીઝનો થોડો ખાટો સ્વાદ હોય છે, જે તમને મજા કરાવી દે. મને એ ચીઝ મેયોનીઝ થેપલાં એટલાં ભાવ્યાં કે ત્યાં ખાધા પછી મેં એક પૅકેટ પાર્સલ પણ કરાવ્યું. એ પછી મેં ટેસ્ટ કર્યો ફરાળી દહીં ચેવડો. બટાટાનો મીઠો ટેસ્ટ ધરાવતો ચેવડો. એની સાથે દહીં અને ચીઝનું કૉમ્બિનેશન અને એના પર તીખી-મીઠી ચટણી. આહાહાહા... જલસો જ જલસો. માંહ્યલો બકાસુર આળસ મરડીને બેઠો થઈ ગયો હતો એટલે એણે મને કહ્યું કે હજી કંઈક સરસ ખવડાવ. મેં તરત ફરાળી દહીં ચીઝ ફૂલવડી મગાવી. ફૂલવડી મને આમ પણ બહુ ભાવે અને એમાં પણ અહીં તો ફરાળી ફૂલવડીની વાત હતી એટલે મેં તો આ આઇટમ ટેસ્ટ કરવાનું નક્કી કરી લીધું.

એ પછી મેં ટ્રાય કર્યા ખાખરા પીત્ઝા. હવે આ આઇટમ તો બહુ પૉપ્યુલર થઈ ગઈ છે, પણ સપર સ્નૅક્સ ઍન્ડ પૅક્સમાં મળતા ખાખરા પીત્ઝા પણ અદ્ભુત હતા. કહેવાનો ભાવાર્થ મારો એટલો જ કે સપર સ્નૅક્સ ઍન્ડ પૅક્સમાં મળતી દરેકેદરેક વરાઇટીથી હું ખુશ થયો અને મારી એ ખુશી વચ્ચે જ મને થયું કે આ આઇટમનો આસ્વાદ મારે તમારા સુધી પહોંચાડવો જ રહ્યો. 
મિત્રો, જ્યારે પણ અમદાવાદ જવાનું બને ત્યારે ભૂલ્યા વિના આશ્રમ રોડ પર આવેલી આ સપર સ્નૅક્સ ઍન્ડ પૅક્સમાં અચૂક જજો. તમને ઑથેન્ટિક ટેસ્ટ સાથેની વરાઇટીનો આસ્વાદ કરવા મળશે એની ગૅરન્ટી મારી.

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

columnists Sanjay Goradia mumbai food indian food