કાશ્મીરી કાવાનું કાઠિયાવાડી વર્ઝન તમે ટેસ્ટ કર્યું છે?

14 March, 2024 07:54 AM IST  |  Mumbai | Sanjay Goradia

કાવાનું ચલણ એટલું તો વધી ગયું છે કે હવે તો લગ્નની સીઝનમાં જમણવાર દરમ્યાન પણ લોકો કાવો રાખતા થઈ ગયા છે.

સંજય ગોરડિયા

છેલ્લાં બે અઠવાડિયાંથી આપણે જામનગરની ફૂડ-ડ્રાઇવ માણીએ છીએ. પહેલાં જામનગરમાં મળતાં પૂરી-શાક અને ગાંઠિયાની વાત કરી તો ગયા ગુરુવારે ભેરુનાથનાં થાબડીવાળાં દૂધ-પાંઉની વાત કરી. આજે પણ વાત કરવાની છે એ વરાઇટી જામનગરની છે. નવી ફિલ્મનું શૂટિંગ જામનગરમાં ચાલતું હોવાથી આ જોગાનુજોગ સર્જાયો છે. થોડા દિવસમાં હું બે મહિના માટે અમેરિકા જાઉં છું એટલે અમેરિકાની ટૂર પહેલાં મારે અહીંનાં બહુ બધાં પેન્ડિંગ કામ પૂરાં કરવાનાં છે, જેમાં ફિલ્મો પણ ખરી. ઍનીવેઝ, આવી જઈએ મૂળ વાત પર.

ગુજરાતમાં શિયાળાના અંતિમ દિવસો ચાલે છે એટલે કડકડતી તો ન કહેવાય પણ રાતના સમયે ઠંડી લાગે એવું વાતાવરણ થઈ જાય ખરું. આ જે વરાઇટી છે એ ઠંડીમાં પીવાની વધારે મજા આવે એવી છે. આપણે વાત કરીએ છીએ કાવાની. કાવો યાદ આવે એટલે આપણને તરત કાશ્મીરનો કાવો યાદ આવે; પણ આ કાશ્મીરમાં મળે એવો કાવો નથી, આ કાશ્મીરી કાવાનું કાઠિયાવાડીકરણ છે. ઑલમોસ્ટ પંદરેક વર્ષથી સૌરાષ્ટ્રમાં એનું ચલણ બહુ વધ્યું છે, પણ એની શરૂઆત જામનગરથી થઈ અને તમને તો ખબર છે કે કાઠિયાવાડમાં એક વસ્તુ ચાલે એટલે પછી રાતોરાત એની રેપ્લિકા ઊભી થવા માંડે.

જામનગરના હવાઈ ચોકમાં જય સતાધાર કાવાઘર નામની એક લારી છે, જામનગરવાસીઓનું કહેવું છે કે કાવાની શરૂઆત એમણે કરી. આ જે કાવો હોય છે એ બુંદદાણામાંથી બને છે. બુંદદાણા એટલે કૉફી બીન્સ. આ કૉફી બીન્સને શેકી એનો પાઉડર કરી નાખવામાં આવે અને પછી ગરમ પાણીમાં નાખી એ પાણીને બહુ ઉકાળવામાં આવે. તૈયાર થયેલા આ પાણીમાં ફુદીનો, લીંબુ, મરી, આદું અને સિંધાલૂણ નમક ઉપરાંત બીજાં બત્રીસ જાતનાં આયુર્વેદિક ઓસડિયાંઓનો પાઉડર નાખી કાવો તૈયાર કરવામાં આવે. જો તમને ખાટો અને સહેજ તીખો સ્વાદ પસંદ હોય તો હું ગૅરન્ટી સાથે કહીશ કે તમે આ કાવાના પ્રેમમાં પડી જશો.

કાઠિયાવાડમાં તો શિયાળા દરમ્યાન લોકો રોજ જમીને કાવો પીવા નીકળે અને ઠંડી ભગાડે. આયુર્વેદિક ગુણો ધરાવતો આ કાવો શરદી-કફમાં રાહત આપે છે તો શરીરમાં ગરમાવો આપવાનું કામ પણ કરે છે. એવું નથી કે કાવો શિયાળામાં જ પિવાય. ના, એવું સહેજ પણ નથી, પણ શિયાળામાં એ વધુ ગુણકારી પુરવાર થાય છે. બાકી ચોમાસાના દિવસોમાં પણ વરસાદી ઠંડક વચ્ચે લોકો કાવો પીતા હોય છે તો કાવામાં વપરાતી સામગ્રી પાચક સત્ત્વ ધરાવતી હોવાથી ઉનાળાના લગ્નગાળામાં જો બહુ જમાઈ ગયું હોય તો પણ લોકો એ પીવા જતા હોય છે. પણ હા, શિયાળામાં કાવાની લારીઓ સૌથી વધારે જોવા મળે તો ચોમાસામાં પણ એ લારીની સંખ્યા સારીએવી રહે. ઉનાળામાં અમુક ચોક્કસ જગ્યાએ જ કાવો મળતો હોય છે.

કાવાનું ચલણ એટલું તો વધી ગયું છે કે હવે તો લગ્નની સીઝનમાં જમણવાર દરમ્યાન પણ લોકો કાવો રાખતા થઈ ગયા છે. વીસ રૂપિયામાં એક ગ્લાસ મળતો આ કાવો પીધા પછી તમને થાય કે જમીને સોડા કે કોલ્ડ ડ્રિન્ક્સ પીવાની પ્રથા આપણે ત્યાં ખોટી ડેવલપ થઈ છે, હકીકતમાં તો જમ્યા પછી આ કાવો જ પીવો જોઈએ. જામનગર જવાનું બને તો હવાઈ ચોકમાં જય સતાધારનો કાવો અચૂક પીજો. રાજકોટ ગયા હો તો રેસકોર્સના રિંગ રોડ પર કિસાનપરા ચોક પાસે કાવાની લારી ઊભી રહે છે, એનો કાવો પણ અદ્ભુત આવે છે. એક વખત અચૂક ટ્રાય કરજો. હા, અમુક લારીવાળા તો હવે પેલો બુંદદાણાનો પાઉડર વેચે પણ છે એટલે તમે ઘરે ગરમાગરમ કાવો બનાવીને પણ પી શકો છો.
આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે.

columnists life and style Sanjay Goradia