શું ઈંડું એટલું અનિવાર્ય છે?

18 February, 2024 10:21 AM IST  |  Mumbai | Laxmi Vanita

વિશ્વના દેશોમાં પ્યૉર વીગન સ્કૂલો ખૂલી રહી છે, યુરોપિયન દેશોમાં ટૂંક સમયમાં સરકારી કાર્યક્રમોમાં સંપૂર્ણપણે પ્લાન્ટ બેઝ્‍ડ ફૂડ પીરસવાની દિશામાં વિચારો થઈ રહ્યા છે ત્યારે ભારતના આ રાજ્યમાં બાળકોના મીલમાં ઈંડું સામેલ કરવાની કવાયત થઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર

મિડ-ડે મીલ ભારતના દરેક રાજ્યમાં અન્ડરપ્રિવિલેજ્ડ બાળકોને સ્કૂલ આવવા મોટિવેટ કરવામાં શરૂ કરાયેલી સ્કીમ છે. બાળકો ભણવા નહીં તો જમવા તો આવે અને એ રીતે દેશનાં બાળકોના શારીરિક ઘડતરમાં અડચણ ન આવે. આપણે મિડ-ડે મીલની વાત એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે હાલમાં જ મહારાષ્ટ્રમાં મિડ-ડે મીલમાં અઠવાડિયામાં એક વખત બાળકોના આહારમાં ઈંડું આપવું એવો નિર્ણય લીધો, જેના પગલે વેજિટેરિયન લોકોએ એનો વિરોધ કર્યો છે. ભારત સિવાય લગભગ ઈંડાનો વિવાદ અન્ય કોઈ દેશમાં થવો મુશ્કેલ છે અને એનું કારણ છે કે વિશ્વમાં સૌથી વધારે વેજિટેરિયન પૉપ્યુલેશન અહીં ભારતમાં જ છે. ગયા વર્ષે કર્ણાટકમાં આ જ મુદ્દા પર વિવાદ થયો હતો. જોકે ભારતનાં ૧૪ રાજ્યોના મિડ-ડે મીલમાં ઈંડું આપવામાં આવે છે અને એનું કારણ એ છે કે ત્યાં નૉન-વેજિટેરિયન પૉપ્યુલેશન વધારે છે. વેજિટેરિયન પૉપ્યુલેશનને ઈંડાં ન આપવા પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક કારણો હોઈ શકે, પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ શું ઈંડું આપવું જોઈએ કે નહીં? શું ઈંડામાંથી જ માત્ર ‘એ’ ક્લાસ પ્રોટીન મળી શકે? જો વેજિટેરિયન પાસે પ્રોટીન સોર્સ ન હોય તો ઈંડાં ખાવાનું શરૂ કરે? તો આ ગણિત શું છે એ જાણીએ વિવિધ એક્સપર્ટ અને આમજનતા પાસેથી.

કલ્ચરનાં મૂળ હલી જશે
મહારાષ્ટ્ર સ્ટેટ ગવર્નમેન્ટ અંદાજે બે કરોડ બાળકોને મિડ-ડે મીલ પૂરું પાડે છે જેમાં ઈંડાં આ ન્યુટ્રિશનનો ભાગ નહોતો અને ૨૦ વર્ષમાં પહેલી વખત શાળાના શૈક્ષણિક વિભાગ દ્વારા ફરીથી ઈંડાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદના ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (જીઆર)માં એ સ્પષ્ટ લખેલું છે કે અક્ષયપાત્ર અને અન્નામૃતા ફાઉન્ડેશન (બન્ને ઇસ્કૉન સાથે અફિલિયેટેડ છે)માંથી તૈયાર કરવામાં આવતા મીલમાં ઈંડું સામેલ હશે નહીં. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય કમલેશ શાહ કહે છે, ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, દિલ્હીનો રિપોર્ટ છે કે ઈંડાં, ફિશ, ચિકન અને મીટમાં યુરિક ઍસિડ વધારે હોય છે. એમાં ઓછા ડાયેટરી ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ છે અને કૉલેસ્ટરોલ વધારે છે જેને લીધે કોરોનરી હાર્ટ ડિસીઝ, બ્લડપ્રેશર, કૅન્સર, ડાયાબિટીઝ વગેરે થાય છે. ઈંડાંની અન્ય પણ સાઇડ ઇફેક્ટ્સ છે. એમાં પણ સરકાર દ્વારા ઈંડાનું જે પ્રોવિઝન છે એ અઠવાડિયામાં એક જ દિવસ આપવાનું છે. ઈંડામાંથી એક દિવસમાં મળતા પ્રોટીનથી બાળકની હેલ્થમાં કોઈ વધારે ફરક નથી પડવાનો. એની સામે દાળ, મિલેટ, સોયાબીન, ચણા, આમળાની કૅન્ડી, પાંદડાંવાળાં શાકભાજી જેવા વિકલ્પ ઉપલબ્ધ છે. વેજિટેરિયન બાળકોની ડાયેટરી હૅબિટ અને કલ્ચરમાં જ નૉન-વેજ નથી. ઈંડાના વિકલ્પો ઉપલબ્ધ છે પણ સંસ્કૃતિના વિકલ્પો નથી હોતા એનુ પતન જ થાય.’ 
વેજિટેરિયન કલ્ચરના ભવિષ્ય પર ચિંતા વ્યક્ત કરતાં કમલેશભાઈ કહે છે, ‘ઈંડાંનો પુલાવ કે બિરયાની પીરસવાની વાત છે તો જે બાળકો ખાતાં નથી અને એક વખત ખાશે તો ધીરે-ધીરે તેમની ડાયેટ મીટ ઓરિયેન્ટેડ થઈ જશે. મિડ-ડે મીલમાં ઈંડાંનો સમાવેશ આપણા કલ્ચરનાં મૂળ હલાવી શકે છે. અત્યારે સરકારે જે વિકલ્પ આપ્યો છે કે જે શાળામાં ૪૦ ટકા કરતાં વધારે નૉન-વેજિટેરિયન વિદ્યાર્થીઓ હોય અને વાલીઓની માગણી હોય તો ત્યાં આપવાની મનાઈ નથી. ભારતનાં જે રાજ્યોમાં મિડ-ડે મીલમાં ઈંડું સામેલ છે ત્યાં ૯૦ ટકા કે એનાથી વધારે પૉપ્યુલેશન નૉન-વેજિટેરિયન છે, જેમ કે આંધ્ર પ્રદેશમાં ૯૮ ટકા, બિહારમાં ૯૨ ટકા, ઝારખંડમાં ૯૬ ટકા,  કેરળમાં ૯૭ ટકા, ઉત્તરાખંડમાં ૭૨ ટકા, તો અહીં તેમને માટે બરાબર છે (૨૦૨૧માં મધ્ય પ્રદેશમાં મિડ-ડે મીલમાં ઈંડાના વિવાદ બાદ દૂધનો ઉમેરો થયો). જ્યારે મહારાષ્ટ્રમાં મિક્સ કલ્ચર એટલે કે પ્યૉર વેજિટેરિયન પણ નહીં અને પ્યૉર નૉન-વેજિટેરિયન પણ નહીં. રાજ્યોમાં પીરસાતાં ઈંડાંમાં ફૂડ સેફ્ટી ઍક્ટના નિયમોમાં ચોક્કસ સ્પેસિફિકેશન છે, જેમાં પોલ્ટ્રીમાંથી આવેલાં ઈંડાં ડિસીઝ-ફ્રી છે એવું ચકાસવાનું કોઈ પ્રોવિઝન જ નથી. પીરસાતાં ઈંડાંઓની ગુણવત્તા પણ ચકાસવામાં નથી આવતી. ભોજનમાં પીરસેલાં ઈંડાંને કારણે બાળકોને ડાયેરિયા, વૉમિટિંગ, બેહોશ થઈ જવુ અને અમુક કેસમાં મૃત્યુ પણ થયું છે. આ ખતરો શાકભાજી કે ફળ ખાવામાં નથી.’

WHOની સલાહ
ફળ, શાકભાજી, ઈંડાં અને મિટ બૅલૅન્સ્ડ ડાયટ માટે જરૂરી છે, પરંતુ ૧૮મી સદીથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઘડતર માટે શાકાહારી ભોજન પર ભાર મૂકવામાં આવ્યો છે. ફળો અને શાકભાજીમાં ઉચ્ચ કક્ષાનાં વિટામિન; ખાસ કરીને ‘એ’ અને ‘સી’, ખનીજ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને ખાસ પ્રકારનાં ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે. પૂરતા પ્રમાણમાં એનું સેવન કરવાથી દરેક ઉંમરનાં બાળકોના વિકાસમાં સપોર્ટ કરે છે જેમ કે તેમની ઇમ્યુનિટી, મોટા ભાગનાં એનસીડીઝ (નૉન-કમ્યુનિકેબલ ડિસીઝ), કૉમન કૅન્સર અને દરેક પ્રકારનું માલન્યુટ્રિશન (જેમાં મોટાપો, ન્યુટ્રિયન્ટ ડેફિશ્યન્સી) અટકાવે છે. એને પરિણામે WHO દરરોજ બાળકોને વિવિધ ગ્રુપનાં ૪૦૦ ગ્રામ ફળ અને શાકભાજી ખાવાની સલાહ આપે છે.  

સ્પોર્ટ‍્સ ન્યુટ્રિશન શું કહે છે?
વેસ્ટર્ન વર્લ્ડ જ્યારે વીગનિઝમ તરફ વળી રહ્યું છે ત્યારે વિશ્વના ઘણા સ્પોર્ટ‍્સ પર્સન પણ વેજિટેરિયન બન્યા છે. એમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ૨૦૧૮માં વેજિટેરિયનિઝમ તરફ વળી પર્યાવરણ અને હેલ્થ માટે આ બદલાવ કર્યો હતો, પરંતુ ૨૦૨૧માં ‘આસ્ક મી એનિથિંગ’માં તેણે કહ્યું કે હું વેજિટેરિયન છું, પણ ઈંડાં ખાઉં છું. તો શું સ્પોર્ટ‍્સ પર્સને ઈંડાં ખાવાં જરૂરી છે? અંધેરીમાં પ્રૅક્ટિસ કરતા સ્પોર્ટ‍્સ ન્યુટ્રશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર અને પિલાટી કોચ રમીસા પુંજાણી કહે છે, ‘ઈંડાં ફર્સ્ટ ક્લાસ પ્રોટીન છે. જો તમે વેજિટેરિયન હો અને તમારે ડાયટમાં ઈંડું ઉમેરવું હોય તો તમારી બૉડીને જરૂરી પ્રોટીનનો પુરવઠો મળી રહેશે, અન્ય કોઈ સોર્સ પર આધાર નહીં રાખવો પડે. વેજિટેરિયન ડાયટમાં પણ પ્રોટીનના સોર્સ છે જે ફર્સ્ટ ક્લાસ પ્રોટીનના સોર્સની સરખામણીમાં ન આવી શકે. જો વેજિટેરિયન ડાયટમાં દરરોજ તોફુ કે સોયાબીન નથી, તો શરીરમાં પ્રોટીનની ઊણપ રહે જ છે. પ્રોટીન સાથે વિટામિન ‘ડી’, સારું કૉલેસ્ટરોલ, અન્ય ઍન્ટિઑક્સિડન્ટનો ભરપૂર સોર્સ છે. જ્યારે લોકો ઈંડાના સાઇડ-ઇફેક્ટની વાત કરે છેત્યારે દરેક પ્રકારનાં ફૂડ માટે એ સત્ય છે કે વધુ પ્રમાણમાં કોઈ પણ આહાર હાનિકારક છે. એવું તો નથી જ કે ઈંડું ખાશો તો જલદીથી મરી જશો. પાંચથી છ વર્ષનાં બાળકોના ડાયટમાં ઈંડું હોય તો તેમનું બ્રેઇન અને બોનનું ડેવલપમેન્ટ સારું થાય છે. જ્યારે પણ આહારમાં બદલાવ કરો છો ત્યારે ન્યુટ્રશનિસ્ટ કે તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.’

આયુર્વેદ શું કહે છે? 
વિશ્વના અન્ય દેશોના લોકો યોગ અને આયુર્વેદના આપણા સંસ્કૃતિના વારસાથી પ્રભાવિત થઈને સાત્ત્વિક ભોજન અને આધ્યાત્મ તરફ વળી રહ્યા છે ત્યારે ઈંડાને આયુર્વેદમાં કેટલું સ્થાન છે એ જણાવતાં ઘાટકોપરના અંદાજે ૪૫ વર્ષથી આયુર્વેદ  મેડિસિન પ્રૅક્ટિસ કરતા ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘૫૦૦૦ વર્ષ જૂનો આપણો ઇતિહાસ છે અને અઢીથી ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદ છે. આયુર્વેદ અને વેદોમાં પણ નૉન-વેજનો પ્રયોગ છે. આપણી પ્રજા નૉન-વેજ વિરોધી નહોતી, પણ કોણે નૉન-વેજ ખવાય અને કોણે ન ખવાય એની આપણી પાસે બહુ સરસ માહિતી છે જેનો ઉપયોગ આપણે કરતા નથી. દરેક લોકોએ ‘ટુડેઝ પર્ફેક્ટ ડાયટ ઑફ અમેરિકા’ વાંચવી જોઈએ. એના લેખક ફિઝિયોલૉજી અને ન્યુટ્રિશનના પીએચડી છે. અમેરિકન ડેરી અને પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીના સાચા રિસર્ચના છુપાવેલા ઑફિશ્યલ ડૉક્યુમેન્ટને શોધીને એને છાપીને સિદ્ધ કર્યું હતું કે આ બન્ને રોગ પેદા કરે છે. તમે જવાબ આપો ત્યારે લૉજિક હોવું જોઈએ. મૉડર્ન સાયન્સ અને ટેલિવિઝને ઈંડાનો એટલો પ્રચાર કર્યો છે જેને કારણે લોકો સાચી વાત જાણવાની કોશિશ પણ નથી કરતા. બાળકને મગનું પાણી પીવડાવવામાં આવે છે, બીમાર પડે તો પણ મગની દાળની ખીચડી બનાવીને આપવામાં આવે છે. જો મુસ્લિમ સમાજમાં પણ કોઈ માંદું પડે તો તેને ચોખાની કાંજી આપવામાં આવે છે. ઈંડું બહુ જ પૌષ્ટિક હોય તો બાળકને ખવડાવવા માટે રાહ કેમ જોવી પડે? દરરોજ પ્રમાણસર મગની વિવિધ વાનગીઓ બનાવીને બાળકને આપો તો એનામાં પૂરતું પ્રોટીન મળી જ રહે.’

વેજિટેરિયન સેફ વિકલ્પ 
અમેરિકાની વેબસાઇટ ‘વનગ્રીનપ્લૅનેટ’ના અહેવાલ મુજબ અમેરિકાની ૧૪ ટકા કરતાં વધારે ડિસ્ટ્રિક્ટ શાળાઓ પ્લાન્ટ બેઝ્‍ડ લંચનો વિકલ્પ આપી રહી છે. તેમની આ શરૂઆત પાછળનો એક કિસ્સો એવો છે કે સ્કૂલની મુસ્લિમ યુવતી જેનો ધર્મ હલાલ મિટ ખાવાની જ પરવાનગી આપે છે. તેની પાસે શાળાનું મીલ ખાવાનો વિકલ્પ જ નહોતો, પરંતુ વીગન મીલના વિકલ્પને કારણે એ સ્ટુડન્ટ હવે સ્કૂલનું મીલ ખાઈ શકે છે. આ જ લૉજિકને માનતાં ઘાટકોપરની સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીનાં મમ્મી ૪૨ વર્ષનાં હંસાબેન પટેલ કહે છે, ‘આજે ઈંડાંની પરિભાષા જ બદલાઈ ગઈ છે. લોકો ઈંડાંને પણ શાકાહારી ગણે છે. હું શાળાના મિડ-ડે મીલમાં ઈંડાં માટે તો સહમત ન જ થાઉં. મારી દીકરી નૂપુરની શાળામાં દરેક કમ્યુનિટીના વિદ્યાર્થીઓ છે. એમાં કદાચ અમુક સ્ટુડન્ટ્સ ઈંડાં ખાતા હશે, પણ ૯૦ ટકા તો વેજિટેરિયન જ છે. દુનિયાનો દરેક નૉન-વેજિટેરિયન વેજિટેરિયન ફૂડ ખાઈ શકે, પણ વેજિટેરિયન બાળકો ઈંડાં ક્યારેય ન ખાય. મિડ-ડે મીલમાં દરરોજ ખીચડી, સોયાબીન ક્યારેક ઉપમા, પૌંઆ જેવી વાનગીઓ હોય છે. મોટા ભાગે હું તેને ટિફિન આપું છું છતાં ઘણી વાર તે મિડ-ડે મીલ ખાય છે અને એમાં પૌષ્ટિક ઑપ્શન હોય છે. ઘરમાં ક્યારેય ખાધું ન હોય તો પછી શાળામાં જઈને શું કામ ખાવું.’ આ જ કારણ છે કે મહારાષ્ટ્ર સરકારે પણ નિર્ણય કરવો પડ્યો કે જે શાળામાં ૪૦ ટકા પેરન્ટ્સની મંજૂરી ન હોય એ શાળાના મીલમાં ઈંડાંનો સમાવેશ નહીં થાય.

ઈંડાંમાંથી જ પ્રોટીન?
૪૦થી વધુ વર્ષથી પ્રૅક્ટિસ કરી રહેલા હોનરરી પીડિયાટ્રિશ્યન હિન્દુ સભા હૉસ્પિટલ અને જૅક ઍન્ડ જિલ ચિલ્ડ્રન હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. પ્રવીણ મહેતા કહે છે, ‘આટલાં વર્ષોની પ્રૅક્ટિસમાં મેં ક્યારેય વેજિટેરિયન બાળકને કોઈ પણ કારણસર ઈંડાં ખાવાની સલાહ નથી આપી. નૉન-વેજિટેરિયન પરિવારનું બાળક દિવસમાં એક ઈંડું ખાય તો એમાંથી પાંચ ગ્રામ પ્રોટીન મળે અને એ સૌથી સસ્તો પ્રોટીનનો સોર્સ છે. એમાં ઓછી કૅલરી અને કાર્બોહાઇડ્રેટ છે એ જ આપણે આહારમાં ઇચ્છીએ છીએ. પણ જો વેજિટેરિયન હો તો એવું માનવાની બિલકુલ જરૂર નથી કે માત્ર ઈંડાંમાંથી જ પ્રોટીન મળે છે. ઘણા વેજિટેરિયન પેરન્ટ્સ બાળકની હેલ્થને કારણે ચિંતિત થઈને પૂછતા હોય છે કે શું બાળકને ઈંડાં ખવડાવીએ? જોકે હું સ્પષ્ટ ના પાડું છું. ઘણાં વેજિટેરિયન પ્રોટીન સોર્સ છે જેમ કે સિંગદાણા, સોયાબીન અને બધી જ દાળનો સમાવેશ થાય છે. એક સલાહ જરૂર આપું કે આપણા ગુજરાતી પરિવારમાં પાતળી દાળ બનતી હોય છે તો તેને થોડી ઘાટી બનાવવાની. એ ભાત સાથે મિક્સ જ ખાવાની હોય છે, કારણ કે દાળના અમીનો ઍસિડ અન્ય અમીનો ઍસિડની હાજરીમાં વધારે સારી રીતે ઍબ્સૉર્બ થાય.’ 

લોકોની એ માન્યતા છે કે સ્પોર્ટ્સ રમતાં બાળકોના ડાયટમાં ઈંડાં હોવાં જોઈએ એના પર વાત કરતાં ડૉ. પ્રવીણ કહે છે, ‘ધારો કે તમારા ઘરમાં એક વેજિટેરિયન અને એક એગિટેરિયન બાળક છે. બન્ને રનિંગ કૉમ્પિટિશનમાં ભાગ લે છે તો તમે એમ ન કહી શકો કે ઈંડાં ખાનાર બાળક વધારે સારી રીતે કમ્પિટ કરી શકશે. એટલે એ નિર્ણય પેરન્ટ્સનો હોવો જોઈએ કે ઘરમાં ખાતા હો તો ખવડાવો અને ન ખાતા હો તો જરૂર જ નથી. જોકે વેજિટેરિયનને એવું પ્રમોટ ન કરી શકો કે માત્ર ઈંડાંમાં જ પ્રોટીન છે. હું પ્યૉર વેજિટેરિયન છું તો પણ મને ક્યારેય પ્રોટીન ડેફિશ્યન્સી નથી થઈ અને અમુક હેલ્થની સમસ્યા આવી તો એ પણ વેજિટેરિયન સોર્સમાંથી સારી થઈ ગઈ. અત્યારે જે મિડ-ડે મીલ અપાય છે એમાં સીંગદાણા, દાળ, સોયાબીન બધાનું સરસ એવું ખીચડી ટાઇપનું મિશ્રણ હોય છે એ બાળકના પોષણ માટે પૂરતું છે. આટલાં વર્ષોથી જ્યારે બાળકોને મીલમાં ઈંડાં નહોતાં આપવામાં આવતાં ત્યારે પણ તેમનો પ્રોટીન ક્વૉશન્ટ સંતોષાતો હતો. એ પણ છે કે અન્ય વેજિટેરિયન પ્રોટીન સોર્સની કુકિંગ મેથડ હોય છે અને કમનસીબે કન્ટામિનેશન થાય તો બાળકો રોગગ્રસ્ત થાય, જ્યારે ઈંડાંમાં એ કંઈ જ નથી. સરકાર એક કામ જરૂર કરી શકે કે તેઓ શાળાઓ પાસેથી ઈંડાં ખાનારાની સંખ્યાનું લિસ્ટ જરૂર માગી શકે. જેઓ નિયમિત ખાય છે તેમને આપવાનાં અને પ્યૉર વેજિટેરિયન બાળકોને જુદી ફૉર્મ્યુલા આપવાની. ટૂંકમાં બાળકનું પેટ ભરાવું જોઈએ.’

ટૂંકમાં કહેવાનું એટલું જ કે મિડ-ડે મીલનો હેતુ કુપોષણ સાથે લડત અને બાળકોને શાળામાં આવવા પ્રોત્સાહિત કરીને શિક્ષણ સાથે જોડવાનો છે. મિડ-ડે મીલમાં ઈંડું હોય કે ન હોય, વિદ્યાર્થીઓ મીલ માટે તો આવશે જ. ઈંડાંને સામેલ કરવાથી કોઈની સાંસ્કૃતિક કે ધાર્મિક લાગણી દુભાતી હોય તો ઈંડાંને અવગણીને ઑથોરિટીએ ડાયેટિશ્યન કે ન્યુટટ્રિશનની નિમણૂક કરીને એવવું બૅલૅન્સ ડાયટ પ્લાન કરવું જોઈએ જેનાથી બાળકના શારીરિક તેમ જ માનસિક વિકાસમાં કોઈ અવરોધ ન આવે. આખર, મુદ્દો તો બાળકોના પોષણનો જ છેને!

ઈંડાંની સાઇડ ઇફેક્ટ 
ઈંડાંના વધુ પડતા સેવનથી હૃદયને લગતા રોગ, ટાઇપ-ટૂ ડાયાબિટીઝ, બ્રેસ્ટ, ઓવેરિયન અને પ્રોસ્ટેટ કૅન્સરની શક્યતા રહે છે. એમાં રહેલા સાલ્મોનેલ્લા બૅક્ટેરિયાને કારણે ફૂડ પૉઇઝનિંગ પણ થઈ શકે છે. ઇન્ટરનૅશનલ વેબસાઇટ સિનર્જિયાના અહેવાલ મુજબ ૨૦૨૨માં યુરોપના એક કરતાં વધારે દેશોમાં સડેલાં ઈંડાંને કારણે બે જણનાં મૃત્યુ થયાં હતાં અને ૩૦૦ લોકો બીમાર પડ્યા હતા.

જ્યારે દુનિયાના લોકો બની રહ્યા છે વેજિટેરિયન અને વીગન
જર્મની, યુએસ, કૅનેડા, ડેન્માર્ક, તાઇવાન, નેધરલૅન્ડ્સ અને ફિનલૅન્ડ જેવા દેશો ખર્ચો કરીને સ્કૂલ્સમાં પ્લાન્ટ બેઝ્‍ડ અને વીગન મીલ આપી રહ્યા છે. નેધરલૅન્ડ્સની સરકાર તેમના દરેક સરકારી કાર્યક્રમોમાં વેજિટેરિયન જ પીરસશે એ દિશામાં જઈ રહી છે. ૨૦૨૧માં એના કૅપિટલ સિટી ઍમ્સ્ટરડૅમ સિટી કાઉન્સિલે પ્લાન એવો જાહેર કર્યો કે એના નાગરિકોને ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા અને ૨૦૪૦ સુધીમાં ૬૦ ટકા પ્લાન્ટ બેઝ્‍ડ ડાયટ તરફ દોરવાનો પ્રયત્ન કરશે. ૨૦૨૦માં સ્વીડનમાં એની પહેલી વીગન શાળાની શરૂઆત થઈ. વિદ્યાર્થીઓ દ્વારા યુકેની દરેક યુનિવર્સિટીમાં ૨૦૨૫ સુધીમાં કૅમ્પસનું મેન્યુ માત્ર પ્લાન્ટ બેઝ્‍ડ મીલનું જ હોવું જોઈએ એવી માગ થઈ રહી છે. અમેરિકાના ન્યુ યૉર્ક, ક્વીન્સની ગવર્નમેન્ટ શાળા જે ગુરુવારે વેજિટેરિયન અને ક્યારેક વીગન પીરસતી એ ૨૦૧૪થી અમેરિકાની પહેલી સરકારી વેજિટેરિયન મીલ પીરસતી શાળા બની, કારણ કે ૮૬ ટકા બાળકો એશિયન-અમેરિકન હતાં અને તેમના લંચ-બૉક્સમાં વેજિટેરિયન મીલ જ રહેતું.  

food and drug administration indian food world health organization life and style