21 March, 2025 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દૂધ ઊકળતું હોય ત્યાં સુધી ત્યાં ઊભા રહેવા કરતાં બીજાં કામ પતાવી લેવાના ચક્કરમાં ઘણી વાર ભૂલી જ જવાય કે ગૅસ પર દૂધ મૂકેલું છે. એના ચક્કરમાં ઘણી વાર દૂધ તપેલીમાંથી ઊભરાઈને બહાર આવી જાય છે. જો તમારા ઘરે પણ આવું વારંવાર બનતું હોય તો આ નુસખા અપનાવી જુઓ. એ માટે તમારે કોઈ વધુપડતી મહેનત કરવાની નથી
આપણા બધાના જ ઘરે એવું બનતું હોય છે કે આપણે તપેલીમાં દૂધ ગરમ કરવા કે ચા ઉકાળવા મૂકી હોય અને આપણું ધ્યાન રહ્યું ન હોય તો એ ઊભરાઈ જાય છે. એને કારણે દૂધ તો વેસ્ટ જાય છે અને સાથે-સાથે ગૅસ, કિચન ફ્લોરને પણ એ ગંદાં કરી નાખે છે એટલે એને સાફ કરવાની અલગથી માથાકૂટ કરવી પડે. એમાં ને એમાં આપણું કામ બમણું થઈ જાય. તમારી આ સમસ્યાના ઉકેલ માટે આ રહી કેટલીક ટિપ્સ.
૧. તમે જ્યારે પણ તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો ત્યારે એની ઉપરની કિનારી પર હલકું ઘી કે માખણ લગાવી દો. એને કારણે દૂધ ગરમ કરવા મૂક્યું હોય ત્યારે એનાં ફીણ ઉપર આવી ગયાં હશે તો પણ તપેલીની બહાર નહીં આવે.
૨. તપેલીમાં દૂધ ગરમ કરવા મૂક્યું હોય ત્યારે એના પર લાકડાનો એક ચમચો રાખી દો. લાકડાનો ચમચો દૂધના તાપમાનને નિયંત્રિત કરે છે અને ફીણને ઉપર આવતાં રોકી દૂધ ઊભરાવા દેતો નથી.
૩. દૂધને ગરમ કરતી વખતે તપેલીમાં તમે સ્ટીલની ચમચી નાખી દો તો પણ તમારું કામ થઈ જશે. એ ગરમીને સમાન રૂપથી ફેલાવવામાં મદદ કરે છે અને ઊભરાને નિયંત્રિત કરે છે. સ્ટીલની ચમચી ફીણને બનતાં પણ રોકે છે એટલે દૂધ તપેલીમાંથી બહાર ઊભરાતું નથી.
૪. જો તમારે વધારે પ્રમાણમાં દૂધ કે ચા ઉકાળવા હોય તો મોટી તપેલીનો ઉપયોગ કરો. નાની તપેલીમાં ફીણ જલદીથી ભરાઈ જાય છે અને પછી એ બહાર ઊભરાવા લાગે છે. તપેલી જરા મોટી અને પહોળી હોય તો ફીણ સરળતાથી ફેલાઈ જાય છે અને દૂધ ઊભરાવાની શક્યતા ઓછી થઈ જાય છે.
૫. ઘણા લોકો દૂધને ઉકાળતી વખતે તપેલી ડિશથી ઢાંકી દેતા હોય છે જેથી ગરમી અંદર જ બની રહે છે અને ફીણ જલદીથી બની જાય છે. એટલે દૂધ ઊકળીને બહાર ઊભરાવા લાગે છે. જોકે દૂધ ઉકાળતી વખતે તપેલી ખુલ્લી જ રાખવી જોઈએ. જો તપેલી ઢાંકવી જ હોય તો ડિશને ઉપર એવી રીતે મૂકો કે સાઇડમાંથી થોડી વરાળ નીકળી શકે.