બનાવવા હતા ઢોસા, પણ જમ્યા ઉત્તપમ

24 June, 2020 05:06 PM IST  |  Mumbai | Rashmin Shah

બનાવવા હતા ઢોસા, પણ જમ્યા ઉત્તપમ

યુટ્યુબ વિડિયોને ગુરુ બનાવીને આદિત્ય ગઢવીએ જાતજાતની વાનગીઓ પર હાથ સાફ કરી લીધો છે.

લોકકલાકાર તરીકે કરીઅર શરૂ કરીને હવે પ્લેબૅક સિંગર તરીકે અનેક સુપરહિટ સૉન્ગ્સ આપી ચૂકેલા આદિત્ય ગઢવીએ લૉકડાઉનમાં શરૂઆતમાં તો ઘણીબધી ધૂન બનાવી, પણ પછી તે એવો તો કંટાળ્યો કે તેણે હાર્મોનિયમને ખૂણામાં મૂકીને ક્યારેય ન કર્યું હોય એવું કામ કરવાનું નક્કી કરી કિચનનો રસ્તો પકડી લીધો. આદિત્યનાં આ કિચન-કારસ્તાન એની રેસિપી જેવાં જ તીખાતમતમતાં છે. આદિત્ય પોતાના એ કિસ્સાઓ અહીં  ‘મિડ-ડે’ના રશ્મિન શાહ સાથે શૅર કરે છે

સિંગરની વાત જુદી છે, પણ લોકડાયરાના કલાકારોને ફૂડી હોવું પોસાય જ નહીં. ફૂડી હોવું પણ ન પોસાય અને ફૂડની બાબતમાં મૂડી હોવું પણ ન પોસાય. સીધી વાત છે પ્રોગ્રામ રાતે જ હોય ને એય મધરાત સુધી ચાલતો રહે. અમારી વાત કરું તો અમે ડાયરાના કલાકારો પ્રોગ્રામ પહેલાં કંઈ ખાઈએ નહીં. આનાં ઘણાં કારણ છે અને એ કારણોમાંનું એક કારણ ડાયરો હંમેશાં હાઈ-નોટ સિન્ગિંગ પર ચાલતો હોય. એવા સમયે ગળાની જેટલી કાળજી લઈ શકાય એટલી લેતા રહેવું પડે. પ્લેબૅક સિંગર રેકૉર્ડિંગ પહેલાં ખાવાપીવાનું ટાળતા હોય છે અને અમે પ્રોગ્રામ પહેલાં.
અમારી વાત કરું તો ડાયરો પૂરો થયા પછી બને એવું કે અમારે ચા-પાણી પર જ રાત કાઢવાની આવે. ડાયરા પહેલાં આવું જોઈશે કે પેલું જોઈશે એવું ગામડામાં તો ચાલે નહીં. મુંબઈ જેવા શહેરમાં પણ બને એવું કે પ્રોગ્રામ પહેલાં સૅન્ડવિચ અને વડાપાઉં આવે એટલે એ પણ ખાવાનું અવૉઇડ કરવું પડે. પ્રોગ્રામ પહેલાં જાતે અવૉઇડ કરવાનું અને પ્રોગ્રામ પછી આયોજક અવૉઇડ કરે. મજાકની વાત છે, પણ અમુક કિસ્સામાં સાચું પણ છે. મોડી રાતે શો, પ્રોગ્રામ કે ડાયરો પૂરો થયા પછી ઑર્ગેનાઇઝરને શોધવા અઘરા પડી જાય. આવું બને એટલે ખાવાનો ઑપ્શન જાતે શોધવાનો અને ગુજરાતમાં તો રાતના સમયે એક જ ઑપ્શન મળે, ચા-ગાંઠિયા અને એ પણ વણેલા ગાંડિયા. આ વણેલા ગાંઠિયા તમને લારી પર ઊભા રહીને જ ખાવાની મજા આવે. હિંગ અને મરીથી ભરપૂર આ વણેલા ગાંઠિયા ગરમાગરમ ખાવાની જ મજા આવે. ગાંઠિયા સાથે કચુંબર હોય, અમુક જગ્યાએ કોથમીર-મરચાંની ચટણી હોય તો કોઈ-કોઈ જગ્યાએ આદું-મરચાંની ચટણી આપે. આ ચા અને ગાંઠિયાથી પેટ ભરી લેવાનું. ગાંઠિયા સાથે બેત્રણ ચા આરામથી પિવાઈ જાય.
ડાયરામાં પણ કડક ચા આવે અને હાઇવે પર આવા ધાબામાં ખાવા બેસીએ તો ત્યાં પણ કડક ચા જ મળે. બહારની ચાને લીધે કડક ચા ભાવતી થઈ ગઈ છે. હવે તો મને ઘરે પણ એવી કડક ચા જ જોઈએ. આ ચા એ એક મારું વ્યસન. બીજી કોઈ આદત નથી, પણ ચા મને દિવસમાં ચાર-છ વખત જોઈએ. હમણાં લૉકડાઉનમાં ઘરે ઘણી વાર બહારની પેલી કડક ચા યાદ આવે એટલે મેં એ જાતે જ બનાવતાં શીખી લીધી છે. એમાં મીઠાશ પણ એટલી જ હોય અને ચાની ભૂકી નાખીને એનો કલર પણ ડાર્ક બ્રાઉન જેવો કરી નાખ્યો હોય. આવી ચા પીઉં તો જ મને કોટો ચડે અને કામ કરવાનો મૂડ આવે.
લૉકડાઉનની શરૂઆતમાં તો મેં મારી રીતે મારી લાઇનનું જેકોઈ ક્રીએટિવ કામ કરવાનું હતું એ કર્યું પણ એ પછી મને કંટાળો આવવાનો શરૂ થયો એટલે મેં બધું પડતું મૂકીને મારી રીતે જીવવાનું નક્કી કર્યું અને કંટાળો ભગાડે એવાં કામ ચાલુ કર્યાં. આ કામમાં મેં પહેલું કામ કિચનમાં જવાનું કર્યું. લૉકડાઉનમાં હું ચા બનાવતાં શરૂઆતમાં જ શીખી ગયો હતો, પણ એ પછી મેં બીજી વરાઇટી બનાવવાનું પણ શરૂ કર્યું. મમ્મી આરતીબહેનની પણ એવી ઇચ્છા હતી કે મને ખપ પૂરતું તો બનાવતાં આવડવું જ જોઈએ.
મેં મને ભાવતી વરાઇટીઓનું લિસ્ટ બનાવ્યું અને પછી એ બધાની રેસિપી યુટ્યુબ પર જોઈને એ બનાવવાનું શરૂ કર્યું. જ્યાં જરૂર પડે ત્યાં મમ્મીની મદદ લેવાની. કઢી અને દાળ બનાવવામાં હું મમ્મીની હેલ્પ લેતો, પણ બાકી બધું હું મારી રીતે કરતો. સેવ-ટમેટાંનું શાક બનાવતાં શીખ્યો, દાળ-ભાત બનાવતાં શીખ્યો તો પનીરની અલગ-અલગ સબ્જી બનાવતાં પણ શીખ્યો. પનીરનું રસાવાળું શાક મેં આપણી ગુજરાતી સ્ટાઇલથી બનાવ્યું. આ શાક તમે પણ ટ્રાય કરજો, જલસો પડી જશે. કરવાનું કશું નથી. બટાટાનું રસાવાળું શાક બનાવો એ જ રીતે આ બનાવવાનું છે, પણ એમાં બટાટાને બદલે પનીર વાપરવાનું. મને કાજુનું શાક બહુ ભાવે. એ પણ બનાવતાં શીખ્યો અને કાજુ-પનીરની સૂકી ભાજી બનાવવાની રીત પણ જાતે બનાવી. એમાં કાજુના ઝીણા ટુકડા વાપરવાના. બનાવવાનું બટાટાના શાકની જેમ, પણ બટાટાને બદલે પનીર અને એમાં તળેલા કાજુના ઝીણા ટુકડા ઉમેરી દેવાના. મારી બનાવેલી આ બન્ને વરાઇટી જૈનોને તો ભાવશે જ ભાવશે એની મને ખાતરી છે.
બનાવતી વખતે મારાથી કોઈ બ્લન્ડર નહોતાં થતાં, પણ હા, એક દિવસ લોચો વળી ગયો. બન્યું એવું કે એ દિવસે મને ઢોસા બનાવવાની ઇચ્છા થઈ. મેં તો ઢોસાનું ખીરું બનાવવાની રીત ઑનલાઇન જોઈ લીધી. જો ખીરું બરાબર ન બને તો પ્રૉબ્લેમ થાય. ઢોસા વચ્ચેથી ફાટે, સરખા બને નહીં કે પછી તવા પરથી સરખા ઊખડે નહીં એટલે ખીરું તો પર્ફેક્ટ હોવું જોઈએ. લૉકડાઉન એટલે ખીરું તો બહાર મળે નહીં. ખીરું બનાવવાની રીત મેં બરાબર ગોખી લીધી અને પછી ખીરું બનાવવાનું શરૂ કર્યું. અડદની દાળ અને ચોખા લીધાં અને બન્નેને ચારથી પાંચ કલાક પલળવા દીધાં. એ પછી એને એકરસ થાય એ રીતે ગ્રાઇન્ડ કરીને એને ૮ કલાક આથો લાવવા મૂકી દીધું. સવારથી આ કાર્યક્રમ ચાલે. બીજી રાતે ઢોસાનો પ્રોગ્રામ શરૂ કર્યો, પણ મારાથી ક્યાંક ગરબડ થઈ, ઢોસા સરખા બને જ નહીં.
ફાટે અને કાં તો તવા પર ચોંટી જાય. ફરીથી મહેનત કરું, ડબલ માખણ લગાડું તો તવા પર ચોંટે જ નહીં. તર્યા કરે. બે-ત્રણ ઢોસા બનાવ્યા પછી થયું કે હવે આનો કાંઈક રસ્તો કાઢવો પડશે. લીધો મોબાઇલ હાથમાં. ૧૪ વિડિયો જોયા અને રસ્તો મળી ગયો. ઢોસાની જગ્યાએ ઉત્તપમ બનાવવાનું શરૂ કરી દીધું. એ માળા બેટા મસ્ત બને એટલે મેં તો એમાં પણ અખતરા ચાલુ કર્યા. વેજિટેબલ ઉત્તપમ બનાવ્યા. બધાને આવી મજા. ખીરું અને હું બન્ને સચવાઈ ગયાં, પણ અફસોસ મનમાં રહી ગયો કે સાલું ઢોસા બનાવતાં આવડ્યું નહીં. જોકે આ અફસોસ હું લાંબો સમય નહીં રાખું. હવે તો હાર્મોનિયમની સાથોસાથ તવીથા પર હાથ બેસી ગયો છે. એકાદ ફ્રી દિવસ આવે એટલી વાર, કિચનમાં મદ્રાસ કૅફે શરૂ કરી દઈશ. જોઈએ, બીજી વારની ટ્રાય કેવી રહે છે?

શિયાળામાં કાઠિયાવાડી ફૂડ ખાવાનો જલસો પડી જાય

જમવામાં મારું કામ સીધું છે. એવું એક પણ વાનગીમાં નહીં કે મને આ જ જોઈએ કે આ ન જ જોઈએ. ખાવા નામે બધું ચાલે. તીખું પણ ચાલે ને મોળું હોય તો પણ હું રસ્તા કાઢી લઉં. ગુજરાતી અને કાઠીયાવાડી ફૂડ મારા ફેવરીટ છે. શિયાળાની તો હું રાહ જોતો હોઉં. એયને, રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા ખાવા મળે. લીલા ચણા શિયાળામાં આવે એટલે એનું શાક પણ ત્યારે ખાવા મળે. લીલી તુવેર પણ ત્યારે જ આવે. ટોઠાં મને બહુ ભાવે. જો તમે ઉત્તર ગુજરાતની લોકલ વરાઇટી વિશે જાણતાં હો તો તમને આ ટોઠાં વિશે ખબર હશે. શિયાળામાં એ ખાવા મળે. ઉધિંયુ, વરાળીયું જેવી વરાઇટી પણ શિયાળામાં ખાવા મળે. શિયાળામાં જો દક્ષિણ ગુજરાતમાં શો હોય તો મને સાચે જ જલસો પડી જાય.

પનીરનું રસાવાળું શાક મેં આપણી ગુજરાતી સ્ટાઇલથી બનાવ્યું. આ શાક તમે પણ ટ્રાય કરજો, જલસો પડશે. કરવાનું કશું નથી. બટેટાનું રસાવાળું શાક બનાવો એ જ રીતે આ બનાવવાનું છે પણ એમાં બટેટાને બદલે પનીર વાપરવાનું. મને કાજુનું શાક બહુ ભાવે. એ પણ બનાવતાં શીખ્યો અને કાજુ-પનીરની સુકી ભાજી બનાવવાની રીત પણ જાતે બનાવી. એમાં કાજુના ઝીણા ટુકડા વાપરવાના. બનાવવાનું બટેટાના શાકની જેમ પણ બટેટાને બદલે પનીર અને એમાં તળેલા કાજુના ઝીણા ટુકડાં ઉમેરી દેવાના. મારી બનાવેલી આ બન્ને વરાઇટી જૈનોને તો ભાવશે જ ભાવશે એની મને ખાતરી છે.

લૉકડાઉનનો કંટાળો કિચનમાં દૂર કર્યો : લૉકડાઉન પહેલાં માત્ર ચા બનાવતાં આવડતી હતી, પણ હવે યુટ્યુબ વિડિયોને ગુરુ બનાવીને આદિત્ય ગઢવીએ જાતજાતની વાનગીઓ પર હાથ સાફ કરી લીધો છે.

aditya gadhvi Rashmin Shah Gujarati food