હેલ્ધી ડિઝર્ટની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું મિલેટ્સનો આઇસક્રીમ

25 April, 2026 06:30 PM IST  |  Mumbai | Darshini Vashi

દહિસરમાં આવેલી સિરી આઇસક્રીમની શૉપમાં અલગ-અલગ મિલેટ્સના દૂધમાંથી બનતો આઇસક્રીમ સર્વ કરવામાં આવે છે...

સિરી - હાઉસ ઑફ વીગન આઇસક્રીમ

હેલ્થ-કૉન્શિયસ લોકોની સંખ્યા જેમ-જેમ વધતી જાય છે તેમ-તેમ હેલ્ધી ફૂડની યાદીમાં પણ વિસ્તરણ થઈ રહ્યું છે. હેલ્ધી પીત્ઝા, સૅન્ડવિચ, ડિઝર્ટ વગેરે વિશે તો આપણે જાણીએ જ છીએ, પણ તમને ખબર છે કે હવે હેલ્ધી આઇસક્રીમ પણ મળે છે? એમાં મિલેટ્સના દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફ્લેવર માટે માત્ર ફ્રેશ ફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દહિસર-વેસ્ટમાં સિરી - હાઉસ ઑફ વીગન આઇસક્રીમ નામની શૉપ આવેલી છે જ્યાં હેલ્ધી આઇસક્રીમ મળે છે. આ શૉપને મા અને દીકરો સંભાળી રહ્યાં છે. સિરી આઇસક્રીમ મૂળ સાઉથની છે, પરંતુ એની મુંબઈની ફ્રૅન્ચાઇઝી મિતેશ અમીન અને તેમની માતા નૈના અમીન પાસે છે. આ વિશે વધુ જાણકારી આપતાં સિરી આઇસક્રીમની દહિસરની ફ્રૅન્ચાઇઝીના મિતેશ અમીન કહે છે, ‘અમને આ કન્સેપ્ટ રસપ્રદ લાગ્યો હતો. એ લોકો માટે હેલ્ધી ડિઝર્ટ ઑપ્શન બનશે અને સાથે ખેડૂતોને પણ મદદરૂપ થઈ શકશે જે વાત અમને ગમી. હું મારી મમ્મી સાથે મળીને આ ફ્રૅન્ચાઇઝી સંભાળી રહ્યો છું. સિરી અલગ પ્રકારનો આઇસક્રીમ બનાવે છે જે હેલ્ધી તો છે જ, સાથે વીગન પણ છે. આ આઇસક્રીમની અંદર જુવાર, રાગી, બાજરી જેવાં મિલેટ્સમાંથી પ્રોસેસ કરીને નીકળતા દૂધનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી એમાં સીઝન મુજબનાં ફ્રેશ ફ્રૂટ્સ ઉમેરીને સર્વ કરવામાં આવે છે. અમારો આઇસક્રીમ ૧૦૦ ટકા વીગન, ૧૦૦ ટકા ડેરી મિલ્ક ફ્રી, રિયલ ફ્લેવર અને રિયલ ફ્રૂટ્સમાંથી બને છે. આ સિવાય અમે ડિઝર્ટ પણ આવી રીતે જ બનાવીએ છીએ. જેમ કે અમારી બ્રાઉની, વૉફલ્સ વગેરેમાં મેંદો, ઘઉં, આર્ટિફિશ્યલ કલર, ટેસ્ટ કે સૉસનો ઉપયોગ કરવામાં આવતો નથી. જો આઇસક્રીમ અને ડિઝર્ટ બની શકે તો પછી મિલ્કશેક કેમ નહીં? એટલે અમે વીગન શેક પણ લઈ આવ્યા છીએ. અવાકાડો મિલ્કશેકમાં અમે રિયલ અવાકાડોની સાથે રિયલ વૅનિલા ઉમેરીએ છીએ. એવી જ રીતે અહીં પીત્ઝા પણ મિલેટ્સનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે.’

ક્યાં મળશે? : સિરી - હાઉસ ઑફ વીગન આઇસક્રીમ, કાંદરપાડા, દહિસર-વેસ્ટ

dahisar mumbai news international travel food food and drink food news life and style lifestyle news