22 October, 2024 04:45 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર
બહુ થાક અને સુસ્તી ફીલ થાય છે? તો પૂરતું પાણી પીઓ.
ત્વચા સાવ ડલ અને ડ્રાય થઈ ગઈ છે? તો પૂરતું પાણી પીઓ.
તડકામાં ફરવાનું થાય તો માથું દુખે છે? તો પૂરતું પાણી પીઓ.
કબજિયાતની તકલીફ કાયમી થઈ ગઈ છે? તો પૂરતું પાણી પીઓ.
ટૂંકમાં શારીરિક અને માનસિક હેલ્થની જાળવણી માટે બેસિક જરૂરિયાત છે પૂરતું પાણી પીવાની. એમાંય ગરમીનો પ્રકોપ વધી રહ્યો હોય ત્યારે પૂરતું હાઇડ્રેશન મસ્ટ થિંગ બની જાય છે. ઑક્ટોબર મહિનાની હીટનો પરચો મળી રહ્યો છે ત્યારે હાઇડ્રેશન વિશે વિચારવું જરૂરી છે. જોકે જ્યારે પણ આપણે હાઇડ્રેશન વિશે વિચારીએ છીએ ત્યારે પાણીનો મોટો ગ્લાસ દેખાય અને લીંબુપાણી કે સૉફ્ટ ડ્રિન્ક્સના પીણાનું ચિત્ર ઊભું થાય. જોકે શરીરને હાઇડ્રેટેડ રાખવા આટલું જ પૂરતું નથી. ૭૦ ટકા પાણી ધરાવતા આપણા શરીરને જો તૃપ્ત રાખવું હોય તો પાણી પીવાની સાથે પાણીયુક્ત ખોરાક પણ ખાવાની જરૂર છે. ઑક્ટોબરમાં જ્યાં હીટમાં વધારો થવાનો છે ત્યારે શરીરમાં ફક્ત પ્લેન પાણી જ નહીં, ન્યુટ્રિશન સહિત પાણીની કન્ટેન્ટ ઉમેરાય એવા ખોરાક ખાઈને શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ.
ખોરાકમાં પાણી શા માટે મહત્ત્વનું?
પાણી જીવનામૃત છે. ઊર્જા સ્તર જાળવવાથી લઈને ત્વચાને ચમકદાર રાખવા સુધીના દરેક કાર્ય માટે હાઇડ્રેશન મહત્ત્વપૂર્ણ છે. ઑક્ટોબર મહિનો ગરમી લઈને આવે છે અને એવા સમયે આપણે સામાન્ય રીતે આપણને હાઇડ્રેટેડ રાખવા ઠંડાં પીણાં, શરબત, શેરડીનો રસ અને ફાલૂદા વગેરે પીને શરીરને યેનકેન પાણીનો પુરવઠો પૂરો પાડતા જ હોઈએ છીએ પણ ઘણી વાર આવું કરવાના ચક્કરમાં ઠંડું પીને ખાંસવાની સમસ્યાઓ થાય છે. અહીં પ્રશ્ન એ થાય કે સાવ સાદું પાણી ભાવતું નથી ને ડ્રિન્ક્સ વધુ પીવાતાં નથી તો પછી હાઇડ્રેટેડ કેમ રહેવું? આનો જવાબ આપતાં અંધેરીમાં ડાયટ ઍન્ડ વેલનેસ ક્લિનિક ‘ઈટ યૉર વે ટુ ગુડ હેલ્થ’નાં સ્થાપક અને ૨૦ વર્ષનાં અનુભવી ન્યુટ્રિશનિસ્ટ વિનીતા અરન કહે છે, ‘સિમ્પલ, પાણી પિવાય નહીં તો ખાઓ! આપણા દૈનિક પાણીના વપરાશમાંથી લગભગ વીસથી ત્રીસ ટકા આદર્શ રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં પાણી હોવું જોઈએ. પાણીયુક્ત ખોરાક તમને માત્ર હાઇડ્રેટેડ જ નહીં રાખે, પણ પોષકતત્ત્વોને વધુ અસરકારક રીતે શોષવામાં પણ મદદ કરશે. ફળો અને શાકભાજી પાણીના કુદરતી સ્રોત હોવા ઉપરાંત વિટામિન્સ, ખનિજો, પોટૅશિયમ, ઍન્ટિઑક્સિડન્ટ્સ અને ફાઇબરનો સ્રોત છે. પાણીયુક્ત ખોરાકને લીધે શરીરમાં પાણીનું શોષણ ધીમે-ધીમે થાય છે. આ પ્રક્રિયા શરીરના કોષોને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખે છે. ટૂંકમાં આ એક ગ્લાસ પાણી સામે એક કપ ફ્રૂટ વધુ ટકાઉ હાઇડ્રેશન પ્રદાન કરે છે. આવાં ફળો અને શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી પાચનમાં મદદ મળે છે, જે પાણીને શોષીને સ્ટૂલમાં બલ્ક ઉમેરી આંતરડાની ગતિને સરળ બનાવી કબજિયાત ઘટાડે છે.’
ડીહાઇડ્રેશનનું જોખમ શું છે?
સખત તાપને લીધે ડીહાઇડ્રેટ થઈ હીટસ્ટ્રોક થવા જેવી વાતો સામાન્ય બની રહી છે. આ વિશે જણાવતાં વિનીતા કહે છે, ‘ડીહાઇડ્રેશન ત્યારે થાય છે જ્યારે તમારું શરીર જરૂર કરતાં વધુ પ્રવાહી ગુમાવે છે. એવા સમયે થાક, માથાનો દુખાવો, ચક્કર અને કન્ફ્યુઝન જેવી સામાન્ય તકલીફોથી લઈને જીવને જોખમી સમસ્યાઓ થઈ શકે છે. મગજ અને સ્નાયુઓને યોગ્ય રીતે કામ કરવા, ત્વચા, બ્લડ-પ્રેશર અને શરીરમાં ઑક્સિજનના પ્રવાહ માટે પાણી જરૂરી છે. ઓછા પાણીને લીધે કબજિયાત અને કિડનીની કાર્યક્ષમતા ઘટવી, પેશાબની નળીમાં ચેપ જેવી તકલીફો થાય છે. લાંબા ગાળાનું ડીહાઇડ્રેશન રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.’
પાણી ખાવું જરૂરી છે
આયુર્વેદ કહે છે કે ખોરાક એટલો ચાવીને ખાવો કે એ મોંમાં જ રસ જેવો થઈ જાય અને પાણી એવી રીતે લેવું જાણે એ તમારો ખોરાક જ હોય. પાણી પીવાના રૂલમાં બહુ જ મહત્ત્વનો રૂલ છે ઘૂંટડે-ઘૂંટડે પાણી પીવું એમ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. પ્રજ્વલ મ્હસ્કે કહે છે, ‘ક્યારેય એક આખો ગ્લાસ પાણી ગટગટાવીને પી જવાથી શરીરને પૂરતું હાઇડ્રેશન નથી મળતું. હંમેશાં ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જેથી એ કોષ્ઠમાં જઈને સારી રીતે કોષોમાં ઍબ્સૉર્બ થાય. બીજું, જમતી વખતે ખોરાકની પસંદગી એવી કરવી જોઈએ જેનાથી જમતી વખતે કે એ પછી પાણી પીવાની જરૂર જ ન પડે. મતલબ કે ભોજનની થાળીમાં જે બે-ચાર ચીજો હોય છે એમાંની એક કે બે ચીજો પૂરતું પાણી પૂરું પાડે એવી હોય. દાળ, કઢી કે છાશ જેવી ચીજોનો સમાવેશ એ રીતે પણ બહુ મહત્ત્વનો છે.’
વજન ઘટાડવામાં મદદ
આમ તો દિવસમાં બેથી ત્રણ લિટર પાણી આવશ્યક છે, પણ જો પાણીયુક્ત ખોરાક લેતાં હોઈએ તો પીવાનું પાણી થોડું ઓછું લેવાય તો પણ ચાલે એવું જણાવતાં વિનીતાબેન કહે છે, ‘પાણીયુક્ત ખોરાકમાં કૅલરી ઓછી અને બલ્ક વધુ હોવાથી પેટ ભરેલું જ લાગે છે. ફ્રૂટ અને સૅલડ વગેરે મુખ્ય આહારના એક કે અડધા કલાક પહેલાં કે પછી ખાવાથી વજન ઘટાડવામાં ઉપયોગી બને છે.’
કયા આહારમાં હોય છે પાણીની શ્રે માત્રા?
• તરબૂચ, સક્કરટેટી, અનાનસ, સ્ટ્રૉબેરી, સંતરાં, દ્રાક્ષ જેવાં ફળોમાં ૯૦થી ૯૨ ટકા પાણી હોય છે. વિટામિન A, C અને B6 અને લાઇકોપિન જેવાં ઍન્ટિઑક્સિડન્ટ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.
• કાકડી, ટમેટાં, કૅપ્સિકમમાં ૯૦થી ૯૫ ટકા પાણી હોય છે. ઓછી કૅલરી ધરાવતા આ શાકમાં પોટૅશિયમ ઉપરાંત વિટામિન Kનું પણ સારું પ્રમાણ હોય છે.
• જમવા પહેલાં પાણીથી ભરપૂર શાકભાજીથી બનેલાં સૂપ પણ લઈ શકાય.
• તરબૂચ, કાકડી અને સ્ટ્રૉબેરી જેવાં ભરપૂર પાણી અને પોષક તત્ત્વો ધરાવતાં ફળોમાં દહીં કે પાણી ઉમેરી થિક સ્મૂધી લઈ શકાય.
કઈ આદતોને કારણે ડીહાઇડ્રેશન થાય છે?
• વધુપડતું નમકીન, તળેલું અને મરચાંવાળું ખાવાથી શરીરને વધુ પાણીની જરૂર પડે છે.
• મેંદો અને મેંદામાંથી બનતી વાનગીઓ વધુ લેવાથી એ પચાવવા માટે શરીરને વધુ પાણીની જરૂર પડે છે. એટલે જ પીત્ઝા, પાસ્તા, ગાર્લિક બ્રેડ, બિસ્કિટ્સ જેવી ચીજો ખાધા પછી વધુ પાણીની જરૂર પડે છે.
• ચા-કૉફી જેવાં પીણાં ડાઇયુરેટિક છે એટલે આ પીણાં પીધા પછી વધુ માત્રામાં યુરિન વાટે પાણી નીકળી જાય છે.