ગાયના દૂધનો આઇસક્રીમ અને છતાંય એકદમ ક્રીમી

05 July, 2025 01:27 PM IST  |  Canada | Sanjay Goradia

ગાયના દૂધમાં ઓછી ફૅટ હોય એવું આપણે વર્ષોથી સાંભળ્યું છે, પણ કૅનેડામાં જે આઇસક્રીમ ટ્રાય કર્યો એમાં તો એવું ક્રીમ હતું કે મને થયું કે માળું બેટું ગાય પણ કૅનેડા જઈને ક્વૉલિટી-કૉન્શ્યસ થઈ જતી હશે

સંજય ગરોડિયા

આજે આપણે ફરી વાત કરવાના છીએ કૅનેડાની એક એવી આઇટમની જે તમારા મોઢામાં પાણી લાવી દેશે. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે કૅનેડાની આ છેલ્લી આઇટમ છે.

એમાં બન્યું એવું કે મારી કૅનેડાની ટૂર દરમ્યાન અમારો કૅનેડાના કૅલગરી સિટીમાં નાટકનો શો હતો. અમારો એક શો પૂરો થયો અને પછી બે દિવસની રજા આવી. રજામાં અમારા ઑર્ગેનાઇઝરે પ્લાન બનાવ્યો કે આપણે કૅલગરીની પાસે આવેલા બેન્ફ નામના એરિયામાં ફરવા જઈએ. બંદા તૈયાર. હું હંમેશાં કહું છું કે મારા પગમાં પદમ છે, તમે મને વર્ષના તમામ દિવસો ટ્રાવેલિંગ કરાવો તો પણ બંદા તૈયાર હોય.

આ જે બેન્ફ છે એ કૅલગરીથી બે કલાકના ડિસ્ટન્સ પર છે. બેન્ફ બહુ સરસ એરિયા છે. ત્યાં એકદમ સુંદર કહેવાય એવું તળાવ છે અને કૅલગરીથી બેન્ફ સુધીનો જે આખો રસ્તો છે એની સીનસીનેરી પણ અદ્ભુત છે. અમે બેન્ફ પહોંચ્યા. ત્યાં જઈને આરામથી ફોટો-બોટો પાડ્યા, વિડિયો બનાવ્યા અને બહુ મજા કરી. પછી અમે બેન્ફનું જે ડાઉનટાઉન કહેવાય ત્યાં આવ્યા. અમારે લંચ ત્યાં જ લેવાનું હતું એટલે અમે સબવેમાં લંચ કર્યું અને પછી અમે ગયા કાઉ’સ આઇસક્રીમમાં. તમે નામ પરથી જ સમજી ગયા હશો કે એ જગ્યાએ ગાયના દૂધનો જ આઇસક્રીમ મળે છે. આ જે આઇસક્રીમ છે એ બહુ પૉપ્યુલર છે. છેલ્લાં ૪૦ વર્ષથી એ કૅનેડામાં મળે છે.

મેં કાઉ’સ આઇસક્રીમની વાતો સાંભળી, ગૂગલ પર એની વાતો વાંચી એટલે મને થયું કે ભાઈ, આપણે આ આઇસક્રીમ ટેસ્ટ કરવો પડે. મારા માટે નહીં તો તમારા માટે પણ મારે એ આઇસક્રીમનો સ્વાદ તો માણવો જ રહ્યો. મને તો ડાયાબિટીઝ છે એટલે મારે એનું પણ ધ્યાન રાખવાનું. પણ સાહેબ, હું ક્યાં મારા માટે ખાઉં છું? હું તો તમારા માટે ખાઉં છું એટલે હું તો આખી ટીમને આઇસક્રીમ પાર્ટી આપવાનું કહીને લાઇનમાં ગોઠવાઈ ગયો.

કાઉ’સ આઇસક્રીમમાં અનેક વરાઇટીના આઇસક્રીમ મળે છે, પણ મેં મેનુમાં એક નામ વાંચ્યું અને નક્કી કરી લીધું કે હું તો આ જ આઇસક્રીમ ખાઈશ. એ આઇસક્રીમ હતો મેપલ-વૉલનટ. વૉલનટ એટલે અખરોટ અને મેપલ એ કૅનેડાનું ફ્રૂટ છે. દુનિયાભરમાં કૅનેડા આ મેપલ માટે બહુ પૉપ્યુલર છે. કૅનેડાનું નૅશનલ સિમ્બૉલ તમે જોયું હશે. એમાં જે ત્રણ પાંદડાં છે એ મેપલ-લીફ છે એટલે કે મેપલનાં પાંદડાં છે. કૅનેડા આવ્યા હોઈએ અને મેપલ ટેસ્ટ ન કરીએ તો અનાદર કહેવાય એટલે મેં તો મેપલ-વૉલનટ આઇસક્રીમ મગાવ્યો. આ સિવાય પણ લગભગ ચાલીસેક સ્વાદના બીજા આઇસક્રીમ હતા અને કાઉ’સ આઇસક્રીમમાં અમુક શોરબે (જેમાં દૂધનો ઉપયોગ ન થયો હોય એવા આઇસક્રીમ) પણ હતા. મેપલ-વૉલનટની વાત કરું તો એ આઇસક્રીમમાં વૉલનટનો આછોસરખો સ્વાદ અને મેપલની ખુશ્બૂ હતી. અફકોર્સ મેપલનો ટેસ્ટ તો હતો જ.

સિંગલ સ્કૂપના છ કૅનેડિયન ડૉલર અને ડબલ સ્કૂપના આઠ કૅનેડિયન ડૉલર ભાવ હતો. ફૉરેન ગયા હો ત્યારે જો દરેક વખતે તમે રૂપિયામાં ગણતરી કરવા જાઓ તો ક્યારેય કંઈ કરી ન શકો. ન તો તમારાથી ટ્રાવેલ થાય કે ન તો તમારાથી કંઈ ખાઈ-પી શકાય એટલે ફૉરેન ગયા પછી એવી ગણતરી નહીં કરવાની.

કાઉ’સ આઇસક્રીમમાં ગાયના દૂધનો આઇસક્રીમ હતો, પણ એ આઇસક્રીમની ક્રીમીનેસ અદ્ભુત હતી. આપણે ત્યાં ગાયના દૂધમાંથી આઇસક્રીમ બને તો એ જરા ઓછો ક્રીમી હોય છે, પણ કૅનેડિયન ગાયના દૂધમાં ફૅટની માત્રા સારી હોય છે એટલે આઇસક્રીમ ક્રીમી હતો. આપણે ત્યાં ઘણા સાધુ-સંતો ગાયના દૂધનો જ ઉપયોગ કરતા હોય છે. મોરારીબાપુ પોતે ગાયનું દૂધ જ લે છે. તેમને આઇસક્રીમ ખાવાનું મન થાય તો એ આઇસક્રીમ પણ ગાયના દૂધનો જ બનાવવામાં આવે. આયુર્વેદમાં ગાયના દૂધને બહુ ગુણકારી દર્શાવ્યું છે. મેં પણ એ ગુણોને યાદ કરીને આખો આઇસક્રીમ ઝાપટી લીધો. બહુ મજા પડી. આઇસક્રીમમાં ગળપણ માપસરનું હતું, જે એનો સૌથી મોટો પ્લસ-પૉઇન્ટ હતો.

આઇસક્રીમની બીજી એક ખાસિયત એ હતી કે એ તાજો જ બન્યો હતો. જો તમે જલદી ખાઓ નહીં તો તરત પીગળવા માંડે. આમ પણ ૧૫ દિવસ પહેલાં ત્યાં સમર સીઝન હતી. ઓરિજિનલ કૅનેડિયન તો બિચારા પરસેવામાં નહાતા હોય, આપણને એવી ગરમી ન લાગે. આપણને તો મજા પડે એવું વાતાવરણ લાગે.

આ કાઉ’સ મિલ્કવાળા પોતાના આઇસક્રીમને કૅનેડાના આઇસક્રીમ તરીકે ગણાવે છે એટલે જો કોઈ આપણું ઓળખીતું કૅનેડામાં રહેતું હોય તો તેમને સજેસ્ટ કરજો કે જઈને એક વાર કાઉ’સ આઇસક્રીમ ટ્રાય કરે, બહુ મજા આવશે.

food news food and drink indian food life and style columnists gujarati mid day canada Sanjay Goradia