17 January, 2026 03:57 PM IST | Mumbai | Darshini Vashi
અહીંની ફરાળી પૅટીસ ખાવા જેવી છે
નૉર્મલી ફરાળની વાનગી ઉપવાસમાં જ ખવાતી હોય છે પણ અમુક ફરાળી વાનગીઓ એટલી ટેસ્ટી હોય છે કે એને નૉર્મલ દિવસોમાં પણ ખાવાનું ગમે. ખાસ કરીને ફરાળી પૅટીસ અને સાબુદાણાનાં વડાં, જેનું નામ સાંભળતાંની સાથે મોંમાં પાણી આવી જાય અને વારંવાર ખાવાની ઇચ્છા થાય. જો તમે પણ ફરાળી વાનગીના ફૅન હો તો તમારે કાંદિવલીની આ જગ્યાએ આવવું જ જોઈએ.
કાંદિવલી-વેસ્ટમાં સ્ટેશન નજીક આવેલા લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં એક કપલ લગભગ ૨૦ વર્ષોથી ફરાળી વાનગી બનાવીને વેચે છે. આ કપલની નથી કોઈ શૉપ કે નથી કોઈ ફૂડ-કાર્ટ, તેઓ માત્ર જમીન પર નાનું ટેબલ લઈને બેસે છે અને બાજુમાં ચૂલા પર તેલનો વાડકો મૂકીને ગરમાગરમ પૅટીસ અને સાબુદાણાનાં વડાં તળતા જાય છે. આ નાનકડા ફૂડ-સ્ટૉલનું કોઈ નામ નથી પરંતુ બધા એને યશવંત કી પૅટીસ તરીકે ઓળખે છે. આ વિશે ટૂંકમાં માહિતી આપતાં યશવંતભાઈ કહે છે, ‘હું એક જગ્યાએ વર્ષોથી પૅટીસ વેચું છું. મારા નિયમિત કસ્ટમર્સ પણ છે. આમ તો હું સાબુદાણાનાં વડાં પણ બનાવું છું પરંતુ પૅટીસ બધાને બહુ ભાવે છે. અમે રોજ સાંજે પાંચેક વાગ્યાની આસપાસ અહીં આવી જઈએ છીએ અને જ્યાં સુધી સ્ટૉક રહે છે ત્યાં સુધી વેચીએ છીએ. જોકે ઘણી વખત અમારાથી રોજ આવવાનું થતું નથી.’
ક્યાં મળશે? : યશવંત કી પૅટીસ, હેમા પેઇન્ટ સ્ટોરની સામે, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં, મથુરાદાસ રોડ, કાંદિવલી (વેસ્ટ)