23 January, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ સ્ટાઇલની હૉટ ચૉકલેટ
સામગ્રી: ૨ કપ દૂધ, ૨ ચમચી કોકો પાઉડર, ૨ ચમચી ખાંડ, ૧ ચમચી કૉર્નફ્લોર, ચપટી કાળાં મરી અથવા ચપટી તજનો પાઉડર, માર્શમૅલોના ટુકડા.
બનાવવાની રીત : સૌથી પહેલાં મધ્યમ આંચ પર દૂધને ઉકાળો. બીજા વાસણમાં કોકો પાઉડર, ખાંડ અને કૉર્નફ્લોરને થોડા ઠંડા દૂધમાં સારી રીતે ભેળવી ગાંઠ ન રહે એ રીતે પેસ્ટ બનાવો. ઊકળતા દૂધમાં આ પેસ્ટ ધીમે-ધીમે ઉમેરો અને હલાવતા રહો. ૨-૩ મિનિટ ઉકાળો જેથી એ જાડું અને ક્રીમી થાય. છેલ્લે કપમાં માર્શમૅલો ટુકડા અને ક્રીમ ઉમેરો. ગાર્નિંશિંગ માટે કોકો પાઉડર છાંટો.
સામગ્રી : ૩ કપ દૂધ (પૂર્ણ ચરબીવાળું), ૧૦૦ ગ્રામ ડાર્ક ચૉકલેટના ટુકડા, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી વૅનિલા એસેન્સ, ચપટી કાળાં મરી પાઉડર.
રીત: દૂધને ગરમ કરી ઉકાળો. હવે એમાં ચૉકલેટના ટુકડાઓ ઉમેરો અને ધીમે-ધીમે હલાવતા રહો અને પીગળવા દ્યો. પછી એમાં ખાંડ અને વૅનિલા એસેન્સ નાખો. વધારે ફીણ કરવા એક મિનિટ માટે બ્લેન્ડરથી હલાવો અને તરત સર્વ કરો.
સામગ્રી: ૨ કપ દૂધ, ૧ ચમચી કોકો પાઉડર, ૫૦ ગ્રામ ડાર્ક ચૉકલેટ (છીણેલું), પા ચમચી તજનો પાઉડર, ૩-૪ નંગ લવિંગ, પા ચમચી સૂંઠ પાઉડર, ૧ ચમચી કૉર્નફ્લોર, અડધી ચમચી ખાંડ, એલચી પાઉડર પ્રમાણસર.
રીત: દૂધમાં તજ, લવિંગ અને સૂંઠ ઉમેરી ધીમા તાપે ઉકાળો (૧ મિનિટ). કોકો અને ચૉકલેટ ઉમેરો. હલાવતા રહો અને પીગળાવો. બીજા વાસણમાં કૉર્નફ્લોર દૂધમાં ભેળવીને પેસ્ટ બનાવો અને ઉમેરો. ખાંડ નાખીને ૧-૨ મિનિટ જાડું થાય ત્યાં સુધી ઉકાળો. ગૅસ બંધ કરી એલચી પાઉડર છાંટો. ઉપર ક્રીમ, તમાલપત્રનાં પત્તાં અને લવિંગ મૂકો. સર્વ કરતી વખતે માર્શમૅલો ઉમેરો.