આજની રેસિપી: કર્ણાટક સ્ટાઇલ ખારા ભાત

11 June, 2026 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કર્ણાટક સ્ટાઇલ ખારા ભાત રેસિપી આ રીતે બનાવી શકીએ

કર્ણાટક સ્ટાઇલ ખારા ભાત

સામગ્રી : ૨૦૦ ગ્રામ રવો / સૂજી, પચીસ મિલી તેલ, ૨૦ ગ્રામ ઘી, ૧૦ ગ્રામ બટર (અંતમાં ચમક અને નરમ ટેક્સચર માટે), ૧૫ ગ્રામ કાજુ, પાંચ ગ્રામ રાઈ, ૩ ગ્રામ જીરુ, ૧૦ ગ્રામ ચણાની દાળ (૧૫ મિનિટ પલાળેલી), ૧૦ ગ્રામ અડદની દાળ, ૮-૧૦ કઢીપત્તાં બે લીલાં મરચાં (ઝીણાં સમારેલાં), ૧૦ ગ્રામ આદુ (ઝીણું સમારેલું), બે સૂકાં લાલ મરચાં, એક ચપટી હિંગ, ૮૦ ગ્રામ ડુંગળી (ઝીણી સમારેલી), ૬૦ ગ્રામ ગાજર (ઝીણું સમારેલું), ૪૦ ગ્રામ લીલા વટાણા, ૪૦ ગ્રામ ફણસી (સમારેલી), ૪૦ ગ્રામ કૅપ્સિકમ (સમારેલું), પાંચ ગ્રામ મીઠું અથવા સ્વાદ મુજબ, ૩ ગ્રામ હળદર, ૧૨ ગ્રામ ખારા ભાત મસાલો / સાંભાર પાઉડર, ૮૦૦ મિલી ઊકળતું ગરમ પાણી, ૧૦ મિલી લીંબુનો રસ, ૧૦ ગ્રામ લીલી કોથમીર, ૨૦ ગ્રામ ટામેટાં (ગાર્નિશ માટે સમારેલાં)

બનાવવાની રીત : રવો શેકવો. એક કડાઈમાં રવાને ધીમા તાપે ૪-૫ મિનિટ સુધી હળવો શેકી લો. રવો રંગ ન બદલે તેનું ધ્યાન રાખવું. શેકાયેલો રવો અલગ કાઢી રાખો. વઘાર તૈયાર કરવોઃ એ જ કડાઈમાં તેલ અને ઘી ગરમ કરો. તેમાં રાઈ ઉમેરો. રાઈ તડતડે પછી જીરુ ઉમેરો. ત્યાર બાદ ચણાની દાળ, અડદની દાળ અને કાજુ ઉમેરી હળવાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે કઢીપત્તાં, લીલા મરચાં, સૂકાં લાલ મરચાં, આદુ અને હિંગ ઉમેરો. શાકભાજી ઉમેરવી :  ડુંગળી ઉમેરી હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી ગાજર, વટાણા, ફણસી અને કૅપ્સિકમ ઉમેરો.  ૩-૪ મિનિટ સુધી શાકભાજી નરમ થાય ત્યાં સુધી સાંતળો. મસાલા ઉમેરવાઃ હળદર, મીઠું અને ખારા ભાત મસાલો (અથવા સાંભાર પાઉડર) ઉમેરો. સારી રીતે મિક્સ કરો. પાણી અને રવો ઉમેરવો :  હવે ૮૦૦ મિલી ઊકળતું ગરમ પાણી ઉમેરો. પાણી ઊકળવા લાગે ત્યારે ધીમે ધીમે શેકેલો રવો ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો, જેથી ગાંઠો ન પડે. કડાઈ ઢાંકી ધીમા તાપે ૫-૭ મિનિટ સુધી રાંધો. ફાઇનલ ટચઃ ગૅસ બંધ કર્યા પછી બટર અને લીંબુનો રસ ઉમેરો. હળવેથી મિક્સ કરો. ઉપરથી કોથમીર અને સમારેલાં ટામેટાં છાંટો. 

પીરસવાની રીત : ગરમાગરમ ખારા ભાતને નાળિયેરની ચટણી, સાંભાર અથવા દહીં સાથે પીરસો.

food news indian food karnataka food and drink