સાદા ઉત્તપમને જો ટાકોઝના રૂપમાં તમારી સામે મૂકવામાં આવે તો?

22 April, 2021 11:57 AM IST  |  Mumbai | Jigisha Jain

કંઈ નવું અને એ પણ ૧૦૦ ટકા શાકાહારી અને હોમમેડ ટ્રાય કરવું હોય તો મિહિર પાસે છે તમારા માટે પચાસથી પણ વધારે ફ્યુઝન ડિશિસ

ઉત્તપમ ટાકોઝ

તો એક વાર ટ્રાય કરવાની ઇચ્છા તો થઈ જ આવેને? વિલે પાર્લેમાં રહેતા મિહિર શેઠને જ્યારે લૉકડાઉનમાં પોતાની અંદર રહેલા શેફને જગાડવાનો મોકો મળ્યો ત્યારે બન્યું સાઉથ ઇન્ડિયન અને પૅન-એશિયન ક્વિઝીનનું ફ્યુઝન અને જન્મ થયો સાંબર ઍન્ડ સૉયનો. કંઈ નવું અને એ પણ ૧૦૦ ટકા શાકાહારી અને હોમમેડ ટ્રાય કરવું હોય તો મિહિર પાસે છે તમારા માટે પચાસથી પણ વધારે ફ્યુઝન ડિશિસ

જ્યારે તમને સાઉથ ઇન્ડિયન અને પૅન-એશિયન ક્વિઝીનના ફ્યુઝનની વાત કરવામાં આવે ત્યારે તમને શું સૂઝે છે? શેઝવાન ઢોસા કે ચિલી ઇડલી ફ્રાય કે સ્પ્રિંગ ઢોસા. આ ચીલાચાલુ સ્ટ્રીટ સ્ટાઇલ ફ્યુઝનથી આગળ વધીને કંઈ નવું ટ્રાય કરવું હોય તો? જો રસમની સાથે રામન (નૂડલ્સ સાથે બનતી એક જૅપનીઝ ડિશ)નું ફ્યુઝન હોય કે પછી પીતા બ્રેડ સાથે દાળવડાનું કૉમ્બિનેશન કરીને એમાં પોડી પાઉડર મિક્સ કરીને તાહિની બનાવીને નવા પ્રકારનું હમસ પીરસાયું હોય કે પછી ઉત્તપમને ટાકોઝનું રૂપ આપવામાં આવ્યું હોય તો આ વાંચીને કે સાંભળીને એક વાર ટ્રાય કરવાની ઇચ્છા તો થઈ જ આવે. 
પાર્લામાં રહેતા મિહિર શેઠને લૉકડાઉનમાં ચડેલા રસોઈના ચસકાએ આ ક્રીએટિવ રૂપ ધારણ કર્યું એને લગભગ વરસ થવા આવ્યું. મિહિરે લૉકડાઉનમાં પાંચ જણના પરિવારનું ડિનર બનાવવાની જવાબદારી પોતાના માથે લીધી હતી, જેનું પરિણામ એ આવ્યું કે વર્ષોથી તેની અંદર રહેલો શેફ જાગી ગયો. હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં આવેલી મંદીને કારણે આ ફીલ્ડમાં મૅનેજમેન્ટનું કામ કરતા મિહિરને લાગ્યું કે હવે કામ ક્યારે શરૂ થાય એની રાહ જોવા કરતાં ખુદ જ પોતાનું કંઈ નવું શરૂ કરીએ અને જન્મ થયો સાંબર ઍન્ડ સૉયનો. 
પોતે ગુજરાતી અને દરરોજ બે ટંક ગુજરાતી જ જમવાનું જમતા મિહિરને અચાનક સાઉથ ઇન્ડિયન અને પૅન એશિયન ફૂડનું ફ્યુઝન કરવાનું કેમ સૂઝ્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં તેણે કહ્યું કે તે પોતે ઘણી એવી રેસ્ટોરાં હૅન્ડલ કરી ચૂક્યો છે જે પૅન એશિયન ક્વિઝીન પીરસતી હોય એટલે એ કઈ રીતે મૅનેજ કરવું એનો એને આઇડિયા હતો. આ સિવાય લૉકડાઉન પહેલાં તે બૅન્ગલોરમાં એક સાઉથ ઇન્ડિયન ઉડુપી સ્ટાઇલ પબ ખોલવા માટેના કામમાં જોડાયેલો હતો જ્યાં તેણે ઘણી જુદી-જુદી સાઉથ ઇન્ડિયન ડિશિસ ચાખી. એ ખાઈને તેને લાગ્યું કે મુંબઈમાં આ વસ્તુ લાવવી જોઈએ. ક્યાં સુધી સાઉથ ઇન્ડિયનના નામે આપણે ઇડલી-ઢોસા જ ખાધા કરીશું? 
મિહિરે સૌથી પહેલાં જે ફ્યુઝન વિચાર્યું હતું એ છે દાળવડા પીતા પૉકેટ. મિડલ-ઈસ્ટર્ન પીતા બ્રેડ સાથે સાઉથ ઇન્ડિયન દાળવડાં એકદમ ફલાફલ જેવી ફીલ આપે છે અને જ્યારે તલની પેસ્ટથી બનેલી ફીકી તાહિનીમાં ભળતો પોડી પાઉડર એને એકદમ દેશી ઇન્ડિયન ચટાકો આપે છે. આ ડિશ પછી મિહિરે ઉપરાઉપરી આ પ્રકારના ફ્યુઝનથી ભરેલી ૫૦થી પણ વધુ ડિશિસ બનાવી છે. મજાની વાત એ છે કે આ અનોખી વાનગીઓ બધી જ શાકાહારી છે. દર શુક્ર-શનિવારનું ડિનર અને રવિવારનું લંચ ડિલિવર કરતા મિહિર શેઠને હવે દરરોજ વન પૉટ મીલ પ્રકારનું લંચ શરૂ કરવાની ઇચ્છા છે. 
મિહિરની વાનગીઓ જ નહીં, એમનાં નામ પણ ખૂબ જ રસપ્રદ હોય છે. સુપ્રીમ સૉય એડમામી ફ્રાઇડ રાઇસનું નામ સાંભળીને કોઈ પણ અંજાઈ જાય. એડમામી જૅપનીઝ સોયાબીનનો એક પ્રકાર છે. આ ડિશ માટે કેરલાના સ્પેશ્યલ મટ્ટા ભાતનો ઉપયોગ કરવામાં આવે છે એ પચવામાં હલકા અને હાયર ન્યુટ્રિશન વૅલ્યુ હોય છે. નૂડલ્સમાં ડેન ડેન નૂડલ્સ તેમની ઘણી પ્રખ્યાત વાનગી છે જે ફ્લૅટ નૂડલ્સ છે જેને ચિલી-ગાર્લિક ઑઇલ અને સેસમી-પીનટ સૉસ સાથે ખાઈ શકાય છે. 
આ સિવાય મલેશિયાની એક નૅશનલ ડિશ છે, જેનું નામ છે નાસી-લેમાક. આ ડિશમાં વપરાતા રાઇસને બટરફ્લાય પી ફ્લાવર સાથે પકવવામાં આવે છે, જેને કારણે એ રાઇસ બ્લુ રંગનો જોવા મળે છે. એક્ઝૉટિક ફીલવાળી આ વાનગીમાં પનીર, પીનટ્સ, કાકડી, ફ્રાઇડ અન્યનનો પણ સમાવેશ કરવામાં આવે છે. 
આ સિવાય સિચુઆન પોચ્ડ વૉન્ટોન નામની વાનગીમાં વૉન્ટોનને બૉઇલ્ડ રૂપમાં જ રાખવામાં આવે છે, પરંતુ એ જે લિક્વિડમાં સર્વ કરવામાં આવે છે એને ચિલી ઑઇલ અને બ્લૅક પેપર ઉમેરીને સ્પાઇસી બનાવ‌વામાં આવે છે. સિચુઆન ચાઇનાનો એક પ્રદેશ છે જ્યાંના ખોરાકનો પ્રકાર એના નામે જ ઓળખાતો હોય છે.  
કોઈ પણ મેનુ ડીઝર્ટ વગરનું અધૂરું લાગતું હોય છે. મિહિર પાસે ડીઝર્ટ માટે છે સૌની ફેવરિટ એવી ફિલ્ટર કૉફીની ચીઝ કેક, જે માટીના કુલ્હડમાં સર્વ કરે છે.  
ગુજરાતી વાનગીઓનું ફ્યુઝન નથી સૂઝતું એ પ્રશ્નના જવાબમાં મિહિર કહે છે, ‘ઘરમાં હું ઘણી વાર થેપલાં ક્રીમ ચીઝ અને મેથીના મસાલા સાથે જ ખાઉં છું. મારા ઘરમાં બધાને પોંક ખૂબ ભાવે છે. કોઈ વાર પોંક સાથે કોઈ ફ્યુઝન બનાવવાની ટ્રાય ચોક્કસ કરીશ.’ 
જ્યારે સાંબર અને સૉયના ભવિષ્યની વાત કરતાં મિહિર કહે છે, ‘અમે નજીકના ભવિષ્યમાં અમારા ખુદના સૉસિસ લૉન્ચ કરવા માગીએ છીએ અને આ સિવાય થોડા મલબાર ચિપ્સ જેવા પૅકેટ ફૂડ પણ. આ સિવાય અમારા ફૂડની વિશેષતા જ હોમમેડ ફૂડ છે.’ 

અર્ધાંગિનીનો સપોર્ટ

મિહિરને જ્યારે આ કામ શરૂ કરવું હતું ત્યારે તેને ટેકો મળ્યો તેની અર્ધાંગિની પરન શેઠનો, જે ખુદ એક પ્રોફેશનલ તરીકે કામ કરે છે. પરને આ કામનું માર્કેટિંગ અને સોશ્યલ મીડિયાનું કામ સંભાળી લીધું. સાંબર ઍન્ડ સૉય દર અઠવાડિયે પોતાનું નિશ્ચિત મેનુ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરે છે અને વૉટ્સઍપ પર પણ જાણીતા લોકોને ફૉર્વર્ડ કરે છે. મિહિર અને પરન એ રીતે મૉડર્ન કપલ્સનું બેસ્ટ ઉદાહરણ છે જ્યાં પતિ નવી-નવી ડિશ ઈજાદ કરે છે અને પત્ની એને વેચવામાં મદદરૂપ બને છે. મેનુમાંથી પસંદ કરીને લોકો તેમને ઑર્ડર આપે છે. વાનગીઓ તેમના ઘરે ડિલિવર થાય છે.

columnists mumbai food Jigisha Jain