19 October, 2024 10:16 AM IST | Mumbai | Darshini Vashi
સ્ટોલ, પેરી પેરી બ્લૂમિંગ અન્યન
અમુક ફૂડનાં નામ સાંભળીને આપણે વિચારતા થઈ જઈએ છીએ કે ભાઈ, આ છે શું? શેમાંથી બન્યું છે? કેવું લાગે છે? વગેરે-વગેરે. આવાં જ અટપટાં નામવાળી વાનગી વેચતું એક આઉટલેટ કાંદિવલીના મહાવીરનગરમાં શરૂ થયું છે. એક વાનગી છે કૉર્ન ડૉગ અને બીજી છે બ્લૂમિંગ અન્યન. આ મૂળ કોરિયન આઇટમ છે, પરંતુ ભારતીયો અને ખાસ કરીને વેજિટેરિયન કમ્યુનિટીને ધ્યાનમાં રાખીને આ વાનગીને સંપૂર્ણ વેજ ડિશમાં કન્વર્ટ કરીને અહીં પીરસવામાં આવી રહી છે.
મહાવીરનગરમાં ફેમસ જંગલ જૂસની બરાબર સામે ‘અલા બેલા મોઝરેલા’ નામનો એક ફૂડ-સ્ટૉલ આવેલો છે જેને શરૂ થયાને હજી પાંચેક મહિના જ વીત્યા છે. ત્યાં બ્લૂમિંગ અન્યન અને કૉર્ન ડૉગ જેવી વિવિધ વરાઇટી મળી રહી છે, પરંતુ આ નવી વરાઇટી વિશે વાત શરૂ કરતાં પહેલાં આવી અલગ જ પ્રકારની ડિશ લાવવાનું કેવી રીતે સૂઝ્યું એ જાણીએ. અલા બેલા મોઝરેલા સ્ટૉલના ઓનર અનમોલ મહેતા આ વિશે કહે છે, ‘ગયા વર્ષે અમે થાઇલૅન્ડ ગયા હતા જ્યાં અમે સ્ટ્રીટ પર બ્લૂમિંગ અન્યન બનતાં જોયાં હતાં. જોઈને વિચાર આવ્યો કે આ વસ્તુ આપણે ત્યાં પણ ચાલશે અને પછી બ્લૂમિંગ અન્યનને આપણા દેશી ટેસ્ટમાં લોકોને પસંદ કેવી રીતે પડશે એના પર રિસર્ચ કર્યું. અમુક ફેરફાર કર્યા અને પછી છ મહિના પહેલાં એને લોકો સામે મૂકી. આ સિવાય અમે કોરિયન ફૂડ કૉર્ન ડૉગ પણ રજૂ કર્યું છે. નામ વાંચીને એક વખત તો એવું જ લાગે કે આ કોઈ નૉનવેજ ફૂડ છે, પણ હકીકતમાં આ પ્યૉર વેજ છે. કોરિયન વર્ઝનને પ્રૉપર ઇન્ડિયન વર્ઝનમાં રજૂ કર્યું છે, જેને લોકોનો સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે.’
આ આઉટલેટ અનમોલ મહેતા અને તેમની વાઇફ ચાર્મી મહેતા સાથે મળીને ચલાવી રહ્યાં છે. તેઓ ફૂડ-ઇન્ડસ્ટ્રીની સાથે ઘણાં વર્ષોથી સંકળાયેલાં છે. તેમણે અનેક ઉતારચડાવ પણ જોયા છે. આ વિશે માહિતી આપતાં ચાર્મી મહેતા કહે છે, ‘૨૦૧૭માં મારી ફૂડ ટ્રક હતી જેમાં અમે બધી ફાસ્ટ ફૂડ આઇટમો રાખી હતી. ત્યારે ફૂડ ટ્રકનો કન્સેપ્ટ નવો-નવો હતો. પરંતુ સ્ટ્રીટ પર ઘણી હેરાનગતિ થતી એટલે અમારે એ બંધ કરી દેવું પડ્યું હતું. ત્યાર બાદ અમે ૨૦૧૯માં બોરીવલીના પ્રખ્યાત પ્લે એરિયામાં અમારું કિચન શરૂ કર્યું, એ સફળ રહ્યું પરંતુ કોરોના આવતાં બધું ઠપ થઈ ગયું હતું અને અમે ગુજરાત જતાં રહ્યાં હતાં. કોરોનાનો કેર ઠંડો થતાં અમે મુંબઈ પાછાં ફર્યાં હતાં. પછી વિદેશમાં આ બે વાનગીઓ વિશે જાણ્યા બાદ અમે એને અહીં મૂકી હતી.’
શેઝવાનકૉર્ન ડૉગ
હવે અહીં મળતી ડિશ વિશે વાત કરીએ તો કૉર્ન ડૉગને ચીઝ અને મિક્સ ફ્લોરમાંથી બનાવવામાં આવે છે. એમાં લગભગ ૨૦૦ ગ્રામ ચીઝ અને નાચણી, કૉર્ન જેવા મલ્ટિગ્રેન ફ્લોરનો ઉપયોગ કરીને આઉટર લેયર બનાવવામાં આવે છે, જેને પછી તળવામાં આવે છે. ઉપર અલગ-અલગ સૉસ અને મસાલા નાખીને સર્વ કરવામાં આવે છે જેમાં ક્લાસિક, ક્રિસ્પી, સેઝવાન, મેસી-મેસી જેવી અનેક વરાઇટી આવે છે. આવી જ રીતે બ્લૂમિંગ અન્યનને ફ્લાવર જેવા શેપમાં મશીનથી કટ કરવામાં આવે છે અને પછી મલ્ટિગ્રેનના બૅટરમાં ડિપ કરીને તળવામાં આવે છે. નો ડાઉટ આ ડિશ મલ્ટિગ્રેનની તો છે પણ સાથે ડીપ ફ્રાઇડ પણ કરેલી છે એટલે ટોટલી હેલ્ધી ન કહેવાય, પરંતુ મન્ચિંગ માટે અને કંઈક નવું ટ્રાય કરવા માટે આ ડિશ પર પસંદગી ઉતારી શકાય છે. આની અંદર પેરી પેરી, તંદૂરી, પહાડી, હરિયાલી જેવી વરાઇટી આવે છે.
ક્યાં મળશે? : અલા બેલા મોઝરેલા, જંગલ જૂસની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)
સમય : બપોરે ૪ વાગ્યાથી રાત્રે ૧૧.૩૦ સુધી