07 July, 2026 05:54 PM IST | Mumbai | Ruchita Shah
મિલ્ક ચોકલેટ
આજે વર્લ્ડ ચૉકલેટ ડે છે ત્યારે માર્કેટમાં મળતી સાદી ચૉકલેટ ખાવાને બદલે કંઈક નવું ટ્રાય કરો. આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરની લક્ઝરી ચૉકલેટ્સ અને પ્રીમિયમ ડિઝર્ટ્સનો ક્રેઝ ખૂબ વધ્યો છે - ખાસ કરીને ગ્લોબલ ટ્રેન્ડ બનેલી ક્રન્ચી કુનાફા ચૉકલેટ કે નટ્સ અને બેરીઝથી ભરપૂર રૉક્સ. આ ખાસ દિવસની ઉજવણીને વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવા માટે અહીં ખાસ વૈશ્વિક સ્તરની ટેક્નિક અને પ્યૉર પ્રીમિયમ ક્વૉલિટીની ચૉકલેટની પાંચ રેસિપીઝ જાણીએ ઇન્ટરનૅશનલ શેફ અને બેકર હર્ષદ સેન્જલિયા પાસેથી
મિલ્ક ચૉકલેટ હેઝલનટ બાર
સામગ્રી : કુવરચુર મિલ્ક ચૉકલેટ ૪૫ ગ્રામ, શેકેલા હેઝલનટ ૧૦ ગ્રામ, ફ્રેન્ચ બિસ્કિટ પાંચ ગ્રામ
બનાવવાની રીત : શેલ તૈયાર કરવા માટે સૌથી પહેલાં મિલ્ક ચૉકલેટને ૪૫ ડિગ્રી તાપમાન પર ઓગાળો. એને માર્બલ ટેબલ પર સ્ક્રૅપરથી ૨૯ ડિગ્રી સુધી ઠંડી કરો અને ફરીથી કાચના બાઉલમાં લઈ માઇક્રોવેવ કરીને ૩૦-૩૫ ડિગ્રી તાપમાન સુધી લાવો. આ ચૉકલેટને સિલિકૉન મૉલ્ડમાં સહેજ છાંટીને પાંચ મિનિટ ફ્રિજમાં સેટ કરો. ત્યાર બાદ મૉલ્ડની અંદર બધી બાજુ ચૉકલેટનું સરસ પડ બ્રશથી લગાવી દો અને ૧૦-૧૫ મિનિટ ફ્રિજમાં સેટ થવા મૂકો.
હવે અંદરની ફિલિંગ બનાવવા માટે શેકેલા હેઝલનટ અને ફ્રેન્ચ બિસ્કિટને એકસાથે મિક્સ કરીને આ મિશ્રણને ચૉકલેટ મૉલ્ડમાં ભરો. મૉલ્ડને ફ્રિજમાં બરાબર કડક થાય ત્યાં સુધી મૂકો. સેટ થઈ ગયા બાદ મૉલ્ડમાંથી કાઢીને ઠંડું સર્વ કરો.
ડાર્ક ચૉકલેટ બદામ રૉક્સ
સામગ્રી : કુવરચુર ડાર્ક ચૉકલેટ ૨૫૦ ગ્રામ અને શેકેલી બદામ ૧૨૫ ગ્રામ
બનાવવાની રીત : બદામના ટુકડાને બેકિંગ ટ્રે પર ફેલાવીને ૧૬૦ ડિગ્રી પર અવનમાં ૮-૧૦ મિનિટ માટે શેકો અથવા પૅનમાં મીડિયમ આંચ પર ૩-૫ મિનિટ સુગંધ આવે ત્યાં સુધી શેકો અને એને ઠંડા થવા દો.
હવે ડાર્ક ચૉકલેટને ૪૫-૫૦ ડિગ્રી પર ઓગાળો. માર્બલ ટેબલ પર સ્ક્રૅપરની મદદથી ૨૯ ડિગ્રી સુધી ઠંડી કરો અને ફરી કાચના બાઉલમાં માઇક્રોવેવ કરીને ૩૧-૩૨ ડિગ્રી સુધી ગરમ કરો. ચૉકલેટ સહેજ નવશેકી થાય એટલે એમાં શેકેલી બદામ ઉમેરીને બરાબર મિક્સ કરો, જેથી બધી બદામ પર ચૉકલેટનું કોટિંગ થઈ જાય.
રૉક્સ બનાવવા એક ટ્રે કે પ્લેટમાં બટર પેપર રાખો અને એમાં ચમચીની મદદથી ૨-૩ બદામ સાથે આવે એ રીતે નાના-નાના ઢગલા પેપર પર મૂકો. આ ટ્રેને ૧૦-૧૫ મિનિટ માટે ફ્રિજમાં મૂકો, જેથી ચૉકલેટ બરાબર કડક થઈ જાય. એને ઍર-ટાઇટ કન્ટેનરમાં ભરીને રાખો.
ચૉકલેટ કુનાફા
સામગ્રી : ક્રન્ચી ફિલિંગ માટે કેતાઇફી એટલે કે કુનાફા ડો ૧૫ ગ્રામ (ઝીણું સમારેલું), ઘી ૩ ગ્રામ, પિસ્તા પેસ્ટ ૩૦ ગ્રામ, વાઇટ ચૉકલેટ ૧૫ ગ્રામ, ચૉકલેટ શેલ બનાવવા માટે ૧૩૫ ગ્રામ ટુકડા કરેલી ડાર્ક અથવા મિલ્ક ચૉકલેટ
બનાવવાની રીત : એક પૅનમાં મધ્યમ આંચે ઘી ગરમ કરો. એમાં સમારેલો કુનાફા ડો ઉમેરીને સતત હલાવતા રહો. આઠથી ૧૦ મિનિટમાં જ્યારે એ ઘાટો સોનેરી અને ક્રિસ્પી થઈ જાય ત્યારે ગૅસ બંધ કરીને એને ઠંડું થવા દો. ફિલિંગ બનાવવા માટે એક મોટા વાસણમાં ઠંડો થયેલો કુનાફા, પિસ્તા પેસ્ટ અને ઓગળેલી વાઇટ ચૉકલેટ મિક્સ કરીને બાજુ પર રાખો.
હવે શેલ એટલે કે બહારનું પડ તૈયાર કરવા માટે ડાર્ક અથવા વાઇટ ચૉકલેટને ૪૫-૫૦ ડિગ્રી તાપમાન સુધી ઓગાળો. એને માર્બલ ટેબલ પર ચૉકલેટ સ્ક્રૅપરની મદદથી ૨૮ ડિગ્રી થાય ત્યાં સુધી ઠંડી કરો. ત્યાર બાદ ફરીથી કાચના બાઉલમાં લઈને માઇક્રોવેવ કરો જ્યાં સુધી એનું તાપમાન ૩૧-૩૨ ડિગ્રી ન થાય. હવે આ ચૉકલેટને સિલિકૉન મૉલ્ડમાં અથવા બટર પેપર લગાવેલી બેકિંગ ટ્રેમાં સહેજ છાંટો અને સેટ થવા માટે પાંચ મિનિટ ફ્રિજમાં મૂકો. ત્યાર બાદ ઓગળેલી ડાર્ક કે મિલ્ક ચૉકલેટને મૉલ્ડની અંદર અને કિનારીઓ પર સરખી રીતે બ્રશથી લગાવો. એને ૧૦-૧૫ મિનિટ ફ્રિજમાં સેટ થવા મૂકો. હવે તૈયાર થયેલા આ કડક ચૉકલેટ શેલમાં પિસ્તા-કુનાફાનું ફિલિંગ બરાબર દબાવીને ભરો. ઉપર થોડી જગ્યા ખાલી રાખવી. બાકી વધેલી ઓગળેલી ચૉકલેટને ફિલિંગની ઉપર રેડીને મૉલ્ડને બરાબર સીલ કરી દો. મૉલ્ડને હળવેથી ટૅપ કરો જેથી ઉપરનું પડ સરખું સેટલ થઈ જાય. આને ફ્રિજમાં બરાબર સેટ થાય ત્યાં સુધી મૂકો. પૂરેપૂરી સુકાઈ ગયા બાદ મૉલ્ડમાંથી બહાર કાઢીને ઠંડી-ઠંડી સર્વ કરો.
બ્લુબેરી વાઇટ ચૉકલેટ
સામગ્રી : બ્લુબેરી ફિલિંગ માટે તાજી બ્લુબેરી ૧૧૦ ગ્રામ, પીસેલી સાકર ૮૦ ગ્રામ, લીંબુનો રસ ૩ ગ્રામ અને કોટિંગ માટે વાઇટ કુવરચુર ચૉકલેટ ૨૫૦ ગ્રામ
બનાવવાની રીત : એક પૅનમાં તાજી બ્લુબેરી અને સાકર નાખીને એને મીડિયમ ફ્લેમ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય અને એનું તાપમાન ૧૦૪ ડિગ્રી સુધી ન પહોંચે. પછી ગૅસ બંધ કરી એમાં લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો અને ઠંડું થવા દો.
હવે વાઇટ ચૉકલેટને ૪૦-૪૫ ડિગ્રી તાપમાન સુધી ઓગાળો. માર્બલ ટેબલ પર સ્ક્રૅપરથી ૨૫-૨૬ ડિગ્રી સુધી ઠંડી કરો અને ફરી કાચના બાઉલમાં માઇક્રોવેવ કરીને ૨૮-૩૦ ડિગ્રી સુધી ગરમ કરો. આ ચૉકલેટને મૉલ્ડમાં સહેજ છાંટીને પાંચ મિનિટ ફ્રિજમાં મૂકો. ત્યાર બાદ મૉલ્ડમાં બધી બાજુ ચૉકલેટનું સરખું પડ બ્રશથી લગાવીને ૧૦-૧૫ મિનિટ ફ્રિજમાં સેટ કરો. હવે મૉલ્ડમાં તૈયાર થયેલું બ્લુબેરી ફિલિંગ ભરો અને થોડી વાર ફ્રિજમાં સેટ થવા મૂકો. સેટ થઈ જાય એટલે ઉપરથી બાકીની ચૉકલેટ રેડીને પૅક કરો. ટ્રેને ૧૦-૧૫ મિનિટ ફ્રિજમાં રાખો જેથી ચૉકલેટ બરાબર જામી જાય. ત્યાર બાદ ઍર-ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
પીનટ બટર ડાર્ક ચૉકલેટ
સામગ્રી : પીનટ બટર ફિલિંગ માટે શેકેલી સિંગ ૩૦ ગ્રામ, ચપટી જેટલું મીઠું, પીસેલી સાકર ૨૦ ગ્રામ, શેકેલી સિંગના ટુકડા ૧૫ ગ્રામ, ચૉકલૅટ શેલ બનાવવા માટે ઓગળેલી કુવરચુર ડાર્ક ચૉકલેટ ૨૫૦ ગ્રામ
બનાવવાની રીત : સિંગદાણાને બેકિંગ શીટ પર ફેલાવીને ૧૬૦ ડિગ્રી પર અવનમાં ૩૦ મિનિટ માટે શેકો. ત્યાર બાદ એને બરાબર ઠંડા થવા દો. હવે ફિલિંગ બનાવવા ૧૫ ગ્રામ સિંગના નાના-નાના ટુકડા કરીને બાજુ પર રાખો. બાકીની શેકેલી સિંગ, મીઠું અને દળેલી ખાંડને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને સ્મૂધ પેસ્ટ પીનટ બટર બનાવી લો. આ પેસ્ટમાં પેલા રાખેલા સિંગના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરીને બાજુ પર રાખો.
શેલ તૈયાર કરવા ડાર્ક ચૉકલેટને ૪૫-૫૦ ડિગ્રી પર ઓગાળો. માર્બલ ટેબલ પર સ્ક્રૅપરથી ૨૮ ડિગ્રી સુધી ઠંડી કરીને ફરી કાચના બાઉલમાં માઇક્રોવેવ કરીને ૩૧-૩૨ ડિગ્રી સુધી લાવો. આ ચૉકલેટને મૉલ્ડમાં સહેજ છાંટીને પાંચ મિનિટ ફ્રિજમાં મૂકો. ત્યાર બાદ ફરીથી ઓગળેલી ચૉકલેટને મૉલ્ડની અંદરની બાજુ અને કિનારીઓ પર સરખી રીતે બ્રશથી લગાવી ૧૦-૧૫ મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા મૂકો. તૈયાર થયેલા શેલમાં પીનટ બટરનું ફિલિંગ ભરો અને થોડી વાર ફ્રિજમાં સેટ થવા દો. ફિલિંગ સેટ થાય એટલે ઉપરથી બાકીની ઓગળેલી ચૉકલેટ રેડીને આખો બાર સીલ કરી દો. મૉલ્ડને હળવેથી ટેપ કરો, જેથી ઉપરની સપાટી સરખી થઈ જાય. આને ફ્રિજમાં બરાબર કડક થાય ત્યાં સુધી મૂકો. સરસ રીતે જામી ગયા પછી મૉલ્ડમાંથી બહાર કાઢી ઠંડી-ઠંડી ઠંડી ચૉકલેટની મજા લો.
કોણ છે શેફ હર્ષદ સેન્જલિયા?
ટ્રેડિશનલ કરીઅરની ઘરેડ તોડીને પોતાના પૅશનને વરેલા દહિસરના ૩૬ વર્ષના આંતરરાષ્ટ્રીય શેફ અને બેકર હર્ષદ સેન્જલિયાની જર્ની રોલરકોસ્ટર જેવી રહી છે. વિશ્વ તેમ જ એશિયાની સૌથી મોટી ક્રૂઝ શિપમાં ૩ વર્ષ કામ કર્યા બાદ તેમણે અફઘાનિસ્તાનના કંદહારસ્થિત અમેરિકન આર્મી બેઝ-કૅમ્પમાં હેડ બેકર તરીકે જોખમી વાતાવરણ વચ્ચે પણ હાઈ-ક્વૉલિટી બેકિંગનો બહોળો અનુભવ મેળવ્યો છે. વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યા બાદ ભારત પાછા ફરેલા શેફ હર્ષદે શેફ દે પાર્ટી નામે પોતાનું સફળ બેકરી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમની વિશેષતા આંતરરાષ્ટ્રીય સ્તરનાં વિદેશી ડિઝર્ટ્સને ભારતીય સ્વાદ મુજબ દેશી ટચ આપવાની છે.